ભારતે નવી એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું, ડિફેન્સ ક્ષેત્રમાં દબદબો વધ્યો
India Defence System: ભારતીય સેના સતત સ્વદેશી ટેક્નોલોજીથી સંરક્ષણ ક્ષેત્રે એડવાન્સ બની રહી છે. હાલમાં જ તેણે ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (IADWS)નું પ્રથમ ઉડાન પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણ સંપૂર્ણપણે સફળ રહ્યું છે. આ પરીક્ષણ ડીઆરડીઓએ 23 ઓગસ્ટ, 2025ના લગભગ 12.30 વાગ્યે ઓડિશા તટ પર કર્યું હતું.
જાણો IADWSની ખાસિયત
IADWS એક બહુસ્તરીય હવાઈ સંરક્ષણ પ્રણાલી છે. જેમાં જમીન પરથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ QRSAM, અદ્યતન ખૂબ જ ટૂંકી શ્રેણીની હવાઈ સંરક્ષણ પ્રણાલી (VSHORADS) મિસાઇલ અને ઉચ્ચ શક્તિવાળા લેસર-આધારિત નિર્દેશિત ઉર્જા શસ્ત્ર DEWનો સમાવેશ થાય છે.ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ હવાઈ જોખમોના વિશાળ સ્પેક્ટ્રમનો સામનો કરવા માટે સજ્જ છે. આ સિસ્ટમમાં રડાર, લોન્ચર્સ, ટાર્ગેટિંગ અને ગાઇડન્સ સિસ્ટમ્સ, મિસાઇલ્સ અને કમાન્ડ-એન્ડ-કંટ્રોલ યુનિટ્સનો સમાવેશ થાય છે જે વ્યાપક હવાઈ સંરક્ષણ પ્રદાન કરે છે. આયાતી સિસ્ટમોથી વિપરીત તે સ્વદેશી રીતે વિકસિત છે અને વ્યૂહાત્મક સંપત્તિઓનું રક્ષણ કરવા માટે QRSAM, VSHORADS અને DEW સહિત સંરક્ષણના અનેક સ્તરોને એકીકૃત કરે છે. આ સફળ પરીક્ષણ ભારતના મિસાઇલ પ્રોગ્રામની નોંધનીય સફળતાનું પગલું છે. 20 ઓગસ્ટના રોજ, પરમાણુ-સક્ષમ અગ્નિ-5 ઇન્ટરમીડિયેટ-રેન્જ બેલિસ્ટિક મિસાઇલનું ઓડિશાના ચાંદીપુર ખાતે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) પરથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ મમતા બાદ અખિલેશે વિપક્ષને આપ્યો ઝટકો, PM-CM અંગેના બિલ મુદ્દે JPCનો બહિષ્કાર
ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ પરીક્ષણ બદલ DRDO ને અભિનંદન આપ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે 23 ઓગસ્ટ 2025 ના રોજ બપોરે 12:30 વાગ્યે ઓડિશાના દરિયાકાંઠે ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (IADWS) નું પ્રથમ ઉડાન પરીક્ષણ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું છે. હું IADWS ના સફળ વિકાસ માટે DRDO, ભારતીય સશસ્ત્ર દળો અને ઈન્ડસ્ટ્રીને અભિનંદન આપું છું. આ અનોખા ઉડાન પરીક્ષણે આપણા દેશની બહુ-સ્તરીય હવાઈ સંરક્ષણ ક્ષમતા સ્થાપિત કરી છે અને દુશ્મનના હવાઈ જોખમો સામે મહત્વપૂર્ણ સુવિધાઓના પ્રાદેશિક સંરક્ષણને મજબૂત બનાવશે.