તેજસ ફાઇટર જેટ ક્રેશ થતાં પહેલા પાઇલટે કર્યો હતો બહાર નીકળવાનો પ્રયાસ, નવો વીડિયો આવ્યો સામે

Tejas Fighter Jet Crash: દુનિયાના સૌથી મોટા એર શોમાંના એક દુબઈ એર શોમાં શુક્રવારે ભારતનું સ્વદેશી મલ્ટી-રોલ લાઈટ કોમ્બેટ ફાઈટર જેટ તેજસ હવામાં કરતબ બતાવતા અચાનક તૂટી પડયું હતું. આ વિમાન અકસ્માતમાં ભારતીય એરફોર્સના પાઇલટ નયન સ્યાલનું પણ મોત નીપજ્યું હતું. ત્યારે હવે નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં દુર્ઘટનાની અંતિમ ક્ષણો સ્પષ્ટપણે જોઈ શકા છે કે તેજસના પાઇલટે અંતિમ સમયે ઇજેક્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ફાઈટર જેટ જમીન પર ટકરાઈ ગયું હતું. જોકે, તેમની પાસે વધુ સમય પણ નહોતો કારણ કે ફાઈટર જેટ આકાશમાં ઓછી ઉંચાઈ પર હતું.
આ નવા વીડિયોમાં ટાઇમ સ્ટેમ્પના 44માં અને 59માં સેકન્ડની વચ્ચે ફાઇટર જેટ જમીન પર પડી જાય છે અને આગ ભડકી ઉઠે છે. વીડિયોમાં પેરાશૂટ જેવી વસ્તુ દેખાય છે, જે સૂચવે છે કે પાઇલટે ક્રેશ પહેલાં બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ખૂબ મોડું થઈ ગયું હતું. એ પણ શક્ય છે કે પાઇલટ, વિંગ કમાન્ડર સ્યાલ, ક્રેશ પહેલાં વિમાન પર ફરીથી નિયંત્રણ મેળવવા અને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, કારણ કે તેજસનો સલામતી રેકોર્ડ લગભગ દોષરહિત છે. જોકે, ભારતીય કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સના ફાઈટર વિમાનના અકસ્માત અંગે ભારતીય એરફોર્સે તપાસનો આદેશ આપી દીધો છે.
દુબઈમાં પાંચ દિવસના એર શોનો શુક્રવારે અંતિમ દિવસ હતો. દુનિયાના 200 જેટલા ફાઇટર જેટ અહીં આવ્યા હતા. અલ મક્તૂમ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ભારતનું સ્વદેશી તેજસ ફાઇટર જેટ હવાઈ કરતબ કરતું હતું ત્યારે અચાનક જ બપોરે 2.10 કલાકે વિમાન તૂટી પડયું હતું. આ પહેલાં માર્ચ 2024માં જેસલમેરમાં તેજસ ફાઇટર જેટનો પહેલો અકસ્માત થયો હતો.

