Get The App

ફરી યુદ્ધના મેદાનમાં ઇઝરાયલ અને હમાસ! ટ્રમ્પે કરાવેલું સીઝફાયર તૂટવાના 5 મુખ્ય કારણ

Updated: Oct 29th, 2025

GS TEAM

Google News
Google News
Trump Peace Plan Ceasefire Failed


Trump Peace Plan Ceasefire Failed: ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હમાસ પર સીઝફાયર તોડવાનો આરોપ મૂકીને, ગાઝા પટ્ટી પર હુમલો કરવાનો સેનાને આદેશ આપ્યો છે. આ પગલાથી અમેરિકાની મદદથી થયેલું સીઝફાયર તૂટી ગયું. ઇઝરાયલી અધિકારીઓના મતે, હમાસે યુદ્ધમાં માર્યા ગયેલા એક બંધકના મૃતદેહને પરત કર્યા બાદ દક્ષિણ ગાઝામાં તેમના સૈનિકો પર ગોળીબાર કર્યો, જે કરારનો 'ખુલ્લો ભંગ' હતો. ઇઝરાયલી સેનાએ હમાસ પર નિર્ધારિત તૈનાતી લાઇન(Deployment Line)ની પૂર્વમાં હુમલો કરીને સીઝફાયરનું ઉલ્લંઘન કરવાનો પણ આરોપ મૂક્યો. મિડલ ઈસ્ટમાં થયેલા આ સંઘર્ષ બાદ સવાલ ઊભો થયો છે કે અમેરિકા અને કતારની મધ્યસ્થીથી થયેલું ગાઝા સીઝફાયર કેમ નિષ્ફળ ગયું અને શું ટ્રમ્પનો પીસ પ્લાન લાંબો ટકી શક્યો નહીં.

સીઝફાયરની નિષ્ફળતાના 5 મુખ્ય કારણો

1. કરાર વ્યવહારુ નહોતો

હમાસ અને ઇઝરાયલ વચ્ચે થયેલા કરાર દરમિયાન, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પીસ પ્લાન રજૂ કર્યો, જેના પર બંને પક્ષોએ હસ્તાક્ષર કર્યા. આ કરાર મુજબ, તમામ બંધકોને ઝડપથી મુક્ત કરવાના હતા અને ઇઝરાયલે તેની સેનાને એક નિર્ધારિત લાઇન સુધી પાછી ખેંચી લેવાની હતી, જે શાંતિ તરફનું પ્રથમ પગલું હતું. જોકે, ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે હમાસે હથિયાર હેઠા મૂકવા પડશે, નહીં તો તેને હિંસક પરિણામોનો સામનો કરવો પડશે. વિશ્લેષણ દર્શાવે છે કે આ કરાર વ્યવહારુ નહોતો, કારણ કે હમાસ હથિયાર છોડવા તૈયાર નથી.

2. ઈરાનના પ્રોક્સીઝ સામે તૂર્કિયે, ઇજિપ્ત-UAEનું સમર્થન

ટ્રમ્પના ગાઝા પીસ પ્લાનમાં ખામીઓ હોવા છતાં, તે અરબ દેશોને એક રાજદ્વારી કવચ (Diplomatic Cover) પૂરું પાડે છે. ઇઝરાયલી એરસ્પેસનું ઉલ્લંઘન થતાં, નેતન્યાહૂની માફીને કારણે કતારને વિશ્વસનીય મધ્યસ્થી તરીકેનું તેનું સ્થાન પાછું મળ્યું. સાઉદી અરબે પાકિસ્તાન સાથે ડિફેન્સ કરાર કરીને ઇઝરાયલ પ્રત્યે નારાજગી વ્યક્ત કર્યા છતાં, તેણે મુસ્લિમ દુનિયામાં નેતૃત્વના દાવાને મજબૂત કરવાના ભાગરૂપે આ પ્લાનનું સ્વાગત કર્યું. તૂર્કિયેએ મુખ્યત્વે ઈરાનના પ્રોક્સીઝનો મુકાબલો કરવા આ પહેલને સમર્થન આપ્યું, જ્યારે ઇજિપ્ત અને UAEએ વોશિંગ્ટન સાથે રહેવા માટે પ્રસ્તાવને ટેકો આપ્યો, જોકે તેમણે ખાનગીમાં તેની ખામીઓ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. આથી, અરબ દેશો માટે ટ્રમ્પના પ્લાનને સમર્થન આપવું એ કોઈપણ નક્કર પ્રતિબદ્ધતા વિના સદ્ભાવના દર્શાવવા સમાન અને જોખમ વિનાની ભાગીદારી જેવું છે.

