પુતિન કે ટ્રમ્પ નહીં... પ્રજાસત્તાક દિવસે આ શક્તિશાળી લીડર્સ બની શકે છે ભારતના ચીફ ગેસ્ટ

Republic Day Chief Guests: આગામી વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારત વિશ્વની એક શક્તિશાળી હસ્તીને આમંત્રિત કરશે. તેમાં ન તો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ છે કે ન તો રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન. તેમાં ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ કે જર્મની જેવા સુપરપાવર હેડનું પણ નામ નથી. સ્વાભાવિક છે કે, તેમાં ચીનના પ્રમુખનું નામ પણ નથી. તો પછી આ શક્તિશાળી હસ્તીઓ કોણ છે? તો તેમના નામ છે ઉર્સુલા વોન ડેર લેયેન અને એન્ટોનિયો કોસ્ટા છે. લેયેન યુરોપિયન કમિશનના અધ્યક્ષ છે, જ્યારે કોસ્ટા યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ છે.
નવી દિલ્હી અને બ્રસેલ્સ દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે
એક અહેવાલ પ્રમાણે ઔપચારિક આમંત્રણ અને સ્વીકૃતિ પ્રક્રિયા ચાલી રહી છે, અને પૂર્ણ થયા પછી નવી દિલ્હી અને બ્રસેલ્સ દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ભારતના દૃષ્ટિકોણથી પ્રજાસત્તાક દિવસના ચીફ ગેસ્ટ આમંત્રણ ખૂબ જ પ્રતીકાત્મક મહત્વ ધરાવે છે. નવી દિલ્હી વ્યૂહરચના અને આતિથ્યને સંતુલિત બનાવતા ચીફ ગેસ્ટની પસંદગી કરે છે, જેમાં વ્યૂહાત્મક-રાજદ્વારી કારણ, વ્યાપારી હિતો અને આંતરરાષ્ટ્રીય ભૂરાજનીતિ નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
EUનો ભારત સાથે દ્વિપક્ષીય સંબંધોને ઉચ્ચ સ્તરે લઈ જવાનો સંકલ્પ
આ વખતે EU નેતૃત્વને આમંત્રણ આપવું એ ભારત-EU વચ્ચેના સંબંધોમાં ઝડપી વૃદ્ધિનો સ્પષ્ટ સંકેત છે, ખાસ કરીને ફેબ્રુઆરી 2025થી જ્યારે EU કૉલેજ ઑફ કમિશનર્સે ભારતનો પ્રવાસ કર્યો હતો. તાજેતરના મહિનાઓમાં 27-સભ્ય EU સાથે ભારતના સંબંધો નોંધપાત્ર રીતે મજબૂત થયા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળના વહીવટની અનિશ્ચિત નીતિઓ વચ્ચે EUએ 20 ઑક્ટોબરના રોજ એક નવો વ્યૂહાત્મક એજન્ડા અપનાવ્યો, જેમાં ભારત સાથે દ્વિપક્ષીય સંબંધોને ઉચ્ચ સ્તરે લઈ જવાનો સંકલ્પ છે.
આમાં ભારત-EU મુક્ત વેપાર કરાર(FTA)ની ચાલી રહેલી વાટાઘાટોને અંતિમ સ્વરૂપ આપવા અને ટૅક્નોલૉજી, સંરક્ષણ-સુરક્ષા અને જન-સંપર્ક સહયોગને વધુ ગાઢ બનાવવાનો સમાવેશ થાય છે. જાન્યુઆરીમાં EU નેતાઓની ભારત મુલાકાત દરમિયાન દિલ્હીમાં જ ભારત-EU નેતાઓની સમિટનું આયોજન થશે, જે મૂળ 2026ની શરુઆતમાં યોજાવાની હતી. આનાથી બંને પક્ષોના વાટાઘાટકારો પર ડિસેમ્બર સુધીમાં FTA પૂર્ણ કરવા માટે દબાણ વધ્યું છે - આ પ્રતિબદ્ધતા ફેબ્રુઆરીમાં આર્થિક ભાગીદારી બેઠકોમાં કરવામાં આવી હતી.
આ આમંત્રણ ભારતની 'મલ્ટી-અલાઇનમેન્ટ' નીતિનો એક ભાગ
પ્રજાસત્તાક દિવસ પર મુખ્ય અતિથિ તરીકે EU નેતૃત્વની હાજરી માત્ર રાજદ્વારી જીત જ નહીં પરંતુ વૈશ્વિક મંચ પર ભારતની વધતી જતી ભૂમિકાને પણ રેખાંકિત કરશે. આ આમંત્રણ ભારતની 'મલ્ટી-અલાઇનમેન્ટ' નીતિનો એક ભાગ છે, જેમાં તે અમેરિકા, રશિયા અને યુરોપ સહિત તમામ મુખ્ય શક્તિ કેન્દ્રો સાથે સંતુલિત સંબંધો જાળવી રાખે છે. ટ્રમ્પ વહીવટીતંત્રની અનિશ્ચિતતા વચ્ચે EU સાથે જોડાણ ભારત માટે વેપાર, રોકાણ અને સંરક્ષણ ટૅક્નોલૉજીમાં નવી તકો આપશે.
આ પણ વાંચો: ફરી યુદ્ધના મેદાનમાં ઇઝરાયલ અને હમાસ! ટ્રમ્પે કરાવેલું સીઝફાયર તૂટવાના 5 મુખ્ય કારણ
FTA પૂર્ણ થવાથી ભારતને EU બજારમાં વધુ પ્રવેશ મળશે, જેનાથી તેની નિકાસમાં વધારો થશે. વધુમાં, સંરક્ષણ અને ડિજિટલ ટૅક્નોલૉજીમાં સહયોગ ભારતની 'આત્મનિર્ભર ભારત' પહેલને શક્તિ મળશે. જાન્યુઆરી સમિટમાં બંને પક્ષો આબોહવા પરિવર્તન, ડિજિટલ શાસન અને ઈન્ડો-પેસિફિક વ્યૂહરચના પર પણ ચર્ચા કરશે.
ભારત-EU ભાગીદારીના એક નવા યુગની શરુઆત
આ ઐતિહાસિક આમંત્રણ ભારત-EU ભાગીદારીના એક નવા યુગની શરુઆત છે. 26 જાન્યુઆરી 2026ના રોજ રાજપથ પર EU ધ્વજ લહેરાશે, ત્યારે તે માત્ર એક રાજદ્વારી સફળતા જ નહીં પરંતુ વૈશ્વિક સહયોગનું એક નવું ઉદાહરણ પણ સ્થાપિત કરશે. બંને પક્ષો વચ્ચે વિશ્વાસ અને સહકારની આ યાત્રા હવે નિર્ણાયક વળાંક પર છે.

