ED બંધારણનો ભંગ કરી રહી છે, બધી હદ પાર કરી દીધી... TASMAC કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
Supreme Court Slams ED: સુપ્રીમ કોર્ટે આજે તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન (TASMAC)ના હેડક્વાર્ટર પર દરોડા પાડવા બદલ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટનો ઉધડો લીધો છે. મની લોન્ડરિંગ કેસમાં સેન્ટ્રલ એજન્સી ED દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીને મનસ્વી ગણાવતાં સુપ્રીમ કોર્ટે ફિટકાર લગાવી હતી અને આ મામલે ચાલુ તમામ કાર્યવાહીને બંધ કરવા આદેશ આપ્યો છે.
EDએ તમામ મર્યાદાઓ વટાવી
CJI બી.આર. ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસિહની બેન્ચે આ મામલે જણાવ્યું કે, ઈડી તમામ મર્યાદાઓ ઓળંગી રહી છે. તે સરકારી સંસ્થા વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી બંધારણના સંઘીય માળખાનું ઉલ્લંઘન કરી રહી છે. સુપ્રીમ કોર્ટે ઈડીને નોટિસ પાઠવી આ મામલે ચાલી રહેલી તમામ કાર્યવાહી પર રોક મૂકી છે. સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના આદેશ વિરૂદ્ધ તમિલનાડુ સરકારની અરજી પર ઈડીને નોટિસ પાઠવી છે. મદ્રાસ હાઈકોર્ટે ઈડીને TASMAC વિરૂદ્ધ નોંધાયેલા રૂ. 1000 કરોડના કૌભાંડની તપાસ હાથ ધરવા મંજૂરી આપી હતી. જેના પર સુપ્રીમે રોક મૂકી છે.
કોર્પોરેશન વિરૂદ્ધ કાર્યવાહી હોય કે વ્યક્તિ વિરૂદ્ધ?
CJI ગવઈએ કહ્યું કે, આ ગુનો કોર્પોરેશન વિરૂદ્ધ કેવી રીતે નોંધી શકાય? તમે (ગુનામાં સંડોવાયેલા) લોકો વિરૂદ્ધ ગુનો નોંધી શકો છો. કોર્પોરેશન વિરૂદ્ધ કેવી રીતે કાર્યવાહી કરી શકાય. ઈડીએ તમામ હદો વટાવી છે. અમે સુનાવણી પર સ્ટે મૂકીએ છીએ. ઈડી સંપૂર્ણપણે બંધારણના સંઘીય માળખાનું ઉલ્લંઘન કરી રહી છે. EDના વકીલ એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કોર્ટને ટૂંકસમયમાં જવાબ રજૂ કરવાનું કહ્યું છે.
શું હતો કેસ?
TASMACના અધિકારીઓ પર દારૂના વેચાણ સંબંધિત લાંચ અને ભ્રષ્ટાચારમાં રૂ. 1000 કરોડની નાણાકીય ગેરરીતિ આચરી હોવાનો આરોપ છે. જેના ભાગરૂપે ઈડીએ TASMACની ઓફિસમાં 6થી 8 માર્ચ દરમિયાન દરોડા પાડ્યા હતાં. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આ મામલે 2014થી 2021 સુધી કુલ 41 ફરિયાદો નોંધાવી હતી. પણ ઈડી 2025માં સામે આવી, અને કોર્પોરેશનના હેડક્વાર્ટર પર દરોડા પાડ્યા. તમામના ફોન લઈ લીધા. તમામ ડેટા ક્લોન કરી નાખ્યો. આ મુદ્દો ગુપ્તતાનો બન્યો છે. રાજ્ય સરકારે અને TASMACએ ઈડીએ તમામ હદો વટાવી સરકારી અધિકારીઓના બદલે સંસ્થા વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હોવાનો આરોપ મૂકી તપાસ પર સ્ટે મૂકવા અપીલ કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે. આગામી સુનાવણી સુપ્રીમ કોર્ટના વેકેશન બાદ થશે.