ઓટો સેક્ટર પર માર, 7.5 લાખ ગાડીઓનો પ્રોડક્શન લોસ, 2 અબજ ડોલરનુ નુકસાન થશે
નવી દિલ્હી, તા.25 માર્ચ 2020, બુધવાર
કોરોનાના કારણે પહેલેથી જ મંદીનો સામનો કરી રહેલા ભારતના ઓટો સેક્ટરને બેવડો માર પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
કોરોના વાયરસના કારણે તમામ ઓટો કંપનીઓએ કર્મચારીઓને રજા આપી દીધી છે અને પ્લાન્ટ બંધ કરી દીધા છે. આ સંજોગોમાં એકલા માર્ચ મહિનામાં જ 7.5 લાખ ગાડીઓનો પ્રોડક્શન લોસ થવાની સંભાવના છે. બીજી તરફ કુલ 2 અબજ ડોલરનો રેવેન્યૂ લોસ થઈ શકે છે.
જોકે કંપનીઓએ કહ્યુ છે કે, કોઈ કર્મચારીઓની છટણી કરવામાં નહી આવે. આમ છતા કંપનીઓને રિકવર થવામાં ખાસો સમય લાગી જશે. વેચાણમાં વધારો થવામાં પણ સમય લાગશે.આ સમય કેટલો હશે તે કોઈ કહી શકે તેમ નથી.
કંપનીઓને લાગે છે કે, 21 દિવસના લોકડાઉનનો અને અગાઉના એક સપ્તાહનો સમય ગણીએ તો ઓછામાં ઓછુ એક મહિના માટે પ્રોડક્શન બંધ રહેશે અને આ એક મહિનો કંપનીઓની આવક ઝીરો હશે.