Get The App

‘હું અને CM સિદ્ધારમૈયા ભાઈ જેવા’, કર્ણાટક કોંગ્રેસમાં ડખાંની વાતો ઉછળતા શિવકુમારની પ્રતિક્રિયા

Updated: Dec 21st, 2025

GS TEAM

Google News
Google News
‘હું અને CM સિદ્ધારમૈયા ભાઈ જેવા’, કર્ણાટક કોંગ્રેસમાં ડખાંની વાતો ઉછળતા શિવકુમારની પ્રતિક્રિયા 1 - image


Karnataka Political News : કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે કોંગ્રેસના નેતાઓ સાથેના મતભેદોના અહેવાલોને ફગાવી દીધા છે. બેંગલુરુના સદાશિવનગર સ્થિત નિવાસસ્થાને પત્રકારો સાથે વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ‘હું અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પરસ્પર ભાઈઓની જેમ કામ કરી રહ્યા છે અને પાર્ટીમાં કોઈ પણ પ્રકારનો આંતરિક ડખો નથી.’

મુખ્યમંત્રી અને હું ભાઈઓ સમાન : શિવકુમાર

ડી.કે.શિવકુમારે (D.K.Shivakumar) જણાવ્યું કે, ‘શું મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (CM Siddaramaiah) અને હું ભાઈઓની જેમ કામ નથી કરી રહ્યા? મારે કોંગ્રેસના કોઈ પણ નેતા સાથે કોઈ મતભેદ નથી.’ મુખ્યમંત્રીના નજીકના ગણાતા પૂર્વ મંત્રી કે.એન. રાજન્ના સાથેની મુલાકાત અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, ‘રાજન્ના જેટલા મુખ્યમંત્રીના નજીક છે એટલા જ મારા પણ નજીક છે. એસ.એમ. કૃષ્ણાના સમયમાં મેં જ રાજન્નાને એપેક્સ બેંકના પ્રમુખ બનાવ્યા હતા.’

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં 'શિંદે'સેનાએ અનેક બેઠકો પર ભાજપને આપી મ્હાત, 'સ્ટ્રાઈક રેટ' જોઈ વિરોધીઓ ચોંક્યા

‘મેં ક્યારેય કોઈ નેતા વિરુદ્ધ નિવેદન આપ્યું નથી’

શિવકુમારે કહ્યું કે, ‘મીડિયા અને વિપક્ષે કોંગ્રેસમાં મતભેદ હોવાની વાતો ચગાવી છે, જે ખોટી છે. છેલ્લા 16 વર્ષથી જ્યારે મુખ્યમંત્રી પાર્ટીમાં આવ્યા છે, ત્યારથી અત્યાર સુધી અમારા બંને વચ્ચે ક્યારેય કોઈ વિવાદ થયો નથી. કોંગ્રેસના તમામ નેતાઓ મિત્રો અને સહકર્મીઓ છે અને અમે બધા સાથે મળીને કામ કરી રહ્યા છીએ. મેં ક્યારેય કોઈ નેતા વિરુદ્ધ નિવેદન આપ્યું નથી, માત્ર વિરોધ પક્ષોની ટીકા કરી છે."

‘ભાજપનો કોંગ્રેસ વિરુદ્ધ ભ્રામક પ્રચાર’

કોંગ્રેસના નેતા વી.આર. સુદર્શને મલ્લિકાર્જુન ખડગેને લખેલા પત્ર અંગે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, ‘મારી જાણકારી મુજબ પાર્ટીમાં કોઈ ભ્રમની સ્થિતિ નથી. ભાજપ પોતાની આંતરિક મુશ્કેલીઓ અને ગરબડને છુપાવવા માટે કોંગ્રેસ વિરુદ્ધ ભ્રામક પ્રચાર કરી રહ્યું છે. રાજન્ના સાથેની મુલાકાત માત્ર એક શિષ્ટાચાર મુલાકાત હતી અને તેમાં કોઈ રાજકીય ગણિત નહોતું.’