India

ચૂંટણી પંચના નવા નિયમ પર વિવાદ, રાહુલ ગાંધીએ કહ્યું- સ્પષ્ટ દેખાય છે કે મેચ ફિક્સ છે

By GS TEAM
21 Jun 20253 mins read
TukuTouch Logo
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે એકવાર ફરી ચૂંટણી આયોગ પર ગંભીર સવાલો ઉઠાવી તેમની પારદર્શિતા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, ચૂંટણી પંચ જાણી જોઈને ચૂંટણી સાથે જોડાયેલા મહત્વપૂર્ણ ડેટાનો નાશ કરવાની કોશિશ કરી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચૂંટણી પંચના નવા નિયમ પર વિવાદ, રાહુલ ગાંધીએ કહ્યું- સ્પષ્ટ દેખાય છે કે મેચ ફિક્સ છે

Rahul Gandhi on EC: લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે એકવાર ફરી ચૂંટણી આયોગ પર ગંભીર સવાલો ઉઠાવી  તેમની પારદર્શિતા પર સવાલ  ઉઠાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, ચૂંટણી પંચ જાણી જોઈને ચૂંટણી સાથે જોડાયેલા મહત્વપૂર્ણ ડેટાનો નાશ કરવાની કોશિશ કરી રહ્યું છે. 

રાહુલ ગાંધીએ શનિવારે ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, તે જાણી જોઈને ચૂંટણી સંબંધિત મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડેટા નષ્ટ કરી રહ્યું છે. રાહુલે સોશિયલ મીડિયા પર લખ્યું કે, મતદાર યાદી મશીન-રીડેબલ ફોર્મેટમાં આપવામાં નહીં આવે, સીસીટીવી ફૂટેજ કાયદામાં ફેરફાર કરીને છુપાવવામાં આવ્યા છે અને હવે ચૂંટણીનો ફોટો-વિડિયો એક વર્ષ નહીં પણ માત્ર 45 દિવસમાં નાશ કરવામાં આવશે. હવે જેને જવાબ જોઈએ છે, તે જ પુરાવાનો નાશ થઈ રહ્યો છે, એટલે કે "મેચ ફિક્સ છે" અને ફિક્સ્ડ ચૂંટણીઓ લોકશાહી માટે ઝેર છે.'

આ પણ વાંચો : ભારતમાં મોટી વિમાન દુર્ઘટના ટળી, પાયલટે આપ્યો હતો Maydayનો મેસેજ: રિપોર્ટમાં ખુલાસો

ચૂંટણી પંચની સ્પષ્ટતા - ગોપનીયતા અને સુરક્ષા જરૂરી છે

રાહુલ ગાંધીના આરોપો પર ચૂંટણી પંચના અધિકારીઓએ કહ્યું કે, 'મતદાન મથકોના વેબકાસ્ટિંગ ફૂટેજને જાહેર કરવાથી મતદારોની ગોપનીયતા અને સુરક્ષા માટે ખતરો ઉભો થઈ શકે છે.' કમિશનના મતે આવી માંગણીઓ જાહેર હિત અને લોકશાહી અખંડિતતાના સમર્થનમાં હોય તેવું લાગે છે, પરંતુ હકીકતમાં તેમનો ઉદ્દેશ્ય તેનાથી વિપરીત છે.

કાયદો અને સુપ્રીમ કોર્ટના આદેશો

ચૂંટણી પંચના અધિકારીઓએ કહ્યું કે, રાહુલ ગાંધીની માંગણી 1950 અને 1951 ના જન પ્રતિનિધિત્વ અધિનિયમ અને સુપ્રીમ કોર્ટના સુચનો વિરુદ્ધ છે. પંચે એ પણ કહ્યું કે, તે કાયદા અને બંધારણ પ્રમાણે કામ કરી રહ્યું છે, અને મતદાતાઓની સુરક્ષા તેમજ ચૂંટણીની નિષ્પક્ષતાને જાળવી રાખવી તેમની પ્રાથમિકતા છે. 

મતદારોની ઓળખ જાહેર થવાનો ખતરો 

ચૂંટણી પંચના અધિકારીઓએ ચેતવણી આપી છે કે, મતદાન કેન્દ્રોના CCTV ફૂટેજ જાહેર કરવાથી કોણે મતદાન કર્યું અને કોણે નહીં તે જાણી શકાય છે, જેના કારણે તે લોકોને દબાણ, ભેદભાવ અથવા ધાકધમકી જેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. ઉદાહરણ તરીકે જો કોઈ રાજકીય પક્ષને બૂથ પર ઓછા મત મળે છે, તો ફૂટેજ જોઈને તે જાણી શકે છે કે, કોણે મતદાન કર્યું નથી. આ પસંદગીના લોકોને હેરાન કરી શકે છે અથવા ડરાવી શકે છે.

સીસીટીવી ફૂટેજની સમય મર્યાદા અને ઉપયોગ

અધિકારીઓએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, ચૂંટણી પંચ આ સીસીટીવી ફૂટેજને આંતરિક વહીવટી કાર્ય માટે માત્ર 45 દિવસ માટે સુરક્ષિત રાખે છે. આ નિયમ એટલા માટે લાવવામાં આવ્યો છે, કારણ કે ચૂંટણી પરિણામો સામે અરજી દાખલ કરવાની કાનૂની સમય મર્યાદા પણ 45 દિવસ છે.

આ પણ વાંચો : લોકસભા ચૂંટણી 2029માં પોતાની ભૂમિકા અંગે નીતિન ગડકરીએ કહ્યું- 'અત્યાર સુધી એક ન્યૂઝ રીલ હતી, અસલી ફિલ્મ હજુ બાકી'

કોર્ટ માટે સુરક્ષિત રાખવામાં આવશે ફૂટેજ

જો આ સમય મર્યાદામાં કોઈ અરજી દાખલ કરવામાં આવે છે, તો ફૂટેજ સુરક્ષિત રાખવામાં આવે છે અને જરૂર પડ્યે કોર્ટને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પરંતુ જો કોઈ અરજી દાખલ થતી નથી, તો પછી ફૂટેજ રાખવાથી ખોટી માહિતી ફેલાવાનો કે દુરુપયોગ થવાનો ભય રહે છે.