લોકડાઉનના કારણે અહીં છેલ્લા 22 દિવસથી દુલ્હનના ઘરે જ રોકાયેલી છે જાન
અલીગઢ, તા. 13 એપ્રિલ 2020 સોમવાર
અત્યારે સમગ્ર દેશમાં કોરોના વાઈરસના કારણે લોકડાઉનની સ્થિતિ છે ત્યારે આવા સમયે અનેક લોકો કેટકેટલીય ફસાયા હોવાના સમાચાર આવતા હોય છે. એક આવી જ ઘટના સામે આવી છે જેમાં ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક જાન લગ્નના 22 દિવસ કરતા પણ વધારે થયા હોવા છતાં નવવધુના ઘરે રોકાયેલી છે.
જાનમાં આવેલા 15થી પણ વધારે લોકો ફસાયા છે. નવવધુના પિતા પણ હવે જાનૈયાને સાચવીને તેમના ખાવાપીવાનો ખર્ચો ઉઠાવીને થાકી ગયા છે. તેમની પાસે પૈસા પણ ખૂટી રહ્યા છે. રામનાથ મહંતો પોતાના દિકરાની જાન લઈને અલીગઢના અતરૌલીમાં આવ્યા હતા.
લોકડાઉનના કારણે ફસાયા
લગ્ન 21 માર્ચે થઈ ગયા હતા. જાનને 23 માર્ચના રોજ ઝારખંડ પાછા જવાનું હતું. ત્યારે આ જ દરમિયાન 22 માર્ચના રોજ જનતા કર્ફ્યુ લાગી ગયું. ત્યાર બાદ લોકડાઉનની જાહેરાત થઈ. જેથી જાનમાં આવેલા 15 જાનૈયા અને વરરાજા દુલ્હનના ઘરે ફસાઈ પડ્યા છે.
ત્યારે અહીં આવેલા જાનૈયાઓમાંથી એક વ્યક્તિએ તો જણાવ્યું હતું કે, લોકડાઉનના કારણે જાન રોકાયેલી હોવાથી દુલ્હનના ઘરે સૌથી વધુ લાંબા સમય સુધી રોકાઈ રહેવાનો રેકોર્ડ ગિનિઝ બુકમાં નોંધાઈ જવો જોઈએ.