વિધાનસભા ચૂંટણી પહેલા ECની મોટી કાર્યવાહી : 5 રાજ્યોમાં અધિકારીઓની મોટા પાયે થશે બદલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Election Commission Officer Transfer : આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ કરવાનો કડક આદેશ આપવામાં આવ્યો છે. ચૂંટણી પંચે ગોવા, મણિપુર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ એમ 5 રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને ચૂંટણી સાથે સીધા જોડાયેલા અધિકારીઓની તાત્કાલિક બદલી કરવા નિર્દેશ આપ્યા છે. આ આદેશનું પાલન કરીને તમામ રાજ્યોએ 30 નવેમ્બર સુધીમાં પોતાનો રિપોર્ટ ચૂંટણી પંચને સોંપવો પડશે.
કયા અધિકારીઓની કરાશે બદલી?
ચૂંટણી પંચના આદેશ મુજબ મુખ્યત્વે 2 પ્રકારના અધિકારીઓ પર બદલીની અસર પડશે. એવા તમામ અધિકારીઓ, જેઓ છેલ્લા 4 વર્ષ દરમિયાન એક જ જિલ્લામાં 3 વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત એવા અધિકારીઓ, જેઓ હાલમાં પોતાના ગૃહ જિલ્લામાં પોસ્ટેડ છે. આ બંને શ્રેણીમાં આવતા અધિકારીઓને વર્તમાન જિલ્લામાંથી હટાવીને અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવશે.
કયા વિભાગના કર્મચારીઓ પર લાગુ થશે આ નિયમ?
આ નિયમ એ તમામ સરકારી બાબુઓ અને અધિકારીઓ પર લાગુ થશે જેઓ ચૂંટણી કામગીરી સાથે સીધા જોડાયેલા છે. તેમાં જિલ્લા કક્ષાના વહીવટી અધિકારીઓ (જેમ કે ડેપ્યુટી કલેક્ટર, એસડીએમ) તેમજ પોલીસ અધિકારીઓ (જેમ કે ડીએસપી, પીઆઇ વગેરે) સામેલ છે. આ ઉપરાંત પરિવહન, દારૂબંધી અને આબકારી વિભાગના અધિકારીઓની પણ બદલી કરવામાં આવશે.
બદલી પાછળ ચૂંટણી પંચનો મુખ્ય હેતુ
ચૂંટણી પંચનું માનવું છે કે કોઈ અધિકારી લાંબા સમય સુધી એક જ જિલ્લામાં ફરજ બજાવે તો સ્થાનિક સ્તરે તેમના સંપર્કો અને પ્રભાવ વધી જાય છે. પરિણામે ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા પ્રભાવિત થવાનું જોખમ રહે છે. ચૂંટણીઓ સંપૂર્ણપણે ભયમુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક વાતાવરણમાં યોજાય તે સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચ દ્વારા આ નિયમિત પ્રક્રિયાના ભાગરૂપે કડક પગલાં લેવામાં આવ્યા છે.




