India

ભલે જેલમાં નાંખો, આંદોલન તો કરીને જ રહીશું, CEC જ્ઞાનેશ કુમારે રાજીનામું આપવું જ પડશે : દીપકેની ચેતવણી

By GS Team
1 Oct 20263 mins read
TukuTouch Logo
મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ સાથે કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દીપકેએ મુંબઈમાં 2 ઑક્ટોબરે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. પ્રશાસનની મંજૂરી ન મળે તો પણ આંદોલન ચાલુ રહેશે. CM ફડણવીસની ચેતવણી છતાં દીપકેએ કહ્યું કે, 'સરકાર 3 મહિના જેલમાં રાખવા માગતી હોય તો પણ અમે તૈયાર છીએ.' 2025ની મતદાર યાદી સ્થિર રાખવા સહિત અન્ય માગણીઓ પણ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભલે જેલમાં નાંખો, આંદોલન તો કરીને જ રહીશું, CEC જ્ઞાનેશ કુમારે રાજીનામું આપવું જ પડશે : દીપકેની ચેતવણી

Abhijeet Dipke On Mumbai Protest : મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ સાથે મુંબઈમાં વિરોધ પ્રદર્શન યોજવાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. કૉકરોચ જનતા પાર્ટી(CJP)ના સ્થાપક અભિજીત દીપકેએ વહીવટી તંત્રની મંજૂરી ન મળે તો પણ 2 ઑક્ટોબરે આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે. સામે પક્ષે સરકારે પણ કાયદો-વ્યવસ્થા જાળવવા કડક વલણ દાખવવાનો સંકેત આપ્યો છે.

પ્રદર્શનની મંજૂરી નહીં મળે તો પણ પાછા નહીં હટીએ : દીપકે

મુંબઈ પ્રેસ ક્લબમાં વાતચીત દરમિયાન અભિજીત દીપકે(Abhijeet Dipke)એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, 'જો તંત્ર પ્રદર્શનની પરવાનગી નહીં આપે તો પણ અમે પાછળ હટીશું નહીં. મુંબઈ પોલીસ, દિલ્હી પોલીસ નથી અને મને વિશ્વાસ છે કે મુંબઈ પોલીસ સ્થિતિને વધુ સારી રીતે સંભાળશે. દિલ્હીમાં વિરોધ છતાં વિદ્યાર્થીઓ પોતાની વાત રજૂ કરતાં રહ્યા છે.'

CM ફડણવીસની ચેતવણી સામે દીપકનો વળતો જવાબ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Maharashtra CM Devendra Fadnavis) દ્વારા પ્રદર્શન કરનારાઓને 3 દિવસ સુધી જામીન નહીં મળે તેવી ચેતવણી અપાઈ હતી, જેના વળતા જવાબમાં દીપકેએ જણાવ્યું કે, 'સરકાર અમને 3 દિવસ નહીં પણ 3 મહિના જેલમાં રાખવા માગતી હોય તો પણ અમે તૈયાર છીએ, પરંતુ પ્રોટેસ્ટ થઈને જ રહેશે.'

મુખ્ય ચૂંટણી કમિશનર સામે ફોજદારી ફરિયાદની માગ

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર(CEC Gyanesh Kumar)ના રાજીનામાની માગણી દોહરાવતાં દીપકેએ કહ્યું કે, 'મુખ્ય ચૂંટણી કમિશનરે રાજીનામું આપવું જોઈએ અને તેમની સામે ગુનાહિત કેસ દાખલ થવો જોઈએ. જો આ માગણી સંતોષવામાં નહીં આવે તો ઑક્ટોબરના અંતથી દિલ્હીના જંતર-મંતર ખાતે આંદોલન શરૂ કરવામાં આવશે.'

2025ની મતદાર યાદીને સ્થિર રાખવા સહિત અનેક માંગ

પક્ષ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવા તેમજ તેમાં નાગરિક સમાજની સીધી ભાગીદારી સુનિશ્ચિત કરવાની માગ કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ 2025ની મતદાર યાદીને સ્થિર રાખવા અને તેમાં કોઈપણ પ્રકારના આગળના ફેરફારો ન કરવાની રજૂઆત કરવામાં આવી છે.

મતદાર યાદીમાં ફેરફાર અને 13 કરોડ મતદારોનો વિવાદ

મતદાર યાદીમાં ફેરફાર અંગે ચિંતા વ્યક્ત કરતાં દીપકેએ કહ્યું કે, ‘2024ની લોકસભા ચૂંટણીમાં મતોનો તફાવત માત્ર 2 ટકા જેટલો રહ્યો હતો. આવી સ્થિતિમાં 13 કરોડ જેટલા મતદારોના નામ હટાવવાના દાવાઓ બાદ ચૂંટણીની નિષ્પક્ષતા સામે ગંભીર સવાલો ઊભા થાય છે.’ જોકે ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે એસઆઈઆર સંબંધિત તમામ નિર્ણયો ત્રણેય કમિશનરો દ્વારા સર્વસંમતિથી લેવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રથી શરૂ થયેલા મુદ્દાની રાષ્ટ્રીય સ્તરે ગૂંજ

મહારાષ્ટ્રની ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા મુદ્દાઓ હવે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યા છે. આ આંદોલન માત્ર મહારાષ્ટ્ર પૂરતું સીમિત ન રહેતાં હવે લોકતંત્રને બચાવવા માટે દેશભરમાં લઈ જવામાં આવશે અને નાગરિકોને લોકતાંત્રિક પ્રક્રિયાઓને મજબૂત કરવા આગળ આવવા અપીલ કરાઈ છે.

પરવાનગીના નિયમોમાં ભેદભાવનો આક્ષેપ

મુંબઈમાં શિવાજી પાર્ક ખાતે આયોજિત પ્રદર્શન અંગે આશુતોષ રાંકા(Ashutosh Ranka)એ પ્રશાસન સામે સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે, 'રાજકીય પક્ષોને શિવાજી પાર્કમાં રેલી કરવાની છૂટ મળે છે તો અમને કેમ નહીં? જો પોલીસ અટકાયતી પગલાં ભરવા માગતી હોય તો અમે જેલમાં જવા પણ તૈયાર છીએ.'

શિવાજી પાર્કથી લઈને જંતર-મંતર સુધી આંદોલનની રૂપરેખા

મુંબઈ પોલીસે શિવાજી પાર્કમાં સભા યોજવાની મંજૂરી આપવાનો ઇન્કાર કરતાં હવે જેલ ભરો આંદોલનની તૈયારીઓ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર ઉપરાંત ગોવા, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાં પણ વિરોધ પ્રદર્શનોની યોજના ઘડવામાં આવી છે.