રાહુલ ગાંધીના આરોપો બાદ ચૂંટણી પંચનો નિર્ણય, ઈ-સાઈન સિસ્ટમ લોન્ચ કરી, જાણો તેના ફાયદા
Election Commission: મતદાર યાદીમાંથી નામ કાઢવાને લઈને ઉઠેલા વિવાદને ઉકેલવા માટે ભારતના ચૂંટણી પંચે (ECI) એક નવી ટેકનિકનો ઉપયોગ શરૂ કર્યો છે. આ નિર્ણય કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકના આલંદ વિધાનસભા ક્ષેત્રમાં મોટા પાયે મતદારોના નામ હટાવવા માટે કરવામાં આવેલી ગેરરીતિના આરોપો બાદ લેવાયો છે. આ ટેકનિકલ સુવિધાથી મતદારની ઓળખનો દુરૂપયોગ અટકાવી શકાશે.
આ પણ વાંચોઃ માનવતા ભૂલાઈ! નવજાત સાથે આવું કરવાનું કોઈ વિચારી પણ ના શકે, રાજસ્થાનની હચમચાવતી ઘટના
ચૂંટણી પંચે તેના ECINet પોર્ટલ અને એપ પર નવું 'ઈ-સાઈન' ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર હેઠળ, મતદારોએ રજિસ્ટ્રેશન, નામ હટાવવા અથવા સુધારા માટે અરજી કરતી વખતે પોતાના આધાર સાથે લિન્ક થયેલા ફોન નંબરનો ઉપયોગ કરીને પોતાની ઓળખ ચકાસવાની રહેશે. અગાઉ, અરજદારો કોઈપણ વેરિફિકેશન વગર ફોર્મ જમા કરી શકતા હતા, જેના કારણે ઓળખના દુરૂપયોગનું જોખમ રહેતું હતું.
કેવી રીતે કામ કરશે નવી સિસ્ટમ?
- નવી સિસ્ટમ શરૂ થયા બાદ, જ્યારે કોઈ વ્યક્તિ ECINet પોર્ટલ પર ફોર્મ 6 (નવા રજિસ્ટ્રેશન માટે), ફોર્મ 7 (નામ હટાવવા માટે), અથવા ફોર્મ 8 (સુધારા માટે) ભરે છે, ત્યારે તેને 'ઈ-સાઈન'ની જરૂરિયાત પૂરી કરવી પડશે.
- પોર્ટલ અરજદારને ખાતરી કરાવશે કે મતદાર કાર્ડ અને આધાર કાર્ડ પર નામ સરખું છે અને આધાર કાર્ડ મોબાઇલ નંબર સાથે જોડાયેલું છે.
- ત્યારબાદ, અરજદારને એક બહારના ઈ-સાઈન પોર્ટલ પર રિડાયરેક્ટ કરવામાં આવશે, જ્યાં તેને પોતાનો આધાર નંબર દાખલ કરવાનો રહેશે.
- આધાર નંબર દાખલ કર્યા બાદ, આધાર સાથે જોડાયેલા ફોન નંબર પર એક 'આધાર OTP' મોકલવામાં આવશે.
- OTP દાખલ કરીને અને સંમતિ આપ્યા બાદ જ વેરિફિકેશન પ્રક્રિયા પૂરી થશે, ત્યાર બાદ અરજદારને ફોર્મ જમા કરાવવા માટે પાછો ECINet પોર્ટલ પર મોકલવામાં આવશે.
- આ પ્રક્રિયા નકલી અરજીઓને રોકવામાં મદદ કરશે.
આ પણ વાંચોઃ અમેરિકા બાદ હવે UAEએ વિઝા અંગે મોટો નિર્ણય લીધો, આ 9 દેશોના લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ!
કેમ જરૂરી હતો આ ફેરફાર?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 18 સપ્ટેમ્બરે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આલંદમાં કોઈએ ઓનલાઈન અરજી દ્વારા લગભગ 6,000 મતદારોના નામ હટાવવાનો પ્રયાસ કર્યો હતો. મોટાભાગના કિસ્સાઓમાં, અરજીપત્રો જમા કરવા માટે અસલી મતદારોની ઓળખનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. ફોર્મ જમા કરવા માટે ઉપયોગમાં લેવાયેલા ફોન નંબર પણ તે મતદારોના નહોતા, જેમના નામ પર ફોર્મ દાખલ કરવામાં આવ્યા હતા. આ ગેરરીતિઓને અટકાવવા માટે જ ચૂંટણી પંચે આ મહત્ત્વનું પગલું ભર્યું છે.