Get The App

ભારતમાં કોરોના કરતાં પણ ખતરનાક સ્વાસ્થ્ય સંકટ સર્જ્શે વાયુ પ્રદૂષણ, નિષ્ણાતોની ચેતવણી

Updated: Dec 27th, 2025

GS TEAM

Google News
Google News
ભારતમાં કોરોના કરતાં પણ ખતરનાક સ્વાસ્થ્ય સંકટ સર્જ્શે વાયુ પ્રદૂષણ, નિષ્ણાતોની ચેતવણી 1 - image

Air Pollution India: લગભગ પાંચ વર્ષ પહેલાં કોરોના મહામારીએ મચાવેલી તબાહી બાદ હવે ભારત સામે એક વધુ મોટું અને ઘાતક આરોગ્ય સંકટ તોળાઈ રહ્યું છે. યુકે સ્થિત ભારતીય મૂળના નિષ્ણાત ડોક્ટરોએ ચેતવણી આપી છે કે વાયુ પ્રદૂષણ એ ભારતની વર્તમાન સૌથી મોટી હેલ્થ ઇમરજન્સી છે. જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો શ્વસનતંત્ર અને હૃદય રોગની આ કટોકટી દેશની આરોગ્ય વ્યવસ્થાને પંગુ બનાવી શકે છે.

શ્વસન રોગોમાં ચિંતાજનક ઉછાળો

લંડન અને લિવરપૂલમાં પ્રેક્ટિસ કરતા વરિષ્ઠ તબીબોના જણાવ્યા અનુસાર, ભારતમાં ખાસ કરીને ઉત્તર ભારતના શહેરોમાં શ્વસન સંબંધી બીમારીઓ રોગચાળાની જેમ વકરી રહી છે. ડિસેમ્બર મહિનામાં દિલ્હીની હોસ્પિટલોમાં શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓમાં 20થી 30 ટકાનો વધારો નોંધાયો છે.

ચોંકાવનારી બાબત એ છે કે જે લોકોને અગાઉ ક્યારેય શ્વાસની તકલીફ નહોતી, તેવા સ્વસ્થ લોકો પણ હવે ફેફસાના ગંભીર રોગોનો શિકાર બની રહ્યા છે.

આ પણ વાંચો: દુષ્કર્મના કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાએ સૌને ચોંકાવ્યાં, 'સિક્સ સેન્સ'ના ભરોસે ન્યાય, જાણો મામલો

માત્ર સ્થૂળતા નહીં, વાયુ પ્રદૂષણ પણ હૃદય રોગ માટે જવાબદાર

લંડનની સેન્ટ જ્યોર્જ યુનિવર્સિટી હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ રાજય નારાયણના મતે, હૃદય રોગના વધતા કેસો પાછળ માત્ર ખોરાક કે સ્થૂળતા જવાબદાર નથી. કાર, ફેક્ટરીઓ અને વિમાનોમાંથી નીકળતું ઝેરી ધુમાડું સીધું લોહીમાં ભળીને હૃદયની ધમનીઓને નુકસાન પહોંચાડે છે. જો આ સમસ્યાનો સમયસર ઉકેલ નહીં આવે, તો તે ભારત પર મોટો આર્થિક બોજ પણ લાવશે.

ભારતની COVID-19 સલાહકાર સમિતિના પૂર્વ સભ્ય મનીષ ગૌતમે જણાવ્યું કે, 'કડવું સત્ય એ છે કે ઉત્તર ભારતમાં લાખો લોકો અત્યારે જ પીડાઈ રહ્યા છે. પ્રદૂષણ રોકવા માટે લેવાયેલા તાજેતરના પગલાં સમુદ્રમાં ટીપા સમાન છે. ભારતને હવે ટીબી (TB) ના નિયંત્રણ માટે જેવી ઝુંબેશ ચલાવી હતી, તેવી જ તાકીદની અને મોટા પાયે કાર્યવાહી શ્વસન રોગો માટે કરવાની જરૂર છે.'

મુખ્ય પડકારો અને જરૂરી પગલાં

•શ્વાસના રોગોને સામાન્ય શરદી-ઉધરસ ગણીને અવગણવાને બદલે તેનું વહેલું નિદાન કરવું જરૂરી છે.

•વાહનોના પ્રદૂષણ પર કડક નિયંત્રણ અને પબ્લિક ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન.

•ઉદ્યોગોમાં પ્રદૂષણ મુક્ત ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ.

વાયુ પ્રદૂષણ હવે માત્ર પર્યાવરણનો વિષય નથી રહ્યો, પરંતુ તે ભારતના દરેક નાગરિકના આયુષ્યને ટૂંકાવી રહ્યો છે. ડોક્ટરોની આ ચેતવણી સરકાર અને સમાજ બંને માટે લાલબત્તી સમાન છે.