'દેહ વ્યાપાર-ગાંજાનો ધંધો કરો છો...' નકલી પોલીસ બની ઘરમાં ઘૂસ્યા 5 નરાધમ, બેંગ્લુરુમાં સામૂહિક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના

Crime News: બેંગલુરુ ગ્રામીણ વિસ્તારના નેલમંગલા પાસે મંગળવારે (21 ઓક્ટોબર) રાત્રે 27 વર્ષીય એક પરિણીત મહિલા પર થયેલા સામૂહિક દુષ્કર્મની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. આરોપીઓએ પીડિતા સિવાય તેની પાડોશમાં રહેતા બે લોકો સાથે મારપીટ કર્યા હોવાની માહિતી પણ સામે આવી છે. બેંગલુરુ ગ્રામીણ પોલીસે આ જઘન્ય કૃત્યમાં સામેલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે મુખ્ય આરોપી મિથુન સહિત અન્ય આરોપીઓની શોધખોળ શરૂ છે.
મળતી માહિતી મુજબ, પીડિતા પશ્ચિમ બંગાળમાં રહેવાસી છે અને બેંગલુરૂમાં છ મહિનાથી પોતાના પતિ અને દીકરા સાથે ભાડાના મકાનમાં રહેતી હતી. તે લગ્ન જેવા પ્રસંગોમાં બ્યૂટીશિયનનનું કામ કરતી હતી. પીડિતા સાથે બંગાળની એક અન્ય મહિલા અને તેના પતિનો મિત્ર બાજુના મકાનમાં રહે છે. જે ઘટના દરમિયાન ત્યાં હાજર હતા. આરોપીઓએ તેમના પર પણ હુમલો કર્યો હતો.
આ પણ વાંચોઃ 1 નવેમ્બરથી થશે મોટો ફેરફાર, બેન્ક ખાતામાં હવે એકસાથે 4 નોમિનીના નામ ઉમેરી શકાશે
શું હતી ઘટના?
પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, 21 ઓક્ટોબરની રાત્રે આશરે 9:30 વાગ્યે પાંચ લોકો ખુદને સ્થાનિક પોલીસ જણાવીને ઘરમાં ઘુસી ગયા હતા. તેમણે આરોપ લગાવ્યા કે, હું અને મારા પરિચિત ગાંજો રાખવા અને દેહ વ્યાપારમાં સામેલ છીએ. ત્યાર બાદ તેમણે મારી પાસે 1 લાખ રૂપિયાની માંગ કરી. જોકે, મેં વિરોધ કરતા આરોપીઓએ મને મારી મારી મહિલા મિત્રને ક્રિકેટ બેટ અને ચાકૂ જેવા તિક્ષ્ણ હથિયારથી માર્યા. મારી મિત્ર બેભાન થઈ ગઈ હતી. આરોપીઓએ તેના નાના દીકરા અને પાડોશમાં રહેતા પતિના મિત્રને બાથરૂમમાં બંધ કરી દીધો. ત્યાર બાદ ત્રણેય આરોપીઓ મને ખેંચીને બાજુના મકાનમાં લઈ ગયા અને મારા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું.
25 હજાર અને મોબાઈલ ફોનની લૂંટ
પીડિતાએ વધુમાં જણાવ્યું કે, આરોપીઓ ઘરમાંથી 25 હજાર જેટલી રકમ અને બે મોબાઈલ ફોન પણ લૂંટી ગયા હતા. આ દરમિયાન પીડિતાનો મોટો દીકરો જે બહાર હતો, તેણે તુરંત પોલીસમાં ફોન કરીને મદદ માટે બોલાવ્યા. થોડીવારમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી પરંતુ, ત્યાં સુધી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે ઈજાગ્રસ્ત પીડિતાઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી અને આ મામલે આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી.
આ પણ વાંચોઃ હૈદરાબાદ-બેંગ્લુરુ હાઈવે પર કરુણાંતિકા, બાઈક સાથે ટક્કર બાદ બસમાં આગ, 20થી વધુના મોત
અંગત અદાવતમાં કર્યો ગુનો
નોંધનીય છે કે, પોલીસે 48 કલાકમાં તપાસના આધારે અમુક શંકાસ્પદોની અટકાયત કરી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી મિથુન ઘટનાનો માસ્ટરમાઇન્ડ હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મિથુનનો પીડિતા સાથે જૂનો વિવાદ ચાલતો હતો. તે અનેકવાર પીડિતાને પાઠ ભણાવવાની ધમકી આપતો. આ જૂની અદાવતના ભાગ રૂપે જ તેણે આ પ્રકારે હુમલો કર્યો હતો.
પોલીસે હાથ ધરી તપાસ
પોલીસે જણાવ્યું કે, ત્રણ આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હતું અને અન્ય બે આરોપીએ પીડિતા સાથે મારપીટ કરીને લૂંટ મચાવી હતી. તમામ આરોપી અને પીડિતાના મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની તપાસ હાથ ધરવામાં આવશે. હાલ, પોલીસે તમામની ધરપકડ કરી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

