પિતા યુટ્યુબ પર એર શોનો વીડિયો સર્ચ કરતા હતા અને ત્યારે જ વિંગ કમાન્ડરના મોતના અહેવાલ આવ્યા

Tejas Aircraft Crash: દુબઈ એર શો દરમિયાન ભારતીય વાયુસેનાના સ્વદેશી ફાઈટર જેટ LCA તેજસના ક્રેશ થવાથી વિંગ કમાન્ડર નમાંશ સ્યાલનું દુઃખદ નિધન થયું છે. આ ઘટનાએ તેમના પરિવારને ઊંડા આઘાતમાં મૂકી દીધો છે. સૌથી કરુણ વાત એ છે કે, તેમના પિતાએ યુટ્યુબ પર પુત્રના એર શોના વીડિયો શોધતી વખતે જ તેના મૃત્યુના અહેવાલો જોયા હતા.
'મને ખ્યાલ આવ્યો કે કંઈક ભયંકર બન્યું છે'
હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના પટિયલકડ ગામના રહેવાસી નમાંશના પિતા જગન્નાથ સ્યાલ (નિવૃત્ત શાળાના આચાર્ય)એ આ આઘાતજનક ક્ષણ વિશે જણાવ્યું. તેમણે જણાવ્યું કે, 'મેં ગુરુવારે મારા પુત્ર સાથે છેલ્લી વાત કરી હતી. તેણે મને ટીવી અથવા યુટ્યુબ પર દુબઈ એર શોમાં તેનું પ્રદર્શન જોવા કહ્યું હતું. સાંજે લગભગ 4 વાગ્યે, હું યુટ્યુબ પર એર શોના વીડિયો શોધી રહ્યો હતો, ત્યારે જ મેં વિમાન દુર્ઘટનાના સમાચાર જોયા. મેં તરત જ મારી પુત્રવધૂને ફોન કર્યો, જે પોતે પણ વિંગ કમાન્ડર છે.'
તેમણે જણાવ્યું કે, 'થોડા સમય પછી, ઓછામાં ઓછા છ વાયુસેના અધિકારીઓ તેમના ઘરે પહોંચ્યા, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમના પુત્ર સાથે કંઈક ભયંકર બન્યું છે.'
પરિવાર શોકમાં ડૂબ્યું
પરિવાર હાલમાં તમિલનાડુના કોઈમ્બતૂરમાં નમાંશના ઘરે છે. નમાંશની માતા વીણા સ્યાલ આઘાતમાં હોવાથી બોલી શકતા નથી. નમાંશના પિતા બે અઠવાડિયા પહેલાં જ તેમની 7 વર્ષની પૌત્રી આર્યા સ્યાલની સંભાળ રાખવા માટે હિમાચલથી અહીં આવ્યા હતા, કારણ કે નમાંશની પત્ની કોલકાતામાં તાલીમ લઈ રહી છે.
આ પણ વાંચો: પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ ધનખડના સ્વાગત માટે ભાજપના કોઈ નેતા ન આવ્યા, કોંગ્રેસે માર્યો ટોણો
દુબઈ એર શોમાં દુર્ઘટના
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે (21મી નવેમ્બર) દુબઈ એર શો દરમિયાન સ્થાનિક સમય અનુસાર બપોરે 2:10 વાગ્યે ભારતનું સ્વદેશી ફાઇટર જેટ LCA તેજસ અચાનક ક્રેશ થયું હતું. આ દુર્ઘટના હજારો દર્શકોની સામે થઈ હતી. ભારતીય વાયુસેનાએ દુબઈ એર શો દરમિયાન થયેલી તેજસ વિમાન દુર્ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

