યુરોપની બેવડી નીતિ: યુદ્ધ અંગે યુક્રેન-રશિયાને છૂટ, ભારતને 'શાંતિ'નું જ્ઞાન
European Union on Pahalgam Terror Attack: વિશ્વમાં હાલ એકથી વધુ મોરચે યુદ્ધકાળ ચાલી રહ્યો છે. યુક્રેન-રશિયા વચ્ચેની કુશ્તી સતત જારી છે, તો ઈઝરાયલ-પેલેસ્ટાઈન વચ્ચે પણ છાશવારે છમલકાં થયા કરે છે. તાજેતરમાં પહલગામ આતંકવાદી હુમલાને કારણે ભારત-પાકિસ્તાન વચ્ચે પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. આવા માહોલમાં યુરોપિયન યુનિયન જે પ્રકારનું વલણ દર્શાવી રહ્યું છે એ તેની દંભી નીતિઓને ખુલ્લી પાડનારું છે.
રશિયા-યુક્રેન યુદ્ધમાં ‘યુદ્ધ એ જ કલ્યાણ’ને ન્યાયી માનીને યુક્રેનને શસ્ત્રો પૂરા પાડીને મદદ કરી રહેલા યુરોપિયન યુનિયને ભારત અને પાકિસ્તાનને યુદ્ધ બાબતે સંયમ રાખવાની સૂફિયાણી સલાહ આપી છે, જેની ભારે ટીકા થઈ રહી છે.
શું કહ્યું યુરોપિયન યુનિયનના ઉપપ્રમુખે?
યુરોપિયન યુનિયનના ઉપપ્રમુખ અને વિદેશી બાબતોના ઉચ્ચ પ્રતિનિધિ કાજા કલ્લાસે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર અને પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક ડાર સાથે ફોન પર વાત કરીને કહ્યું હતું કે, ‘તણાવ વધારવાથી કોઈને ફાયદો થશે નહીં.’
નિષ્ણાંતોએ અને સોશિયલ મીડિયા યુઝર્સએ કાજા કલ્લાસને દંભી ગણાવ્યા
ભારત જેનાથી દાયકાઓથી પીડાઈ રહ્યું છે એવા પાકિસ્તાન સમર્થિત આતંકવાદની કાજા કલ્લાસે સદંતર અવગણના કરીને ભારતને શાંતિ જાળવી રાખવાની સૂફિયાણી સલાહ આપી, તેથી વિદેશ નીતિના નિષ્ણાતો અને સોશિયલ મીડિયા યુઝર્સએ કાજા કલ્લાસને દંભી ગણાવ્યા હતા, કેમ કે યુક્રેન-રશિયા મુદ્દે તેઓ યુદ્ધ કરવાના પક્ષમાં ગાણા ગાતાં રહ્યાં છે.
કાજા કલ્લાસની જૂની પોસ્ટ
વિદેશ નીતિના નિષ્ણાતો અને સોશિયલ મીડિયા યુઝર્સ કાજા કલ્લાસના બેવડા ધોરણો ઉઘાડા પાડવા માટે તેમની યુક્રેન-રશિયા યુદ્ધ સંબંધિત જૂની પોસ્ટ શોધી લાવ્યા છે. એકથી વધુ જૂની પોસ્ટમાં યુક્રેનનું ખુલ્લેઆમ સમર્થન કરતાં કલ્લાસે ‘બચાવ એ ઉશ્કેરણી નથી’, ‘આક્રમક કરનારને રોકવું જ જોઈએ. જો તમે આક્રમણ કરનારને નહીં રોકો, તો તે ક્યારેય નહીં અટકે’ એવા વિધાનો લખ્યા હતા.
નિષ્ણાતોએ કલ્લાસને ઝાટકી નાંખ્યા
- એક નિષ્ણાતે ટ્વિટ કર્યું હતું કે, ‘EUનું આ નિવેદન ફરી એકવાર ભારત અને પાકિસ્તાનને એક જ ત્રાજવે તોળવા જેવું છે, જ્યારે કે વાસ્તવિકતા સંપૂર્ણપણે અલગ છે.’
- બીજા એક નિષ્ણાતે લખ્યું હતું કે, ‘ઐતિહાસિક રેકોર્ડ જોઈએ તો મોટાભાગના ભારતીયોને યુરોપ ભારતની તરફેણ કરશે એવી અપેક્ષા નથી, કેમ કે EU પાકિસ્તાનનું બીજું સૌથી મહત્ત્વપૂર્ણ વેપારી ભાગીદાર છે અને બંને વચ્ચે વર્ષોથી ગાઢ સંબંધ રહ્યા છે.’
- એક ટ્વીટ એવું કરાયું હતું કે, ‘જો EU પાસે થોડી પણ સમજ હોત, તો તેને ખબર હોત કે પાકિસ્તાની ઈસ્લામિક આતંકવાદીઓના હાથે ભારતીયોના મોત થવા છતાં ભારતે વારંવાર રાજદ્વારી પ્રયાસો અને સંવાદ કર્યા છે. તેમ છતાં સરહદ પારના આતંકવાદને રોકી શકાયો નથી. જો ખરેખર EU ને સાચી પરિસ્થિતિની જાણ હોત તો તેણે આવી ઉપરછલ્લી ટિપ્પણીઓ ન કરી હોત. EU એ પાકિસ્તાનની હરકતો અવગણી છે.’
- અન્ય એક નિષ્ણાતે કહ્યું હતું કે, ‘ભારત-પાકિસ્તાનને એક સમાન જોવાનો યુરોપનો અભિગમ નિરાશાજનક છે. એ જાગૃતિ અને સંવેદનશીલતાનો અભાવ દર્શાવે છે કેમ કે આતંકવાદી હુમલાઓ બાબતે ભારતે ઘણી વખત પુરાવા આપ્યા છે, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નથી. ભારતને ફક્ત ‘રાહ જુઓ’ એમ કહેવાનું અસ્વીકાર્ય છે.’
જયશંકરનું જૂનું નિવેદન વાઈરલ થયું
કાજા કલ્લાસના નિવેદન પછી ઘણા લોકોને બે વર્ષ અગાઉનું વિદેશમંત્રી એસ જયશંકરનું નિવેદન પણ શોધીને ફરી સોશિયલ મીડિયા પર મૂક્યું છે જેમાં તેમણે યુરોપના દંભને દુનિયા સમક્ષ ઉજાગર કર્યો હતો. જયશંકરે કહ્યું હતું કે, ‘યુરોપે સમજવું પડશે કે તેના મુદ્દાઓ વિશ્વના મુદ્દાઓ નથી, પરંતુ વિશ્વના મુદ્દાઓ યુરોપ માટે બિનમહત્ત્વપૂર્ણ છે.’
ટૂંકમાં, EUનું આવું વલણ ભારતના સાર્વભૌમત્વની અવગણના કરે છે, જેને લીધે તેના બેવડા ધોરણો પણ છતાં થાય છે.