ઈઝરાયલ-ઈરાનના યુદ્ધ વચ્ચે અચાનક ભારતના એરપોર્ટ પર કેમ લેન્ડ થયું બ્રિટનનું ઘાતક ફાઈટર જેટ F35?
F35 Fighter Jet in Thiruvananthapuram Airport : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જે ઘાતક ફાઈટર જેટને ભારતને વહેંચવા માગે છે, તે જેટ બ્રિટનથી આવીને ભારતમાં ઈમરજન્સી લેન્ડ થયું છે. શનિવારે રાત્રે કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બ્રિટનનું ફાઈટર જેટ F-35B ઈમરજન્સી લેન્ડ થયું હતું. રિપોર્ટ મુજબ દરિયાઈ વિસ્તારોની નજીક આવેલા બ્રિટન એરક્રાફ્ટ કેરિયર પરથી આ જેટ ટેકઓફ થઈને ભારત આવ્યું હતું.
ઈમરજન્સી લેન્ડિંગ અંગે ભારતીય વાયુસેનાએ શું કહ્યું?
બ્રિટનના જેટને લઈને ભારતીય વાયુસેનાએ કહ્યું કે, ‘કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બ્રિટનનું ફાઈટર જેટ F-35B ગઈકાલે રાત્રે 9.30 કલાકે સુરક્ષિત ઈમરજન્સી લેન્ડ થયું છે. આ એક સામાન્ય ઘટના છે. સુરક્ષા સંબંધી કારણોસર જેટ અહીં લેન્ડ થયું છે.’ જોકે ઘટના બાદ જેટની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, કારણ કે, અમેરિકા આ જેટ ભારતને વેંચવા ઈચ્છે છે.
ટ્રમ્પ F35 ભારતને વેંચવા માગે છે
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ અમેરિકાના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથેની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, અમેરિકા ભારતને અત્યાધુનિક F-35 ફાઇટર એરક્રાફ્ટ વેચશે. આ સાથે ભારત અત્યાધુનિક સ્ટીલ્થ એરક્રાફ્ટ ધરાવતા દેશોની વિશિષ્ટ ક્લબમાં સામેલ થશે. F-35 Lightning II વિશ્વનું સૌથી એડવાન્સ લડાકૂ જેટમાંથી એક છે. તેને અમેરિકન કંપની લૉકહીડ માર્ટિને બનાવ્યું છે. આ જેટ NATO દેશો અને બ્રિટન પાસે પણ છે. આ ઉપરાંત અનેય દેશો પણ તેને ખરીદવાનું વિચારી રહ્યા છે. અમેરિકાની ઈચ્છા છે કે, ભારત પણ આ જેટ ખરીદે. આ માટે ટ્રમ્પે ભારતને ઓફર પણ કરી હતી.
F35માં ખાસ શું છે ?
એફ-35 લાઈટનિંગ-2 પાંચમી જનરેશનનું સિંગલ-સીટ, સિંગલ-એન્જિન સ્ટીલ્થ મલ્ટીરોલ લડાકુ જેટ છે. તેને આકાશમાં ચોક્કસ હુમલો કરવા માટે, ઈલેક્ટ્રોનિક યુદ્ધ અને ગુપ્ત માહિતી એકઠી કરવાના મિશનોને ધ્યાને રાખીને ડિઝાઈન કરવામાં આવ્યું છે. ભારતમાં લેન્ડ થયેલું એફ-35બી નાના રન-વે પર ટેકઓફ થવામાં તેમજ વર્ટિકલ લેન્ડિંગ કરવામાં સક્ષમ છે.
F35ના ત્રણ વેરિયન્ટ, જાણો તેની ખાસીયત
F35A - આ લડાકૂ જેટમાં પારંપરિક ટેકઓફ કરવાની તેમજ લેન્ડિંગ કરવાની ક્ષમતા છે.
F35B - આ જેટ શોર્ટ સરળતાથી ટેકઓફ તેમજ વર્ટિકલ લેન્ડિંગ કરી શકે છે.
F35C - આ જેટ કેરિયર આધારીત સંચાલન થઈ શકે છે.
આ પણ વાંચો : કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ બાદ સરકાર સફાળી જાગી, ચાર ધામ યાત્રાને લઈને મોટો નિર્ણય
F35ની ખાસીયત
F35માં સેન્સર્સ, ડેટા ફ્યુઝન, ડિસ્ટ્રિબ્યુટેડ એપરચર સિસ્ટમ (DAS), ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ ટાર્ગેટિંગ (EOTS) સહિતની સિસ્ટમ સામેલ છે. આ અમેરિકન વિમાનમાં ઉપયોગ કરાયેલ સેન્સર સિસ્ટમથી પાયલોટ ચોક્કસ સમયની યુદ્ધની માહિતી મેળવી શેક છે. જેટની અતિમહત્ત્વની ખાસીયત એ છે કે, તેની સ્પિડ પ્રતિ કલાકે 1975 કિલોમીટરની છે. એફ35માં હવાથી હવામાં ઝીંકાતી મિસાઈલ, હવાથી જમીન પર હુમલો કરતી મિસાઈલ અને ગાઈડેડ બોંબ સહિતની હથિયારો લઈ જઈ શકાય છે.
F35નો ખર્ચ
F-35 વેરિયન્ટના ફાઈટર જેટ વિશ્વના સૌથી મોંઘામાં મોઘા જેટ હોવાનું કહેવાય છે. એક વિમાનની અંદાજિત કિંમત વેરિઅન્ટના આધારે 80-110 મિલિયન ડૉલર છે. વર્તમાન સમયમાં અમેરિકાની વાયુ સેના, નૌકાદળ અને મરીન કોર્પ્સમાં આ જેટ સામેલ છે. આ ઉપરાંત અનેક દેશોની સેનાઓમાં પણ F35 તહેનાત છે.
કેરળમાં ઈમરજન્સી લેન્ડિંગ થવાનું કારણ?
કેરળના તિરુવનંતપુરમ એરપોર્ટ પર બ્રિટનનું F35B લેન્ડ થવાનું કારણ સામે આવ્યું છે. વાસ્તવમાં આ જેટમાં ઓછું ઈંધણ હોવાના કારણે પાયલોટે તુરંત એલર્ટ આપી લેન્ડિંગ કરવાની મંજૂરી માંગી હતી, જેને ધ્યાને રાખી એરપોર્ટના અધિકારીઓએ તાત્કાલીક ઈમરજન્સી જાહેર કરી હતી અને બ્રિટિશ જેટને લેન્ડ થવાની મંજૂરી આપી હતી. બ્રિટિશ જેટ કડક બંદોબસ્ત વચ્ચે એરપોર્ટ પર છે. અન્ય દેશનું જેટ હોવાના કારણે તેમાં ઈંધણ ભરવા માટે કેન્દ્ર સરકારની વિશેષ મંજૂરી લેવી પડે છે, તેથી મંજૂરી મળ્યા બાદ જ ફ્યૂલ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો : WTC 2025-27નો કાર્યક્રમ જાહેર, કુલ 18 ટેસ્ટ મેચ રમશે ટીમ ઈન્ડિયા