દુર્ગાપુરમાં MBBS સ્ટુડન્ટ સાથે સામૂહિક દુષ્કર્મ, 3 નરાધમ ઝડપાયા, પોલીસે કેવી રીતે પકડ્યા જુઓ

West Bengal MBBS Students News : પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં MBBSની વિદ્યાર્થિની સાથે હોસ્પિટલ પરિસરમાં થયેલા ગેંગરેપના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે આ મામલે ત્રણ નરાધમોની ધરપકડ કરી લીધી છે જ્યારે અન્ય બે આરોપીઓ હજી પણ ફરાર છે અને તેમને પકડવા માટે શોધખોળ ચાલુ છે.
કેવી રીતે પકડ્યા પોલીસે?
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, પોલીસે ઘટનાની જાણ થતાં જ કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે ઘટનાસ્થળની આસપાસના જંગલ વિસ્તારમાં રાતભર સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. મોબાઈલ નેટવર્કને ટ્રેક કરીને પોલીસે આ ત્રણ આરોપીઓને પકડ્યા હતા.
શું બની હતી ઘટના?
પોલીસના જણાવ્યા અનુસાર, ઓડિશાના જાલેશ્વરની રહેવાસી 23 વર્ષીય MBBSની વિદ્યાર્થિની શુક્રવારે રાત્રે લગભગ 8:30 વાગ્યે તેના એક પુરુષ સહપાઠી સાથે કૉલેજ કેમ્પસમાંથી બહાર નીકળી હતી. કેમ્પસના ગેટ પાસે, કેટલાક વ્યક્તિઓએ કથિત રીતે તેમનો પીછો કરવાનું શરૂ કર્યું હતું અને અશ્લીલ ટિપ્પણીઓ કરી હતી.
પીડિતા હાલ સારવાર હેઠળ
ત્યારબાદ આ આરોપીઓ બળજબરીથી વિદ્યાર્થિનીને હોસ્પિટલ પરિસરની પાછળ એક સૂમસામ જગ્યાએ ખેંચી ગયા હતા, જ્યાં તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો. ઘટનાની જાણ થતાં જ ન્યૂ ટાઉનશિપ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. પીડિતાને તાત્કાલિક મેડિકલ તપાસ અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તે હાલમાં ડૉક્ટરોની દેખરેખ હેઠળ છે.

