PM-CM અને મંત્રીઓને હટાવવાના બિલ મામલે વિપક્ષમાં અસમંજસ, TMC બાદ SPનો JPCનો બહિષ્કાર
Bills To Remove CM, PM, Ministers: વડાપ્રધાન, મુખ્યમંત્રી અને મંત્રીઓને 30 દિવસની ધરપકડના કિસ્સામાં તેમના પદ પરથી દૂર કરવાના બિલ અને બંધારણીય સુધારાઓ પર રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC) ને શનિવારે વિરોધ પક્ષોએ મોટો ઝટકો આપ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને સમાજવાદી પાર્ટી (SP)એ આ JPCનો ભાગ બનવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. હવે વિપક્ષી એકતાના નામે કોંગ્રેસ પર દબાણ વધી રહ્યું છે. કોંગ્રેસ અત્યાર સુધી JPCમાં જોડાવા માટે તૈયાર હતી, પરંતુ SPના વલણથી પાર્ટીની અંદર શંકાઓ વધુ ઘેરી બની છે.
JPCની ઉપયોગીતા પર સવાલો ઉઠ્યા
ટીએમસી સાંસદ ડેરેક ઓ'બ્રાયને જેપીસીને સ્પષ્ટપણે નકારી કાઢી અને કહ્યું, 'મોદી ગઠબંધન એક ગેરબંધારણીય બિલની તપાસ માટે જેપીસી બનાવી રહ્યું છે. આ બધું નાટક છે.'
JPCની ઉપયોગીતા પર સવાલો ઊઠાવતા ડેરેક ઓ'બ્રાયને કહ્યું કે, 'અગાઉ તેને જાહેર હિત અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે એક મજબૂત પદ્ધતિ તરીકે જોવામાં આવતું હતું. 2014 પછી JPCની ભૂમિકા ઘણી હદ સુધી પોકળ બની ગઈ છે. સરકારોએ તેનો ઉપયોગ રાજકીય હેતુઓ માટે કરવાનું શરૂ કર્યું છે, વિપક્ષના સુધારાઓને નકારી કાઢવામાં આવ્યા છે અને ચર્ચા માત્ર ઔપચારિકતા બની ગઈ છે.'
આ પણ વાંચો: 'ચૂંટણીપંચને ડર છે કે 10 વર્ષની પોલ ખુલી જશે...' રાજ ઠાકરેના વોટ ચોરી મુદ્દે પ્રહાર
બિલનો વિચાર ખામીયુક્ત છે
સપાના વડા અખિલેશ યાદવે પણ ટીએમસીને સમર્થન આપતા કહ્યું કે, 'બિલનો વિચાર ખોટો છે. આ બિલ રજૂ કરનાર વ્યક્તિ પોતે ઘણી વાર કહી ચૂક્યા છે કે તેમની સામે ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા છે. જો કોઈ કોઈની સામે ખોટો કેસ દાખલ કરી શકે છે, તો આ બિલનો અર્થ શું છે? આ જ કારણ છે કે આઝમ ખાન, રમાકાંત યાદવ અને ઈરફાન સોલંકી જેવા સપા નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા.'
બિલ અંગે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું કે, 'યુપીમાં જે બન્યું તેની જેમ, મુખ્યમંત્રી તેમના રાજ્યોમાં નોંધાયેલા ફોજદારી કેસ પાછા ખેંચી શકે છે. કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય હોવાથી કેન્દ્રનો આના પર કોઈ નિયંત્રણ રહેશે નહીં. કેન્દ્ર ફક્ત તે જ કેસોમાં હસ્તક્ષેપ કરી શકશે જે સીબીઆઈ, ઇડી વગેરે જેવી કેન્દ્રીય એજન્સીઓ દ્વારા નોંધાયેલા હોય.'