Maharashtra Political News : નાગપુર વિધાનસભાના શિયાળુ સત્રના છેલ્લા દિવસે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ફિલ્મ ‘ધુરંધર’નો ડાયલોગ બોલી શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા છે. મુંબઈ મહાનગરપાલિકાની છેલ્લે 2017માં ચૂંટણી યોજાયા બાદ હવે ટૂંક સમયમાં ચૂંટણી યોજાઈ શકે છે, જો કે પહેલા ભાજપ અને શિંદે જૂથ વિરોધી પક્ષો પર આક્રમક પ્રહારો કરી રહ્યા છે.
શિંદે શાયરીના અંદાજમાં કર્યો કટાક્ષ
શિંદેએ રવિવારે ઠાકરે જૂથ પર કટાક્ષ કરી ફિલ્મ ‘ધુરંધર’નો ડાયલોગ મારતા રાજકીય ચર્ચાનો વિષય બની ગયો છે. દેશની સૌથી અમીર નગર નિગમ બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણી શિંદે જૂથ અને ભાજપ માટે ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે, ત્યારે શિંદેએ શિયાળુ સત્રમાં ભાષણ આપતી વખતે શાયરીના અંદાજમાં કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘અમારી તમામ યોજનાઓ છે ગેમ ચેન્જર, કોર્પોરેશનની ચૂંટણી જીતીને અમે બનીશું ધુરંધર’...
મુંબઈ નગર નિગમની તિજોરીને લૂંટવામાં આવી
શિંદેએ ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વગર આક્ષેપ કર્યો કે, તેમના કાર્યકાળ વખતે મુંબઈ નગર નિગમની તિજોરીને લૂંટવામાં આવી. પહેલા બીએમસીની તિજોરી પર કબજો કરવામાં આવ્યો, તમામ કામમાં કૌભાંડ કરવામાં આવ્યું અને મુંબઈવાસીઓને લૂંટીને શહેરને નુકસાન પહોંચાડવામાં આવ્યું. શિંદેએ વચન આપ્યું છે કે, જે લોકો મુંબઈ છોડીને જતા રહ્યા છે, તેમને શહેરમાં પરત લાવવામાં આવશે.
‘ધુરંધર’ મહાયુતિએ ઘણા ‘રહમાન ડકેત’ને હંફાવ્યા
તેમણે કહ્યું કે, ‘મુંબઈની તિજોરી પર ડકેતી કરનારા આ રહેમાન ડકેત કોણ છે? તેને પકડવો જોઈએ. ઈતિહાસમાં આવા કેટલાય રહમાન ડકેત આવ્યા અને જતા રહ્યા, જોકે આવા ડકેતોને હંફાવનારી ધુરંધર મહાયુતિ છે. વિસ્તાર કોઈનો પણ હોય, ધમાકો તો મહાયુતિ જ કરશે.’
આ પણ વાંચો : રૂ.1000 કરોડનું સાયબર કૌભાંડ: લોન અને નોકરીની લાલચ આપી લોકોને ઠગતી હતી 58 કંપનીઓ


