52 લાખની લાલચ, રશિયા ભણવા ગયેલો અનુજ યુક્રેન સામે યુદ્ધમાં ઉતર્યા બાદથી ગુમ, પરિજનો બેહાલ

Russia-Ukraine War: હરિયાણાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં 21 વર્ષીય અનુજ નામનો યુવક સ્ટડી વીઝા પર રશિયા ગયો હતો, તેને આશા હતી કે ત્યાં જઈને તેને કામ મળી જશે અને તે પોતાના પરિવારની આર્થિક સ્થિતિ સુધારી દેશે. અનુજ રશિયા પહોંચ્યો અને તેને કામ પણ મળ્યું. પરંતુ, ત્યાંના એક એજન્ટ દ્વારા તેને 52 લાખ રૂપિયાની લાલચ આપી પોતાની જાળમાં ફસાવી દીધો. એજન્ટ દ્વારા અનુજને 10 દિવસની ટ્રેનિંગ આપ્યા બાદ સીધું યુક્રેન સામે યુદ્ધ કરવા માટે મેદાનમાં મોકલી દેવાયો. પરિવારના લોકોએ જણાવ્યું કે, 13 ઓક્ટોબર પછી તેની કોઈ ખબર નથી. હવે પરિવાર અનુજને પરત લાવવા માટે મદદ માંગી રહ્યો છે.
આ પણ વાંચોઃ સસ્તી ટિકિટ, નો કેન્સલેશન ફી... ઈન્ડિગો સંકટ વચ્ચે એર ઈન્ડિયાનો મુસાફરોના હિતમાં નિર્ણય
6 લાખનો ખર્ચ કરી રશિયા પહોંચ્યો
મળતી માહિતી મુજબ, અનુજ ઘરની આર્થિક સ્થિતિ સુધારવા માટે 6 લાખ રૂપિયા આપીને રશિયા પહોંચ્યો હતો. ત્યાં તેને એક જીમમાં નોકરી મળી ગઈ હતી. જોકે, થોડા દિવસો બાદ એક એજન્ટે તેની સાથે અમુક અન્ય યુવકોને ફોસલાવીને રશિયાની આર્મીમાં સામેલ થવા કહ્યું. જેમાંથી ઘણાં આર્મીમાં સામેલ થયા અને અમુકે આ વાતનો ઇનકાર કરી દીધો.
10 દિવસની ટ્રેનિંગ બાદ યુદ્ધ મેદાને મોકલ્યો
યુવકોના ઇનકાર બાદ એજન્ટોએ ફરી પ્રયાસ કર્યો અને આ વખતે 52 લાખ રૂપિયાની લાલચ આપી. સાથે જ કહ્યું કે, આ રકમ ધીમે-ધીમે કરીને તમારા બેન્ક એકાઉન્ટમાં આવશે. બાદમાં અનુજ તેમની વાતોમાં આવી ગયો અને રશિયાની આર્મીમાં સામેલ થઈ ગયો. તેને 10 દિવસની ટ્રેનિંગ આપવામાં આવી હતી અને બાદમાં યુદ્ધ મેદાને મોકલી દેવાયો હતો.
પરિવારના લોકોએ જણાવ્યું કે, 13 ઓક્ટોબરે છેલ્લીવાર ઘરે અનુજની વાત થઈ હતી અને તેણે જણાવ્યું હતું કે, અમને રેડ ઝોન એટલે કે ફ્રન્ટ લાઇનમાં મોકલવામાં આવી રહ્યા છે. ત્યાર પછી તેની સાથે કોઈ વાત નથી થઈ. અનેક યુવકો ભારત પરત આવી ગયા છે, જે પહેલાં ત્યાં ફસાયેલા હતા પરંતુ અનેક યુવકો હજુ ત્યાં ફસાયેલા છે, જેમાં અનુજ પણ છે અને તે છેલ્લાં દોઢ મહિનાથી ગુમ છે.

