મેરઠમાં પેન્શન-મોબાઇલના ઝઘડામાં વૃદ્ધ માતાએ દીકરા-પૌત્રને આગ ચાંપી પોતે આપઘાત કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Meerut Pension Dispute: ઉત્તર પ્રદેશના મેરઠમાં પેન્શનના પૈસા અને નવા મોબાઈલ ફોનને લઈને એક હચમચાવી મૂકતો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 65 વર્ષની વૃદ્ધ મહિલાએ પોતાના જ દીકરા અને પૌત્ર પર જ્વલનશીલ પદાર્થ નાખીને આગ ચાંપી દીધી. ત્યારબાદ વૃદ્ધ માતાએ ગામમાં એક ઝાડ પર લટકીને આપઘાત કરી લીધો.
પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે ફલાવદાના દાદુપુર ગામની રહેવાસી વૃદ્ધા સુમિત્રા દેવીના પરિવારમાં પેન્શનના પૈસાને લઈને અવારનવાર ઝઘડા થતા હતા. શનિવારની રાત્રે પણ પેન્શનના પૈસા અને તેમના 14 વર્ષના પૌત્ર ઉદય માટે નવો મોબાઈલ ફોન ખરીદવાની વાતને લઈને બોલાચાલી થઈ ગઈ હતી.
વૃદ્ધ માતાએ દીકરા-પૌત્રને આગ ચાંપી
આરોપ છે કે બોલાચાલી દરમિયાન ગુસ્સામાં આવીને સુમિત્રા દેવીએ જ્વલનશીલ પદાર્થ કાઢીને પોતાના દીકરા પરમવીર (45) અને પૌત્ર ઉદય (14) પર છાંટી દીધો અને આગ ચાંપી દીધી. આ આગની ચપેટમાં આવવાથી બંને ગંભીર રીતે દાઝી ગયા હતા.
ઝાડ પર લટકતી મળી વૃદ્ધ મહિલાની લાશ
ચીસાચીસ સાંભળીને પહોંચેલા આસપાસના લોકો અને પરિવારજનોએ જેમ-તેમ કરીને આગ ઓલવી અને બંનેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પરંતુ આ ઘટનાને અંજામ આપ્યા બાદ સુમિત્રા દેવી સ્થળ પરથી જતા રહ્યા હતા. બાદમાં ગામના જ એક ઝાડ પરથી તેમની લાશ લટકતી મળી આવી.
ફોરેન્સિક ટીમે એકઠા કર્યા પુરાવા
ઘટનાની જાણ થતાં જ ફલાવદા પોલીસ સ્ટેશનની પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ સાથે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી અને પુરાવા એકઠા કર્યા હતા. પોલીસે મૃતક મહિલાના મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
પોલીસે તપાસ હાથ ધરી
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, તેઓ પરિવારના સભ્યો અને ગ્રામજનોની પૂછપરછ કરી રહ્યા છે અને મામલાના તમામ પાસાઓની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે.




