સ્થાનિક રાજકારણને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સાથે ના જોડશો...ડેલિગેશન મુદ્દે પવારની રાઉતને સલાહ
Sharad Pawar On Delegation Decision: ઓપરેશન સિંદૂરની સફળતાની ગાથા વિશ્વ સમક્ષ રજૂ કરવા તેમજ પાકિસ્તાનનો પર્દાફાશ કરવા કેન્દ્ર સરકારે 32 દેશોમાં જુદા-જુદા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલવાની કવાયતની ટીકા કરતાં સંજય રાઉતને એનસીપી અધ્યક્ષ શરદ પવારે સલાહ આપી છે. પવારે સંજય રાઉતને સ્થાનિક રાજકારણને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સાથે ન જોડવા અપીલ કરી છે.
આ પ્રતિનિધિમંડળમાં વિવિધ રાજકીય પક્ષોના સાંસદો, પૂર્વ મંત્રી અને રાજદૂત સામેલ છે. એનસીપી અધ્યક્ષ શરદ પવારે સરકારના આ નિર્ણયને આવકાર્યો છે, જ્યારે સંજય રાઉતે સરકારના આ નિર્ણયની ટીકા કરતાં પ્રતિનિધિમંડળની તુલના વરઘોડાના જાનૈયાઓ સાથે કરી હતી. જેનો જવાબ આપતાં પવારે સંજય રાઉતને સલાહ આપી હતી.
પક્ષ નહીં રાષ્ટ્ર હિતમાં નિર્ણય લો
શરદ પવારે સંજય રાઉત પર નિશાન સાધતાં કહ્યું કે, સ્થાનિક રાજકારણને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સાથે જોડશો નહીં. આ મામલે પક્ષના આધાર પર નિર્ણયો ન લો. રાષ્ટ્ર હિતમાં નિર્ણય લો. જ્યારે પી. વી. નરસિમ્હા રાવ વડાપ્રધાન હતા, ત્યારે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ યુએન ગયું હતું. ત્યારે હું પણ તેનો હિસ્સો બન્યો હતો.
સ્થાનિક રાજકારણ ન કરો
એનસીપી અધ્યક્ષ પવારે કહ્યું કે, સંજય રાઉત જે પણ કહેવા માગે છે, તે કહી શકે છે. તેમનો હક છે. પરંતુ સ્થાનિક રાજકારણને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સાથે જોડશો નહીં. તેમના પક્ષની એક સભ્ય પ્રિયંકા ચતુર્વેદી પણ આ પ્રતિનિધિમંડળમાં સામેલ છે.
શ્રીકાંત શિંદેની પસંદગી પર કર્યો સવાલ
શિવસેના યુબીટીના સંજય રાઉતે રવિવારે આ પ્રતિનિધિમંડળની તુલના વરઘોડાના જાનૈયાઓ સાથે કરતાં કહ્યું હતું કે, આ વરઘોડાને મોકલવાની શું જરૂર હતી. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના દિકરા શ્રીકાંત શિંદે વિદેશમાં ભારતનું શું પ્રતિનિધિત્વ કરશે. ઉલ્લેખનીય છે, એકનાથ શિંદેના દિકરા અને ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા શ્રીકાંત શિંદેની આગેવાની હેઠળ એક પ્રતિનિધિમંડળ યુએઈ, લાઈબેરિયા, કાંગો અને સિએરા લિયોનનો પ્રવાસ કરશે.
બહિષ્કાર કરવા અપીલ
સંજય રાઉતે INDIA બ્લોકના નેતાઓને આ પ્રતિનિધિમંડળનો બહિષ્કાર કરવા અપીલ કરી હતી. મમતા બેનર્જીના ટીએમસીએ પણ આ પ્રતિનિધિમંડળનો બહિષ્કાર કરતાં તેમાં ભાગ ન લેવાની જાહેરાત કરી હતી.