3. ગાઝાના પુનઃનિર્માણ માટે ફંડિંગ અનિશ્ચિત

ઇઝરાયલમાં નેતન્યાહૂ સરકારનું ગઠબંધન યુદ્ધને લાંબું ખેંચવા પર આધારિત છે, તેથી કોઈપણ મહત્ત્વપૂર્ણ છૂટછાટો તેમની સરકાર અને રાજકીય કારકિર્દી માટે જોખમી છે. ટ્રમ્પના પ્લાનને અપનાવ્યા પછી પણ, નેતન્યાહૂએ પેલેસ્ટિનિયન રાજ્યના પોતાના વિરોધને જાળવી રાખ્યો છે.

આ શાંતિ યોજના હમાસ અને પેલેસ્ટિનિયન ઑથોરિટી બંનેના અવાજોને અવગણે છે. વળી, બહારથી થોપી દેવાયેલી હોવાને કારણે, જમીન પર તેની કોઈ કાયદેસરતા નથી.

કરારની જાહેરાત થઈ ગઈ હોવા છતાં, ગાઝાના ફરીથી નિર્માણ માટેનું ફંડિંગ કોણ કરશે તે સ્પષ્ટ નથી: ટ્રમ્પ ઇનકાર કરે છે, નેતન્યાહૂ ચોક્કસપણે નહીં કરે અને ખાડીના દાતા દેશો પણ કોઈ વચન આપી રહ્યા નથી.

4. વેસ્ટ બૅન્કને લઈને તણાવ

સીઝફાયર લાગુ થયા પછી પણ વેસ્ટ બૅન્કમાં ઇઝરાયલ તરફથી ઘણી વખત હુમલા થયા. તેમાં પેલેસ્ટિનિયન ગામો પર આક્રમણ, વાહનો પર પથ્થરમારો, ઘરો અને પાકને આગ લગાડવાનો સમાવેશ થાય છે.

આ હિંસા ગાઝામાં સહાયતા પ્રવાહને અવરોધે છે, જે ટ્રમ્પની 20-સૂત્રી યોજનાના બીજા તબક્કા માટે જરૂરી છે. હમાસ તેને 'બેવડી નીતિ' ગણાવે છે-એક તરફ ગાઝામાં શાંતિની વાત, પણ બીજી તરફ વેસ્ટ બૅન્કમાં કબજો વધારવો. 28 ઑક્ટોબરે જેનિન નજીક ઇઝરાયલી સેનાએ ઘણા પેલેસ્ટિનિયન નાગરિકોને માર્યા.

આ પણ વાંચો: જમૈકા સાથે ટકરાયું સદીનું સૌથી ખતરનાક વાવાઝોડું મેલિસા: 300 કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવન, ભૂસ્ખલનનો ખતરો

5. ઇન્ટરનેશનલ ફોર્સને લઈને વિવાદ

શાંતિ યોજનામાં યુનાઇટેડ સ્ટેટ્સે અરબ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે મળીને ગાઝામાં 'ઇન્ટરનેશનલ સ્ટેબિલાઇઝેશન ફોર્સ' (ISF) તૈનાત કરવાની વાત કરી હતી. જોકે, હમાસે આ તૈનાતીને પેલેસ્ટિનિયન સાર્વભૌમત્વનું ઉલ્લંઘન અને પોતાને નિષ્ક્રિય કરવાનું બહાનું ગણાવીને યોજનાને સંપૂર્ણપણે નકારી કાઢી.

બીજી તરફ, ઇઝરાયલના PM નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું કે ઇઝરાયલ જ નક્કી કરશે કે કઈ વિદેશી ફોર્સ સ્વીકાર્ય હશે અને હમાસના સમર્થક એવા તૂર્કિયેને બહાર રાખવા પર ભાર મૂક્યો.

જોર્ડનના કિંગ અબ્દુલ્લા IIએ ચિંતા વ્યક્ત કરી કે ISFનું કામ જો શાંતિ જાળવવાનું હોય તો જ દેશો સામેલ થશે, નહિતર હથિયારો સાથે પેટ્રોલિંગ કરવાની સ્થિતિમાં કોઈ ભાગ લેવા માંગશે નહીં. વધુમાં, ઇજિપ્તે પેલેસ્ટિનિયન ભાગીદારી વિના ISFમાં સૈનિકો મોકલવાનો ઇન્કાર કરી દીધો હતો.

ફરી યુદ્ધના મેદાનમાં ઇઝરાયલ અને હમાસ! ટ્રમ્પે કરાવેલું સીઝફાયર તૂટવાના 5 મુખ્ય કારણ 2 - image

Tags :