'અમારે જે મેસેજ આપવાનો હતો આપી દીધો...', CM સિદ્ધારમૈયા સાથે મીટિંગ બાદ બોલ્યા શિવકુમાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Karnataka Congress Crisis: કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમારે શનિવારે પ્રદેશ કોંગ્રેસમાં વિખવાદના દાવાને ફગાવવાનો પ્રયાસ કર્યો. મુખ્યમંત્રી આવાસ પર ડી કે શિવકુમાર સાથે નાસ્તા પર થયેલી બેઠક બાદ મીડિયાકર્મીઓ સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે, 'નાયબ મુખ્યમંત્રી અને મારા વચ્ચે કોઈ મતભેદ નથી. અમે સાથે છીએ. તેઓ (ભાજપ-જેડીએસ) કહી રહ્યા છે કે, અવિશ્વાસ પ્રસ્તાવ લાવીશું. અમે તેમનો સામનો કરીશું.' તેમની બાજુમાં બેઠેલા શિવકુમાર હસી રહ્યા હતા.
ડી કે શિવકુમારે મુખ્યમંત્રી સાથે બ્રેકફાસ્ટ મીટિંગ બાદ મીડિયા કર્મીઓ સાથે વાતચીતમાં કોઈપણ બળવાની શક્યતાને ફગાવી દીધી. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, 'અમારે જે મેસેજ આપવાનો હતો, મુખ્યમંત્રી અને મેં તમામ કોંગ્રેસ સભ્યોને આપી દીધો છે. અમે કોંગ્રેસની સાથે ઊભા છીએ અને પાર્ટી માટે પ્રતિબદ્ધ છીએ. ખૂબ સારા મુદ્દા છે, ખાસ કરીને સિંચાઈ અને શહેરી વિકાસનો. મારે દિલ્હી જવું છે. મારે કેન્દ્રીય મંત્રીઓ સાથે પણ મુલાકાત કરવાનો સમય માગવો છે. હું અચાનક દિલ્હી ન જઈ શકું. મુખ્યમંત્રી અને હું એક સર્વપક્ષીય બેઠક ઇચ્છતા હતા. કારણ કે અમે શેરડી, મકાઈ અને રાજ્યમાં હાલમાં કેટલાક અન્ય મુદ્દાઓ પર એક સર્વપક્ષીય બેઠક પ્રતિનિધિમંડળ દિલ્હી લઈ જવા ઇચ્છતા હતા.'
આ પણ વાંચો: 'અમારી વચ્ચે કોઈ મતભેદ નથી..' શિવકુમાર સાથે બ્રેકફાસ્ટ બાદ CM સિદ્ધારમૈયાની ચોખવટ
હવે સિદ્ધારમૈયા શિવકુમારના ઘરે કરશે ડિનર
ડી કે શિવકુમારે કહ્યું કે, 'મુખ્યમંત્રીના નિવાસસ્થાને નાસ્તાની બેઠક પછી સિદ્ધારમૈયા મારા ઘરે ડિનર માટે આવશે. પાર્ટી હાઇકમાન્ડ જે કહેશે તે અમારો નિર્ણય હશે. અમે પાર્ટીના વફાદાર સૈનિકો રહ્યા છીએ. અમે જાણીએ છીએ કે પાર્ટી દેશમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. પરંતુ અમને વિશ્વાસ છે કે કર્ણાટક મોટી ભૂમિકા ભજવશે; અમે 2028માં ફરીથી સરકાર બનાવીશું અને 2029માં મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં આગળ વધીશું. આજે અમે 2028ની કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે અમારી રણનીતિ અને વિપક્ષનો સામનો કરવાની રીતો પર ચર્ચા કરી. તેઓ ઘણા મુદ્દાઓ ઉઠાવવાનો પ્રયાસ કરી શકે છે. અમે જવાબ આપવા માટે તૈયાર છીએ.'
શિવકુમારે 20 નવેમ્બરના રોજ રાજ્યમાં કોંગ્રેસ સરકારના અઢી વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મુખ્યમંત્રી બદલવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ મુદ્દો એક અઠવાડિયાથી વધુ સમયથી ચાલી રહ્યો છે, અને રાજ્ય વિધાનસભા 8 ડિસેમ્બરે ફરી મળવાની છે. કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વએ બંને નેતાઓને શક્ય તેટલી વહેલી તકે આ મુદ્દાનો ઉકેલ લાવવા કહ્યું છે. હવે, શિવકુમાર કહે છે કે તેમને કર્ણાટકના મુખ્યમંત્રી બનવાની કોઈ ઉતાવળ નથી. તેમણે કહ્યું, 'પાર્ટીના કાર્યકરો ઉત્સુક હોઈ શકે છે, પરંતુ હું કોઈ ઉતાવળમાં નથી. પાર્ટી બધા નિર્ણયો લેશે.'
કર્ણાટક કોંગ્રેસમાં આંતરિક વિખવાદ યથાવત્: વિપક્ષ
સિદ્ધારમૈયા અને શિવકુમારના 'ઓલ ઇઝ વેલ'ના દાવા છતાં વિરોધ પક્ષો ભાજપ અને જનતા દળ સેક્યુલર(જેડીએસ) કહે છે કે કર્ણાટક કોંગ્રેસમાં મતભેદો હજુ પણ યથાવત્ છે. સિદ્ધારમૈયા-શિવકુમારની મુલાકાત પછી જેડીયુના ધારાસભ્ય નિખિલ કુમારસ્વામીએ કહ્યું, 'આજે, કોંગ્રેસ ઇડલી પીરસી રહી છે. તેઓ ફક્ત નાસ્તા માટે એક થયા છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી વિભાજિત છે. અમને આનાથી કોઈ આશા નથી. કર્ણાટકના લોકો તેનું પરિણામો ભોગવી રહ્યા છે.'
આ પણ વાંચો: SIR માટે આટલી ઉતાવળ કેમ? વોટનો અધિકાર છીનવી રહી છે ભાજપ: અખિલેશ યાદવનો ગંભીર આરોપ








