Get The App

દુબઈના એર શૉમાં IAFનું તેજસ ફાઈટર જેટ કેમ ક્રેશ થયું? જાણો નિષ્ણાતો શું કહે છે

Updated: Nov 22nd, 2025

GS TEAM

Google News
Google News
Why IAF Tejas Fighter Jet Crashed?


Why IAF Tejas Fighter Jet Crashed? દુબઈ એર શૉમાં ડેમોન્સ્ટ્રેશન ફ્લાઇટ દરમિયાન ભારતનું સ્વદેશી હળવું લડાકુ વિમાન(LCA) તેજસ અચાનક દુર્ઘટનાગ્રસ્ત થયું. કરતબ બતાવી રહેલા આ વિમાને પછીની જ ક્ષણે નિયંત્રણ ગુમાવ્યું હોય તેમ લાગ્યું અને તે જમીન પર પટકાયને ક્રેશ થઈ ગયું. ઘટનાસ્થળેથી કાળો ધુમાડો ગીચ વાદળોની જેમ બહાર નીકળવા લાગ્યો. IAFએ પુષ્ટિ કરી કે એરક્રાફ્ટના પાયલટનું આ દુર્ઘટનામાં નિધન થયું છે. તેમજ પાયલટનો સેફટી રેકોર્ડ પરફેક્ટ હતો. એવામાં પ્રશ્ન થાય ટો તેજસ કેમ ક્રશ થયું?

નિષ્ણાતોએ હવે આ LCAની અંતિમ પળોનું વિશ્લેષણ કર્યું છે, જે તેના 24 વર્ષના ઇતિહાસમાં માત્ર બીજું ક્રેશ હતું. રસપ્રદ વાત એ છે કે, આ ક્રેશ તે જ દિવસે થયો જ્યારે સરકારે દુબઈ એર શૉમાં તેજસ Mk1 ફાઇટર એરક્રાફ્ટમાં ઓઇલ લીક થવાના વાઇરલ દાવાઓને રદિયો આપ્યો હતો.

તેજસ ક્રેશ: નિષ્ણાતોના મતે સંભવિત કારણો

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, IAF પાયલટ બેરલ રોલ નામનું એરિયલ મેનૂવર કરી રહ્યા હતા. આ દાવપેચમાં જેટ પોતાની ધરી પર સંપૂર્ણપણે ફરે છે એટલે કે તે ઊલટું થઈને ફરી પાછું ઉપર આવે છે. આ મેનૂવર મુશ્કેલ નથી, પરંતુ તેમાં પાયલટને થોડા સમય માટે ઊંધી સ્થિતિમાં રહેવું પડે છે અને ત્યારબાદ પ્લેન ફરી સીધું થાય છે.

શુક્રવારના રોજ તેજસ દ્વારા સચોટ લૂપ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રક્રિયામાં વિમાન પહેલા ઉપરની તરફ ખેંચાય છે પછી ઊલટું થઈ જાય છે અને ત્યારબાદ નીચેની તરફ આવે છે. એવામાં તેને ફરીથી ઉપર ચઢવાની જરૂર હતી, પરંતુ તે થઈ શક્યું નહીં.

ઊંચાઈનો અભાવ બન્યો ક્રેશનું કારણ

સંભવતઃ જેટ જમીનથી ઘણું નજીક હતું, તેથી તે ફરીથી ઊંચાઈ પર જઈ શક્યું નહીં અને મેનૂવર પૂર્ણ કરી શક્યું નહીં. નિષ્ણાતોએ એવું પણ સૂચવ્યું કે ફરીથી ઉપર ઊઠવા માટે જેટ પાસે જરૂરી સ્પીડ ઓછી રહી હશે, જેના પરિણામે તે ક્રેશ થયું.

જોકે બેરલ રોલને સામાન્ય રીતે જટિલ માનવામાં આવતું નથી, તેમ છતાં ફાઇટર જેટમાં ઝડપી ગતિએ આવા દાવપેચ કરવા જોખમી હોય છે. તેમાં એક નાનકડી ભૂલ પણ ગંભીર અકસ્માત સર્જી શકે છે.

મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખ્ખુ દ્વારા શોક વ્યક્ત

દુબઈમાં તેજસ ફાઇટર જેટ ક્રેશમાં જે IAF પાયલટનું મૃત્યુ થયું, તેમની ઓળખ વિંગ કમાન્ડર નમાંશ સ્યાલ તરીકે થઈ છે. તેઓ મૂળભૂત રીતે હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના નિવાસી હતા. રાજ્યના મુખ્યમંત્રી, સુખવિંદર સિંહ સુખ્ખુએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરતા કહ્યું કે, 'દુબઈ એર શૉમાં તેજસ એરક્રાફ્ટના અકસ્માતમાં હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના બહાદુર પુત્ર નમાંશ સ્યાલજીના અવસાનના સમાચાર ખૂબ જ દુઃખદ અને હૃદયને હચમચાવી દે તેવા છે. દેશે એક બહાદુર, કર્તવ્યનિષ્ઠ અને સાહસી પાયલટ ગુમાવ્યો છે.'

IAFએ ક્રેશના કારણોને સત્તાવાર રીતે જાહેર કર્યા નથી. જોકે, નિષ્ણાતોએ અનુમાન લગાવ્યું છે કે આ અકસ્માત માટે એન્જિનમાં આગ લાગવી પણ એક સંભવિત કારણ હોઈ શકે છે.

આ પણ વાંચો: પિતા યુટ્યુબ પર એર શોનો વીડિયો સર્ચ કરતા હતા અને ત્યારે જ વિંગ કમાન્ડરના મોતના અહેવાલ આવ્યા

HAL દ્વારા નિર્મિત, 24 વર્ષથી સેવામાં

તેજસએ બેંગલુરુ સ્થિત હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ(HAL) દ્વારા નિર્મિત ભારતનું પ્રથમ સ્વદેશી ફાઇટર જેટ છે. તે લગભગ 24 વર્ષથી સેવામાં કાર્યરત છે. નોંધનીય છે કે, તેના એન્જિન અમેરિકાની જનરલ ઇલેક્ટ્રિક(GE) પાસેથી લેવામાં આવ્યા છે.

ઇન્ડિયન એર ફોર્સ હાલમાં તેના સમગ્ર MiG-21 એરક્રાફ્ટ ફ્લીટને સેવામાંથી હટાવી રહી છે. તેની સ્ક્વોડ્રન શક્તિમાં થઈ રહેલા ઝડપી ઘટાડાને ભરવા માટે IAF હવે તેજસ પર વધુ આધાર રાખી રહી છે.

દુબઈના એર શૉમાં IAFનું તેજસ ફાઈટર જેટ કેમ ક્રેશ થયું? જાણો નિષ્ણાતો શું કહે છે 2 - image

Tags :