345 રાજકીય પક્ષો પર લટકતી તલવાર, ચૂંટણી પંચ રજિસ્ટ્રેશન રદ કરશે, સત્ય જાણી ચોંકશો
Election Commission Delist 345 Inactive Parties: ચૂંટણી પંચે રજિસ્ટર્ડ નિષ્ક્રિય 345 રાજકીય પક્ષની નોંધણી રદ કરવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે. ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશ્નર ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશીની અધ્યક્ષતા હેઠળ માન્યતા વિનાના રાજકીય પક્ષોની નોંધણી રદ કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આ એવા પક્ષો છે, જેમણે 2019થી કોઈપણ પ્રકારની ચૂંટણીમાં ભાગ લીધો નથી અને જેમના કાર્યાલયો સમગ્ર દેશમાં ક્યાંય ભૌતિક રીતે જોવા મળ્યા નથી.
ચૂંટણી પંચે ગઈકાલે (ગુરુવારે) જણાવ્યું હતું કે, વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી 345 પક્ષ મળી આવ્યા છે. જેમનું રજિસ્ટ્રેશન તો થયેલું છે. પરંતુ સક્રિયપણે રાજકારણમાં કોઈ ભૂમિકા ભજવી રહ્યા નથી. હાલમાં રજિસ્ટર્ડ 2800થી વધુ પક્ષોએ માન્યતા ગુમાવી છે. તેમણે આવશ્યક શરતોનું અનુસરણ કર્યું નથી. આવા પક્ષો વિરૂદ્ધ અભિયાન ચલાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાષ્ટ્રવ્યાપી ગેરમાન્ય પક્ષોની ઓળખ
ચૂંટણી પંચ દ્વારા ગેરમાન્ય પક્ષોની ઓળખ માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના પ્રથમ ચરણમાં અત્યારસુધી 345 પક્ષને ઓળખી કાઢવામાં આવ્યા છે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી પંચ કમિશ્નરે આ પક્ષોને શૉ કૉઝ નોટિસ પણ પાઠવી છે.
રજિસ્ટર્ડ પક્ષોને કરમાં છૂટ સહિતની સુવિધા
દેશમાં રાષ્ટ્રીય/રાજ્ય/ગેરમાન્ય રાજકીય પક્ષોનું રજિસ્ટ્રેશન જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 29A હેઠળ કરવામાં આવે છે. આ જોગવાઈ હેઠળ નોંધણી થયા પછી, રાજકીય પક્ષને કરમુક્તિ સહિત ઘણી અન્ય સુવિધાઓ મળે છે. કમિશનના જણાવ્યા અનુસાર, રાજકીય વ્યવસ્થાને પારદર્શક અને સ્વચ્છ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ ઝુંબેશ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.