તમિલનાડુમાં કોંગ્રેસ-DMK વચ્ચે સીટ શેરિંગ ફાઈનલ, ખડગે અને સ્ટાલિને કોયડો ઉકેલ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tamil Nadu Assembly Election 2026: તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે ડીએમકે(DMK) અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલી બેઠકોની ખેંચતાણનો આખરે અંત આવ્યો છે. હોળીના પવિત્ર અવસરે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીત બાદ ગઠબંધન પર અંતિમ મહોર લગાવી દેવામાં આવી છે. લાંબા સમયની મથામણ અને અનેક રાઉન્ડની ચર્ચાઓ બાદ નક્કી થયું છે કે કોંગ્રેસ રાજ્યની 28 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે. આ સાથે જ ડીએમકેએ કોંગ્રેસને એક રાજ્યસભા બેઠક આપવાનું પણ વચન આપ્યું છે.
કોંગ્રેસની 35 બેઠકોની માંગ સામે ડીએમકેની મક્કમતા
તમિલનાડુની કુલ 234 વિધાનસભા બેઠકો માટે કોંગ્રેસ શરૂઆતમાં 35 બેઠકો અને 2 રાજ્યસભા બેઠકોની માંગ કરી રહી હતી, જ્યારે ડીએમકે 25થી વધુ બેઠકો આપવા તૈયાર નહોતું. આ મડાગાંઠ ઉકેલવા માટે કોંગ્રેસે વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમને જવાબદારી સોંપી હતી, પરંતુ સીધો રસ્તો નીકળી શક્યો નહોતો. અગાઉની ચૂંટણીમાં પણ ડીએમકેએ કોંગ્રેસને 25 બેઠકો આપી હતી, જેમાંથી કોંગ્રેસના 18 ધારાસભ્યો ચૂંટાયા હતા. આ વખતે કોંગ્રેસ વધુ મજબૂત સ્થિતિમાં હોવાનો દાવો કરતી હતી, પરંતુ ડીએમકેએ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ એક નિશ્ચિત મર્યાદાથી વધુ બેઠકો ફાળવી શકશે નહીં.
ખડગે અને સ્ટાલિન વચ્ચેની મંત્રણાથી આવ્યો ઉકેલ
જ્યારે વાતચીત અટકી પડી ત્યારે ખુદ મલ્લિકાર્જુન ખડગેએ મોરચો સંભાળ્યો અને એમ.કે. સ્ટાલિન સાથે વાત કરીને વચ્ચેનો રસ્તો કાઢ્યો. અંતે કોંગ્રેસ 28 બેઠકો પર સહમત થઈ છે, જે તેમની અગાઉની બેઠકો કરતાં 3 વધુ છે. આ એક મહત્ત્વની વ્યૂહનીતિ માનવામાં આવે છે કારણ કે ચૂંટણીના જંગમાં વિપક્ષી છાવણી સામે સત્તાધારી ગઠબંધને હવે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. ટૂંક સમયમાં જ એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને આ બેઠક વહેંચણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.









