Get The App

કર્ણાટક કોંગ્રેસમાં બળવાની આશંકા, શિવકુમારના સમર્થનમાં 100 ધારાસભ્યો હોવાનો દાવો

Updated: Jul 1st, 2025

GS TEAM

Google News
Google News
કર્ણાટક કોંગ્રેસમાં બળવાની આશંકા, શિવકુમારના સમર્થનમાં 100 ધારાસભ્યો હોવાનો દાવો 1 - image


Karnataka Politics: કર્ણાટકમાં સત્તાપલટો થવાની અટકળો વચ્ચે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા રણદીપ સિંહ સૂરજેવાલાની બેંગ્લુરૂ મુલાકાત પહેલાં જ નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના નજીકના ધારાસભ્યે મોટો દાવો કરતાં ખળભળાટ મચ્યો છે. તેમણે કહ્યું કે, આશરે 100 ધારાસભ્યો ઈચ્છે છે કે, મુખ્યમંત્રીની ખુરશીમાં હવે ફેરફાર થાય. તેમનો સ્પષ્ટ સંકેત છે કે, વર્તમાન મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને હટાવી ડીકે શિવકુમારને કમાન સોંપવામાં આવે.

ધારાસભ્યે ચેતવણી આપી હતી કે, જો હવે કોઈ પરિવર્તન નહીં આવે, તો 2028ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની સત્તા જોખમમાં મુકાઈ શકે છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇકબાલ હુસૈને ખુલ્લેઆમ ડીકે શિવકુમારને ટેકો આપ્યો છે.  તેમણે કહ્યું હતું કે "આ ફક્ત મારો અભિપ્રાય નથી, 100થી વધુ ધારાસભ્યો પરિવર્તન ઇચ્છે છે. ઘણા ધારાસભ્યો આ ક્ષણની રાહ જોઈ રહ્યા છે. તેઓ સુશાસનની અપેક્ષા રાખે છે અને માને છે કે ડીકે શિવકુમારને તક મળવી જોઈએ. શિવકુમારે કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિ (KPCC) ના પ્રમુખ બન્યા પછી દિવસ-રાત પાર્ટી માટે કામ કર્યું છે અને પાર્ટીની તાકાત વધારી છે. તેમના કામને કારણે લોકો તેમની સાથે ઉભા છે."

2028માં સત્તા ગુમાવવાનું જોખમઃ ઈકબાલ હુસૈન

ઇકબાલ હુસૈને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ સુરજેવાલા સાથેની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી બદલવાનો મુદ્દો ચોક્કસપણે ઉઠાવશે. જો હવે કોઈ પરિવર્તન નહીં આવે, તો 2028માં કોંગ્રેસે સત્તા ગુમાવવાનો વારો આવી શકે છે. પક્ષના હિતમાં આ પરિવર્તન હવે જરૂરી છે.

આ પણ વાંચોઃ તો અમદાવાદ પ્લેન ક્રેશના બીજા દિવસે જ વધુ એક વિમાન તૂટી પડ્યું હોત, 900 ફૂટથી નીચે પડવા લાગ્યું હતું

મલ્લિકાર્જુને હાલ જ આપી હતી સ્પષ્ટતા

તાજેતરમાં કર્ણાટકમાં મુખ્યમંત્રી પદ બદલાવવાની અટકળો વચ્ચે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી અંગેનો નિર્ણય ફક્ત હાઇકમાન્ડ જ લઈ શકે છે. પક્ષના નેતાઓ અને કાર્યકરોએ આ પ્રકારની અફવાઓને વેગ આપવો નહીં.  જેના પર ઇકબાલ હુસૈને કહ્યું હતું કે, કોંગ્રેસમાં શિસ્ત છે, અમે હાઇકમાન્ડનું સન્માન કરીએ છીએ, પરંતુ આપણે સત્ય બોલવું જોઈએ. 

રણદીપ સિંહ સૂરજેવાલા કર્ણાટકમાં

કર્ણાટકના પ્રભારી મહાસચિવ રણદીપ સિંહ સૂરજેવાલા કર્ણાટક પહોંચ્યા છે. જો કે, તેમણે આ મુલાકાતને સંગઠનાત્મક ગણાવી છે. તેમણે લીડરશીપમાં પરિવર્તનના અહેવાલોને માત્ર અફવાઓ ગણાવી છે. મંગળવારે સતત બીજા દિવસે રાજ્યના શાસક પક્ષના ધારાસભ્યો સાથે સુરજેવાલા બેઠકો કરી રહ્યા છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે ધારાસભ્યો સાથેની તેમની ત્રણ દિવસીય વન-ટુ-વન બેઠકોના પ્રથમ તબક્કાના ભાગ રૂપે સુરજેવાલા આજે બેંગલુરુ શહેર, બેંગલુરુ ગ્રામીણ, બેંગલુરુ દક્ષિણ, ચામરાજનગર, મૈસુર જિલ્લાઓ અને દક્ષિણ કન્નડ અને કોલારના લગભગ 20 ધારાસભ્યોને મળશે. સુરજેવાલાએ સ્પષ્ટ કર્યું કે તેમની મુલાકાતનો હેતુ ફક્ત પાર્ટીને મજબૂત બનાવવા અને વિકાસ કાર્યોની સમીક્ષા કરવાનો છે.

કર્ણાટક કોંગ્રેસમાં બળવાની આશંકા, શિવકુમારના સમર્થનમાં 100 ધારાસભ્યો હોવાનો દાવો 2 - image

Tags :