Former CJI DY Chandrachud On Accused Person : જયપુર સાહિત્ય ઉત્સવમાં રવિવારે હાજરી આપતા દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોઈપણ આરોપીનો ગુનો સાબિત ન થાય ત્યાં સુધી જામીન મેળવવો તેનો મૂળભૂત અધિકાર હોવો જોઈએ. એક વરિષ્ઠ પત્રકારના પ્રશ્નના ઉત્તરમાં તેમણે આ વાત કહી હતી, જેમાં દિલ્હી રમખાણોના કાવતરાના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ઉમર ખાલિદના જામીન નકારવા અંગે ચર્ચા થઈ હતી.
જેલમાંથી નિર્દોષ છૂટનારના કિંમતી વર્ષોની ભરપાઈ થઈ શકતી નથી
પૂર્વ CJIએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘જો કોઈ વ્યક્તિ પાંચ કે સાત વર્ષ જેલમાં રહ્યા બાદ નિર્દોષ છૂટે, તો તેના જીવનના એ કિંમતી વર્ષોની ભરપાઈ થઈ શકતી નથી. જામીન ત્યારે જ નકારી શકાય જ્યારે આરોપી ફરી ગુનો કરે તેવી શક્યતા હોય, પુરાવા સાથે છેડછાડ કરી શકે તેમ હોય અથવા કાયદાથી ભાગી જવાનો ભય હોય. જો ન્યાયિક પ્રક્રિયામાં વધુ પડતો વિલંબ થતો હોય, તો આરોપીને જામીન મળવા જ જોઈએ.’
આ પણ વાંચો : BMCની ચૂંટણી બાદ ઉદ્ધવ ઠાકરેના મેસેજથી શિંદેનું ટેન્શન વધ્યું, મોટો ખેલ થવાના એંધાણ
રાષ્ટ્રીય સુરક્ષા અને ન્યાયિક સુધારાઓ
ચંદ્રચૂડે વધુમાં કહ્યું કે, ‘જો રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો હોય તો અદાલતોએ કેસની ઊંડી તપાસ કરવી જોઈએ, જેથી કોઈ વ્યક્તિ કારણ વગર વર્ષો સુધી જેલમાં ન સબડે.’ તેમણે જિલ્લા અને સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજીઓ નકારવાના વલણને ચિંતાનો વિષય ગણાવ્યો હતો, જેના કારણે સુપ્રીમ કોર્ટમાં કેસોનું ભારણ વધે છે.
કોઈ નવો હોદ્દો જોઈતો નથી : ડી.વાય.ચંદ્રચૂડ
ચંદ્રચૂડે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટની કાર્યવાહી સામાન્ય લોકો સુધી પહોંચે તે માટે તેમના કાર્યકાળમાં લાઈવ પ્રસારણ શરૂ કરવામાં આવ્યું હતું, જે હવે માત્ર હિન્દી જ નહીં પરંતુ બંધારણની આઠમી અનુસૂચિમાં સામેલ તમામ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. નિવૃત્તિ બાદના જીવન અંગે તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ હાલ ખાનગી જીવનનો આનંદ માણી રહ્યા છે અને કોઈ નવો હોદ્દો સ્વીકારવા માંગતા નથી.
આ પણ વાંચો : ન્યાય મળે તે પહેલા જ દુષ્કર્મ પીડિત યુવતીનું મોત, માતાએ ઠાલવી વેદના


