દુબઈમાં ભારતીયોની 17 અબજ ડૉલરની સંપત્તિ, ડ્રગ માફિયાથી લઈને મોસ્ટ વૉન્ટેડનું પણ જંગી રોકાણ

Updated: May 15th, 2024


Google NewsGoogle News
દુબઈમાં ભારતીયોની 17 અબજ ડૉલરની સંપત્તિ, ડ્રગ માફિયાથી લઈને મોસ્ટ વૉન્ટેડનું પણ જંગી રોકાણ 1 - image


Dubai Unlocked Property Report : ભારતીયો દુનિયાભરમાં ફરવાની સાથે વિદેશોમાં મિલકત ખરીદવામાં પણ અગ્રેસર છે. ‘દુબઈ અનલોક્ડ’ નામના એક લીક થઈ ગયેલા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, ભારતીયોએ 2020થી 2022 વચ્ચે સૌથી વધુ મિલકતો દુબઈમાં ખરીદી છે, તો પાકિસ્તાનીઓ બીજા, બ્રિટન ત્રીજા અને સાઉદીના નાગરિકો ચોથા ક્રમે છે. દુબઈમાં 29,700 ભારતીયોની કુલ 35 હજાર પ્રોપર્ટી છે, જેની કિંમત 1.45 લાખ કરોડ રૂપિયા છે. 

પાકિસ્તાનમાં ખાવાના ફાંફા ને વિદેશમાં અઢળક સંપત્તિ

સેન્ટર ફૉર એડવાન્સ ડિફેન્સ સ્ટડીઝના ડેટાના આધારે 58 દેશોના 74 મીડિયા હાઉસે ‘દુબઈ અનલોક્ડ’ રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં વર્ષ 2020થી 2022 સુધીમાં દુબઈમાં વિદેશીઓએની સંપત્તિના ડેટાનો ઉલ્લેખ કરાયો છે. નોંધનીય છે કે, પાકિસ્તાનની પ્રજાને ખાવાના પણ ફાંફા છે, પરંતુ પાકિસ્તાનના અનેક રાજકારણીઓ, લશ્કરી અધિકારીઓ અને તેઓના સંતાનો સહિતના 17 હજાર લોકો દુબઈમાં 23 હજાર મિલકતો ધરાવે છે, જેની કિંમત 91.8 હજાર કરોડ છે.

દુબઈમાં 29700 ભારતીયોની કુલ 35000 પ્રોપર્ટી

રિપોર્ટ મુજબ, દુબઈમાં 29700 ભારતીયોની કુલ 35000 પ્રોપર્ટી છે, જેની અંદાજીત કિંમત 17 અબજ ડૉલર છે. જ્યારે બીજા નંબરે 17000 પાકિસ્તાનીઓની 23000 સંપત્તિ છે. જ્યારે યાદીમાં ત્રીજા નંબરે બ્રિટન અને ચોથા નંબરે સાઉદી અરેબિયાના નાગરિકો છે.

દુબઈમાં વિદેશીઓની 160 અબજની સંપત્તિ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પાસે દુબઈમાં બે હજાર કરોડની સંપત્તિ છે. જ્યારે લુલુ ગ્રૂપના ચેરમેન એમ.એ.યૂસુફ અલી અને તેમના પરિવારની 585 કરોડની પ્રોપર્ટી છે. આ યાદીમાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીના ભાઈનું નામ પણ છે. બોલીવુડ સ્ટાર્સ શાહરુખ ખાન, અનિલ કપૂર અને શિલ્પા શેટ્ટીની પણ દુબઈમાં કરોડોની સંપત્તિ છે. 2022ના ડેટા મુજબ દુબઈમાં વિદેશીઓની 160 અબજ ડૉલરની સંપત્તિ છે.

આ પાકિસ્તાની નેતાઓની પણ દુબઈમાં પ્રોપર્ટી

આપણો પડોશી દેશ પાકિસ્તાન આર્થિક સંકટ સામે ઝઝુમી રહ્યો છે. એટલું જ નહીં તેણે લોન લેવા માટે વર્લ્ડ બેંકથી લઈને અમેરિકાના દરવાજા ખટખટાવ્યા છે, પરંતુ કંગાળ પાકિસ્તાનની ચોંકાવનારી વાત એ છે કે, OCCRPની વેબસાઈટ પર દર્શાવાયેલા રિપોર્ટ મુજબ પાકિસ્તાનીઓની દુબઈમાં 17000થી લઈને 22000 પ્રોપર્ટી છે અને આ ડેટા વર્ષ 2022 સુધીનો છે. પાકિસ્તાનના સમાચારપત્ર ડૉનના રિપોર્ટ મુજબ દુબઈમાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના ત્રણ બાળકોની પણ પ્રોપર્ટી છે. આ ઉપરાંત હુસૈન નવાઝ શરીફ (નવાઝ શરીફના પુત્ર), ઈન્ટરનલ મિનિસ્ટર મોહસિન નકવીની પત્ની, શરજીલ મેમન અને પરિવારના સભ્ય, સીનેટર ફૈસલ વાવદા, ફરાહ ગોગી, શેર અફઝલ મારવાત, ચાર એમએલએ અને અડધો ડઝન એમપીએ સામેલ છે. આ એમએલએ અને એમપીએ સિંઘ અને બલુચિસ્તાનના છે. આ યાદીમાં પૂર્વ જનરલ પરવેઝ મુશર્રફ, પૂર્વ વડાપ્રધાન શૌકત અજીજ અને એક ડઝનથી વધુ નિવૃત્ત જનરલોના પણ નામ સામેલ છે. તેમજ એક પોલીસ વડા, એક રાજદૂત અને એક વૈજ્ઞાનિક પણ દુબઈમાં પ્રોપર્ટી ધરાવે છે.

બ્રિટન અને સાઉદી અરેબિયાના નાગરિકોની પણ દુબઈમાં સંપત્તિ

2022ના આધારે બહાર પડાયેલા ડેટા મુજબ બ્રિટનના 19500 નાગરિકોની દુબઈમાં 22000 રહેણાંક સંપત્તિ છે, જેની કિંમત 10 અબજ ડૉલર છે. જ્યારે સાઉદી અરેબિયાના 8500 નાગરિકોની 16000 સંપત્તિઓ છે, જેની કિંમત 8.5 અબજ ડૉલર છે.


Google NewsGoogle News