અમેરિકા બાદ ભારતના આ રાજ્યમાં 8 દિવસમાં ચોથી વાર ધરા ધ્રૂજી, જાણો કેટલી તીવ્રતા
Haryana Earthquake: અમેરિકામાં અલાસ્કાના સેન્ડ પોઇન્ટ નજીક 7.3 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. હરિયાણાના રોહતકમાં 17મી જુલાઈએ રાત્રે 12:46 વાગ્યે 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રોહતક શહેરથી માત્ર 17 કિ.મી. પૂર્વમાં જમીનની 10 કિ.મી. ઊંડાઈએ હતું. ભૂકંપના કારણે લોકો જાગી ગયા હતા અને ઘરની બહાર નીકળી ગયા હતા અને ખુલ્લી જગ્યામાં આવી ગયા હતા. જોકે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી.
હરિયાણામાં 10મી અને 11મી જુલાઈએ ભૂકંપ અનુભવાયા હતા
અહેવાલો અનુસાર, હરિયાણામાં છેલ્લા કેટલાક દિવસોથી હળવા ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. 11મી જુલાઈના રોજ હરિયાણાના ઝજ્જર જિલ્લામાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપ દિલ્હી-એનસીઆરમાં પણ અનુભવાયો હતો. અગાઉ 10મી જુલાઈના રોજ આ જ વિસ્તારમાં 4.4ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો.
આ પણ વાંચો: એર ઈન્ડિયાના તમામ બોઇંગ 787 વિમાનોની તપાસ પૂર્ણ, ફ્યૂલ સ્વિચમાં કોઈ સમસ્યા સામે ન આવી
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના રેકોર્ડ અનુસાર, 10મી જુલાઈથી રોહતકના 40 કિ.મી.ની ત્રિજ્યામાં રિક્ટર સ્કેલ પર 2.5થી વધુ તીવ્રતાના ચાર ભૂકંપ આવ્યા છે. 10મી જુલાઈના રોજ સવારે બે મિનિટના અંતરાલમાં ઝજ્જરમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પહેલો ભૂકંપ સવારે 9:04 વાગ્યે અનુભવાયો હતો, જ્યારે બીજો ભૂકંપ સવારે 9:06 વાગ્યે અનુભવાયો હતો. બીજા દિવસે, 11મી જુલાઈએ પણ ભૂકંપ અનુભવાયો હતો.
અમેરિકાના અલાસ્કા ટાપુ પર 7.3ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ
ઉલ્લેખનીય છે કે, બુધવારે (16મી જુલાઈ) અલાસ્કાના સેન્ડ પોઇન્ટ નજીક 7.3 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. જેના કારણે રાષ્ટ્રીય હવામાન વિભાગ દ્વારા સુનામીની ચેતવણી જાહેર કરાઈ હતી. સેન્ડ પોઇન્ટ અલાસ્કા ટાપુના ઉત્તરપશ્ચિમ પોપોફ ટાપુ પર સ્થિત છે. તે અલાસ્કાના એન્કોરેજથી લગભગ 600 માઇલ દક્ષિણ પશ્ચિમમાં છે.