'નેતૃત્વમાં કોઈ ફેરફાર નહીં થાય', કોંગ્રેસ હાઈ કમાન્ડે અટકળો પર લગાવ્યો વિરામ, ખુદ શિવકુમારે જાણો શું કહ્યું
Karnataka Politics: કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસોથી મુખ્યમંત્રીનો ચહેરો બદલવાની અટકળો ચાલી રહી છે. કર્ણાટકના ડીકે શિવકુમારના સમર્થકોએ નેતૃત્વમાં પરિવર્તન સાથે તેમને મુખ્યમંત્રી બનાવવાની માગ કરી રહ્યા હતા. આ તમામ અટકળો અને માગ વચ્ચે કર્ણાટકના પ્રભારી મહાસચિવ રણદીપ સુરજેવાલાએ નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં જ સ્પષ્ટતા આપતાં નવા મુખ્યમંત્રીની પસંદગી પર પૂર્ણવિરામ મૂકી દીધુ છે. અગાઉ કોંગ્રેસ હાઈકમાન્ડે પણ મુખ્યમંત્રી પદમાં ફેરફારનો સ્પષ્ટપણે ઈનકાર કર્યો હતો.
રણદીપ સુરજેવાલાએ ડીકે શિવકુમારની હાજરીમાં જ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, જો તમારો પ્રશ્ન એ છે કે શું કર્ણાટકના નેતૃત્વમાં પરિવર્તન થવાનું છે, તો મારો જવાબ ના છે. ઘણા ધારાસભ્યોએ નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી છે. તેમને હું સલાહ આપું છું કે જો તેમને કોઈ સમસ્યા હોય, તો તેમણે મીડિયામાં મુદ્દો ઉઠાવવાને બદલે પાર્ટી ફોરમ સાથે વાત કરવી જોઈએ. જો રાજ્ય સંગઠનમાં કોઈ સમસ્યા હોય, તો તેઓ પ્રદેશ પ્રમુખ સાથે વાત કરી શકે છે.
આ પણ વાંચોઃ કર્ણાટક કોંગ્રેસમાં બળવાની આશંકા, શિવકુમારના સમર્થનમાં 100 ધારાસભ્યો હોવાનો દાવો
તમારી સમસ્યા પાર્ટીને જણાવો, મીડિયાને નહીંઃ સુરજેવાલા
સુરજેવાલાએ કહ્યું કે, અનેક ધારાસભ્યો તરફથી નેતૃત્વમાં ફેરફારમાં માગ કરવામાં આવી છે. હું મારા ધારાસભ્યોને સલાહ આપુ છું કે, જો તમને કોઈ સમસ્યા હોય તો તમે મુદ્દો મીડિયા સમક્ષ ઉઠાવવાના બદલે પાર્ટી ફોરમ સમક્ષ ઉઠાવો. રાજ્યના સંગઠનમાં કોઈ મુશ્કેલી હોય તો પ્રદેશ અધ્યક્ષ સાથે વાત કરી શકો છો. સરકારમાં કોઈ સમસ્યા હોય તો મુખ્યમંત્રી સાથે વાત કરવી જોઈએ. ઉલ્લેખનીય છે, આ તમામ વાતચીત દરમિયાન ડીકે શિવકુમાર શાંતિથી બેઠા હતા. તેમના ચહેરા પર ઉદાસીના ભાવ જોવા મળ્યા હતા, પરંતુ તેઓ તેને કંટ્રોલ કરી રહ્યા હતાં.
કોઈ નેતૃત્વ પરિવર્તન નથી: ડીકે શિવકુમાર
નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે પણ નેતૃત્વ પરિવર્તનની વાતથી ઇનકાર કરતા કહ્યું કે, કોઈ નેતૃત્વ પરિવર્તન નથી. હું નથી ઇચ્છતો કે કોઈ પણ સામે આવીને મારા માટે સમર્થ વ્યક્ત કરે. શાસન પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરતા તેમણે કહ્યું કે, 'સામાન્ય માણસ સાથે ઉભા રહેવું અને પોતાના વચનોને પૂર્ણ કરવા અમારું પરમ કર્તવ્ય છે. ભલે તેઓ એચસી બાલકૃષ્ણ હોય કે બીઆર પાટિલ, કોઈને પણ હવે મીડિયા સામે ન આવવું જોઈએ.'
ધારાસભ્યો સાથે કરી બેઠક
ધારાસભ્યો સાથે બેઠકો મુદ્દે સુરજેવાલાએ જણાવ્યું કે, હું તમામ ધારાસભ્યોને મળી રહ્યો છું. આગામી 7-8 દિવસમાં તમામ ધારાસભ્યો સાથે મારી વ્યક્તિગત મુલાકાત થશે. મેં ધારાસભ્યોને પૂછ્યું છે કે, એવા નેતાઓના નામ જણાવો, જે સરકારનો હિસ્સો બની શકે. દરેક ધારાસભ્યની અમુક મહત્ત્વાકાંક્ષાઓ હોય છે, સાથે અમુક મર્યાદા પણ હોય છે. અમે જોઈ રહ્યા છીએ કે, અમારૂ સંગઠન કેવી રીતે કામ કરી રહ્યું છે. મેં તમામ ધારાસભ્યો પાસે તેમની કામગીરીનો રિપોર્ટ મગાવ્યો છે. કોઈની સાથે મુખ્યમંત્રી બદલવા મુદ્દે ચર્ચા થઈ નથી.