Get The App

કેન્સર વિશે જાણી એન્જિનિયર ભાંગી પડ્યો, પત્ની અને બે બાળકો સહિત કર્યો સામૂહિક આપઘાત

Updated: May 24th, 2025

GS TEAM

Google News
Google News
કેન્સર વિશે જાણી એન્જિનિયર ભાંગી પડ્યો, પત્ની અને બે બાળકો સહિત કર્યો સામૂહિક આપઘાત 1 - image

પ્રતિકાત્મક તસવીર... 



Jamshedpur News : જમશેદપુરથી એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં ગમહરિયામાં આવેલી ટાટા સ્ટીલ કંપનીમાં  સિનિયર મેનેજર તરીકે તહેનાત કેન્સરથી પીડિત 40 વર્ષીય એન્જિનિયર કૃષ્ણ કુમારે પત્ની અને બે બાળકો સાથે સામૂહિક આત્મહત્યા કરી લીધી. શુક્રવારે રાત્રે ચારેયના મૃતદેહ ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. 

આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે પાડોશીઓએ બંધ રૂમમાંથી દુર્ગંધ આવતી હોવાની જાણકારી પોલીસને આપી હતી. જેના બાદ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. કૃષ્ણ કુમાર તાજેતરમાં જ કેન્સરની સારવાર કરાવીને મુંબઈથી પરત ફર્યા હતા. તેમને નિયમિત કીમોથેરાપી કરાવવા કહેવાયું હતું પરંતુ બુધવાર બાદથી તેઓ આદિત્યપુરના ચિત્રગુપ્ત નગરમાં આવેલા પોતાના ઘરની બહાર નીકળ્યા જ નહીં. 

મૃતકોમાં કૃષ્ણ કુમાર, તેમની પત્ની ડોલી, 13 વર્ષની પુત્રી પૂજા અને છ વર્ષની મૈયાનો સમાવેશ થાય છે. શુક્રવારે રાત્રે લગભગ 10 વાગ્યે, ચારેયના મૃતદેહ એક જ રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.  મૃતકના પિતા શોબિંદો તિવારીએ જણાવ્યું કે મારો પુત્ર કૃષ્ણ કુમાર ટાટા સ્ટીલમાં સિનિયર મેનેજર છે. તે કેન્સરથી પીડાતો હતો. તેની પત્ની ડોલી દેવીની વિનંતી પર અમે મારા દીકરાને  કેન્સરની સારવાર માટે ફ્લાઇટ દ્વારા મુંબઈ લઈ ગયા. ત્યાંના ડોક્ટરોએ મને કહ્યું કે કીમોથેરાપી કરાવવી  પડશે. 

આ સુવિધા જમશેદપુરમાં પણ ઉપલબ્ધ છે. ત્યારબાદ અમે મારા દીકરાને લઇને ફ્લાઇટ દ્વારા જમશેદપુર પહોંચ્યા. અહીં કીમોથેરાપી માટે દાખલ થવું પડ્યું. રજા માટે તેણે કંપનીમાં અરજી પણ કરી હતી. દરમિયાન, જ્યારે ગુરુવાર રાતથી પુત્રનો આખો પરિવાર ઘરની બહાર ન આવ્યો, ત્યારે આ અંગેની માહિતી પોલીસને આપવામાં આવી. પાડોશીઓનું કહેવું છે કે કેન્સરનું નિદાન થયા પછી આખો પરિવાર ડિપ્રેશનમાં સરી ગયો હતો. મુંબઈમાં જાણ થઇ હતી કે કૃષ્ણ કુમારને ત્રીજા સ્ટેજનો કેન્સર છે. જ્યારથી દીકરો મુંબઈથી પાછો આવ્યો ત્યારથી આખા પરિવારે કોઈની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. તેમને છેલ્લે બુધવારે સાંજે જોવામાં આવ્યા હતા. ત્યારથી તેમનો રૂમ બંધ હતો. દરવાજો તોડ્યા પછી, પોલીસ ટીમે ફોરેન્સિક ટીમને બોલાવી.

Tags :