ફેક આઇડીના ખડકલા સાથે નકલી RAW ઑફિસર પકડાયો, જજને પણ પ્રેમ જાળમાં ફસાવીને લગ્ન કર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Fake Raw Officer Arrested in Uttar Pradesh: ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ(STF)ની ટીમે બુધવારે વહેલી સવારે એક વ્યક્તિની ધરપકડ કરી, જે પોતાને ક્યારેક 'રૉ' (RAW-રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ) અધિકારી તો ક્યારેક આર્મીનો મેજર ગણાવીને રહેતો હતો. તેણે પોતાને 'રૉ' અધિકારી તરીકે રજૂ કરીને બિહારના છપરામાં ફરજ બજાવતા એક મહિલા જજને ફસાવીને તેમની સાથે લગ્ન કર્યા હતા. ધરપકડ સમયે, તે એક કંપની બનાવીને લોકો સાથે કરોડોની ઠગાઈ કરવાની યોજના બનાવી રહ્યો હતો, જેના સંબંધિત દસ્તાવેજો પણ STFએ જપ્ત કર્યા છે.
નકલી ID અને દસ્તાવેજો જપ્ત
ધરપકડ કરાયેલા આ નકલી અધિકારી પાસેથી મોટી માત્રામાં પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા છે. આ પુરાવાઓમાં નકલી ID, ચેક બુક, નકલી પોલીસ વેરિફિકેશન લેટર, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ અને વોટર ID કાર્ડ વગેરેનો સમાવેશ થાય છે. વધુમાં, તેના ટેબલેટમાંથી દિલ્હી બ્લાસ્ટને લગતો વીડિયો પણ મળી આવ્યો છે. હાલમાં, STF અને ઇન્ટેલીજન્સ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ તેની સઘન પૂછપરછ કરી રહ્યા છે.
દિલ્હી બ્લાસ્ટને કારણે STF સક્રિય
STF(નોઇડા યુનિટ)ના અપ૨ પોલીસ અધિક્ષક રાજકુમાર મિશ્રાના જણાવ્યા અનુસાર, ગઈ રાત્રે સબ-ઇન્સ્પેક્ટર અક્ષય પરમવીર કુમાર ત્યાગી અને તેમની ટીમને એક શંકાસ્પદ વ્યક્તિ વિશે માહિતી મળી હતી. આ વ્યક્તિ જુદી જુદી સોસાયટીઓમાં રહેતો હતો અને પોતાને ક્યારેક 'મેજર અમિત' તો ક્યારેક 'ડિરેક્ટર રૉ' તરીકે ઓળખાવતો હતો. દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટના સંદર્ભમાં આ માહિતીને ગંભીરતાથી લઈને, STFની એક ટીમ દ્વારા ગ્રેટર નોઈડાની પેરામાઉન્ટ ગોલ્ફ ફોરેસ્ટ સોસાયટીમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
કેબિનેટ સેક્રેટરીએટનું નકલી ID કાર્ડ મળ્યું
જ્યારે STFની ટીમ કથિત 'રૉ' અધિકારીના ફ્લેટ પર પહોંચી, ત્યારે એક મહિલાએ દરવાજો ખોલ્યો. તે જ સમયે, ત્યાં એક વ્યક્તિ આવ્યો, જેણે પોતાનું નામ સ્વર્ગસ્થ બ્રજનંદન શાહના પુત્ર સુમિત કુમાર જણાવ્યું, ત્યારે તેના પર્સની તલાશી લેવામાં આવતા, તેમાંથી ભારત સરકારના કેબિનેટ સેક્રેટરીએટનું એક ID કાર્ડ મળી આવ્યું. આ કાર્ડ પર તેનું નામ સુમિત કુમાર અને હોદ્દો ડિરેક્ટર(ઓપરેશન), JIC નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ(રિસર્ચ એન્ડ એનાલિસિસ સર્વિસ), રેન્ક જોઇન્ટ સેક્રેટરી સહિતની વિગતો(જેમ કે IC 7623 B, બ્લડ ગ્રુપ O પોઝિટિવ, જન્મ તારીખ 25 માર્ચ 1988) હતી.
મકાનમાલકિને 'મેજર અમિત' તરીકે ઓળખાવ્યો
શંકાના આધારે STFએ 'રૉ'ના વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી, જેમણે સ્થળ પર તપાસ કરીને પુષ્ટિ કરી કે આ નામનો કોઈ વ્યક્તિ તેમના વિભાગમાં કાર્યરત નથી અને મળી આવેલું ID કાર્ડ નકલી છે. મકાનમાલકિન મંજુ ગુપ્તાનો સંપર્ક સાધતા, તેમણે જણાવ્યું કે તેમના ભાડુઆત મેજર અમિત કુમાર છે, જેમણે દિલ્હી પોલીસના ડેપ્યુટી કમિશ્નરના લેટરહેડ પર નકલી પોલીસ વેરિફિકેશન પણ કરાવ્યું હતું(જેની કોપી તેમણે WhatsApp દ્વારા મોકલી). બીજી તરફ, બિહારના છપરામાં ફરજ બજાવતા સુમિતની પત્ની(ન્યાયિક મેજિસ્ટ્રેટ)એ જણાવ્યું કે તેમના પતિ ગૃહ મંત્રાલયમાં ઇન્ટેલીજન્સમાં નિમણૂક પર છે.
આ પણ વાંચો: લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલને અમેરિકાથી ભારત ડિપોર્ટ કરાયો, NIAએ કસ્ટડીમાં લીધો
20 ચેક બુક, 5 પાન કાર્ડ, 17 કરારપત્રો મળી આવ્યા
આ ઉપરાંત, આ વ્યક્તિ પાસેથી મોટી માત્રામાં નકલી દસ્તાવેજો મળ્યા છે, જેમાં મુખ્યત્વે બે નકલી ID, 20 ચેક બુક, નકલી પોલીસ વેરિફિકેશન લેટર, 8 ક્રેડિટ/ડેબિટ કાર્ડ, 5 પાન કાર્ડ, બે આધાર કાર્ડ, ત્રણ વોટર ID કાર્ડ, 17 કરારપત્રો, ડાયરી, કંપનીના કાગળો, ITR અને બૅન્ક સ્ટેટમેન્ટ સહિત 3 લેપટોપ અને 2 ટેબલેટનો સમાવેશ થાય છે. આરોપીના ટેબલેટમાંથી દિલ્હી બ્લાસ્ટ સંબંધિત વીડિયો પણ મળી આવ્યો છે. STFએ આજે સવારે આરોપી સુમિત કુમારની ધરપકડ કરીને તેની વિરુદ્ધ સુરજપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 319(2), 318(4), 338, 336(3), 340, અને IT ઍક્ટની કલમ 66 D હેઠળ ગુનો નોંધ્યો છે અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યો છે.








