દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક કાર્યવાહી, જમ્મુ-કાશ્મીરમાં ઇલેક્ટ્રિશિયનની ધરપકડ

Delhi Blast Case : દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય તપાસ એજન્સીએ જમ્મુ-કાશ્મીરમાંથી એક ઇલેક્ટ્રિશિયનની ધરપકડ કરી છે. ઇલેક્ટ્રિશિયનની ઓળખ પુલવામાના તુફૈલ અહમ તરીકે થઈ છે, જેના પર આતંકવાદી મોડ્યુલનો સભ્ય હોવાની શંકા છે. તુફૈલ અહમદને પૂછપરછ માટે એક ઔદ્યોગિક ક્ષેત્રથી અટકાયત કરવામાં આવી છે. તુફૈલનું જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાણ હોવાની શંકા વર્તાઈ રહી છે.
દિલ્હી બ્લાસ્ટ કેસમાં જમ્મુ-કાશ્મીરમાં ઇલેક્ટ્રિશિયનની ધરપકડ
મીડિયા રિપોર્ટ મુજબ, દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ દરમિયાન બ્લાસ્ટમાં સંકળાયેલા જરૂરી પૂરાવાઓ સામે આવી રહ્યા છે. તેવામાં ઝડપાયેલા આરોપીને લઈને તપાસ એજન્સી આતંકી મોડ્યૂલમાં તેની ભૂમિકા અંગે તપાસ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટમાં 15 લોકોના મોત નીપજ્યા હતા.
આ પહેલા રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA)એ ગત ગુરુવારે ત્રણ ડૉક્ટર અને એક ધાર્મિક ઉપદેશકની ધરપકડ કરી હતી. વિસ્ફોટ બાદ, જમ્મુ અને કાશ્મીર પોલીસે મૌલવી ઇરફાન અહેમદ વાગે સાથે મુઝમ્મિલ ગનઈ, આદિલ રાથર અને શાહીના સઈદની ધરપકડ કરી હતી.
NIAના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં જિલ્લા સત્ર ન્યાયાધીશના પ્રોડક્શન ઓર્ડર બાદ આતંકવાદ વિરોધી તપાસ એજન્સીએ શ્રીનગરમાં આરોપીને કસ્ટડીમાં લીધો હતો. આ તમામ આરોપીઓએ આતંકવાદી હુમલામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
બ્લાસ્ટમાં જૈશ-એ-મોહમ્મદનું કાવતરું
ભારતીય ગુપ્તચર એજન્સીઓની તપાસના તારણો અનુસાર, લાલ કિલ્લા નજીક બ્લાસ્ટ થયેલી કાર પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા નેટવર્કની યોજનાનો સીધો ભાગ હતી. આ કાવતરાનું સંચાલન જૈશ-એ-મોહમ્મદના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં હ્યુન્ડાઇ i20 કારમાં એમોનિયમ નાઇટ્રેટ આધારિત વિસ્ફોટક ભરવામાં આવ્યો હતો.
તપાસમાં જાણવા મળ્યું કે આ હુમલાની તૈયારી 10 સભ્યોના એક ગ્રૂપ, જેને 'ટેરર ડૉક્ટર સેલ' કહેવામાં આવે છે, તેના દ્વારા કરવામાં આવી હતી. આ સેલનું સંચાલન કરનાર જમ્મુ-કાશ્મીરના શોપિયાંનો મૌલવી ઇરફાન અહેમદ હતો, જે સીધો જૈશ સાથે સંબંધ ધરાવતો હતો. ઈરફાને અલ-ફલાહ મેડિકલ કૉલેજના ઘણાં ડૉક્ટરને પોતાની સાથે જોડ્યા હતા, આતંકી ઉમર પણ એ જ કૉલેજનો હતો. તપાસ અધિકારીઓ પુષ્ટિ કરે છે કે આ સેલના અન્ય તમામ સભ્યોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.

