India

‘શંકાના દાયરામાં રહેલા BJP નેતાને રાજ્યપાલ ન બનાવો’, અંકિતા ભંડારી કેસમાં રાહુલ ગાંધીનો રાષ્ટ્રપતિને પત્ર

By GS Team
15 Oct 20262 mins read
TukuTouch Logo
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખી દુષ્યંત ગૌતમની સિક્કિમના રાજ્યપાલ પદે નિમણૂક પર પુનર્વિચાર કરવા માંગ કરી છે. તેમણે અંકિતા ભંડારી હત્યા કેસની CBI તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ગૌતમને કાર્યભાર ન સોંપવા અપીલ કરી. રાહુલ ગાંધીએ કહ્યું કે, 'આ કેસમાં VIP કોણ હતા, તે સવાલ 4 વર્ષથી યથાવત્ છે.'

Summarized by AI; it may make mistakes. Check important info

‘શંકાના દાયરામાં રહેલા BJP નેતાને રાજ્યપાલ ન બનાવો’, અંકિતા ભંડારી કેસમાં રાહુલ ગાંધીનો રાષ્ટ્રપતિને પત્ર

Rahul Gandhi Letter President : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને દુષ્યંત ગૌતમની સિક્કિમના રાજ્યપાલ પદે થયેલી નિમણૂક પર પુનર્વિચાર કરવાની માંગ કરી છે. તેમણે અંકિતા ભંડારી હત્યા કેસની CBI તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી દુષ્યંત ગૌતમને રાજ્યપાલ તરીકેનો કાર્યભાર ન સોંપવા અપીલ કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, 'અંકિતાના પરિવાર સહિત અનેક લોકો આ હત્યા કેસ સાથે દુષ્યંત ગૌતમને જોડાયેલા માને છે, તેથી તેમની આ નિમણૂક આશ્ચર્યજનક છે.'

તે VIP કોણ હતા?… 4 વર્ષથી આ સવાલ યથાવત્ : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ પત્રમાં આ મામલે ધીમી તપાસ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, 'આ કેસમાં 4 વર્ષથી એક જ સવાલ યથાવત્ રહ્યો છે કે, છેવટે તે VIP કોણ હતા? આ વર્ષે જાન્યુઆરીમાં ઉત્તરાખંડમાં થયેલા વિરોધ પ્રદર્શનો પછી રાજ્ય સરકારે આ કેસ CBIને સોંપ્યો હતો. VIPની ઓળખ કરવા માટે CBI તપાસ હજુ પણ ચાલી રહી છે, પરંતુ તેની ગતિ ઘણી ધીમી છે.'

‘જો તેઓ રાજ્યપાલ બનશે તો ફોજદારી કાર્યવાહી નહીં કરી શકાય’

સંવિધાનિક જોગવાઈઓનો હવાલો આપતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, 'રાજ્યપાલ કોઈ પણ રાજ્યની સરકારના સંવિધાનિક વડા હોય છે, જેમ રાષ્ટ્રપતિ કેન્દ્ર સરકારના વડા છે. રાજ્યપાલના પદ પર રહેતાં દુષ્યંત ગૌતમ વિરુદ્ધ કોઈપણ ફોજદારી કાર્યવાહી શરૂ કે ચાલુ રાખી શકાતી નથી. આવી પરિસ્થિતિમાં CBI તપાસને કાનૂની ન્યાય સુધી પહોંચાડવી મુશ્કેલ બની જશે અને જે તપાસ અંતિમ પરિણામ સુધી ન પહોંચી શકે તે માત્ર નામ પૂરતી રહી જાય છે.'

‘કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષાની સતત અવગણના’

રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિને અનુરોધ કર્યો છે કે, તેઓ કેન્દ્ર સરકારને આ નિર્ણય પર પુનર્વિચાર કરવાની સલાહ આપે. તેમણે કહ્યું કે, 'રાજ્યપાલોની નિમણૂક વડાપ્રધાનના નેતૃત્વવાળી મંત્રીપરિષદની સલાહ પર થાય છે અને કેન્દ્ર સરકાર મહિલાઓની સુરક્ષાની સતત અવગણના કરી રહી છે. બંધારણની કલમ 74(1) હેઠળ રાષ્ટ્રપતિ સરકારને પોતાની સલાહ પર પુનર્વિચાર કરવા કહી શકે છે.' આ સાથે તેમણે અંકિતાના માતા-પિતાને ન્યાય મળે અને રાજ્યપાલ પદની ગરિમા જળવાય તે માટે તાત્કાલિક પગલાં ભરવા રજૂઆત કરી છે.

અંકિતા ભંડારી મર્ડર કેસ શું છે?

અંકિતા ભંડારી ઋષિકેશ નજીક આવેલા વનંતરા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી હતી. 18 સપ્ટેમ્બર 2022ના રોજ માત્ર 19 વર્ષની ઉંમરે તેની હત્યા કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, 'રિસોર્ટના માલિક પુલકિત આર્યએ અંકિતા પર VIP મહેમાનોને ખાસ સુવિધાઓ આપવા માટે દબાણ કર્યું હતું, જેનો અંકિતાએ ઈનકાર કર્યો હતો. આ ઈનકાર બાદ પુલકિત આર્ય અને તેના 2 કર્મચારીઓએ મળીને તેની હત્યા કરી નાખી હતી.' આ કેસમાં ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી ચૂકી છે.