Get The App

દિવાળી વિશ્વની અણમોલ સાંસ્કૃતિક ધરોહર યુનેસ્કોના 'અમૂર્ત' વારસામાં સમાવેશ

Updated: Dec 11th, 2025

GS TEAM

Google News
Google News
દિવાળી વિશ્વની અણમોલ સાંસ્કૃતિક ધરોહર યુનેસ્કોના 'અમૂર્ત' વારસામાં સમાવેશ 1 - image


- ભારતના ઐતિહાસિક વારસા પર યુનેસ્કોની મહોર

- દિવાળીનો તહેવાર આપણી સભ્યતાનો આત્મા છે, જ્ઞાન અને ધર્મનું પ્રતીક હોવાની સાથે આપણો સાંસ્કૃતિક વારસો છેઃ મોદી

નવી દિલ્હી : ભારતના પ્રકાશના પર્વ દિવાળીને યુનેસ્કોએ વિશ્વની અણમોલ સાંસ્કૃતિક ધરોહર ગણાવ્યો છે. યુનેસ્કોએ દિવાળીના તહેવારને  માનવ સભ્યતા દ્વારા પ્રકાશના પર્વની ઉજવણીનો ઉપાલંભ ગણાવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનેસ્કોએ દિવાળીને પોતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવેશ કર્યો છે. આ નિર્ણય દિલ્હીમાં લાલ કિલ્લા પર યુનેસ્કોની યોજાયેલી બેઠકમાં લેવાયો હતો. 

યુનેસ્કોનો આ નિર્ણય ભારત માટે ગર્વનો પળ છે. દેશમાં પહેલી જ વખત યુનેસ્કોની બેઠક મળી છે અને આ પર્વમાં ભારતની સાંસ્કૃતિક ઓળખ દિવાળી હવે યુનેસ્કોના સાંસ્કૃતિક વારસાનો પણ હિસ્સો બની ચૂકી છે. વડાપ્રધાન મોદીએ તેના પર આનંદ વ્યક્ત કરતાં સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દિવાળી આપણી સંસ્કૃતિ અને મૂલ્યોની ઘણી નજીક છે. આ તહેવાર આપણી સભ્યતાની આત્મા છે. તે જ્ઞાન અને ધર્મનું પ્રતીક છે.યુનેસ્કોના અમૂર્ત વારસાનો હિસ્સો બન્યા પછી દિવાળીને વિશ્વભરમાં ખૂબ જ લોકપ્રિયતા મળશે.  આથી ભારતની સાંસ્કૃતિક ઓળખને નવી માન્યતા મળી છે.

આ અંગે વિશ્લેષકોનું કહેવું છે કે, ભારત 'મેજર-પાવર' તરીકે તો હવે સર્વ-સ્વીકૃત બની ગયું છે. પૂજ્ય બાપુનો જન્મદિન ૨જી ઓક્ટોબરના દિવસને 'વિશ્વ અહિંસા દિન' તરીકે સ્વીકારાયો છે. ૨૪મી જુલાઈ 'વિશ્વ યોગ દિન' તરીકે સ્વીકૃત થયો છે. તે પછી યુનેસ્કોએ દીપાવલીને પણ 'અમૂર્ત વૈશ્વિક વારસા' તરીકે જાહેર કરતા ભારતના 'સોફટ પાવર' ઉપર એક વધુ 'કલગી' લાગી છે.

આ પર્વ ભારતની આધ્યાત્મિકતા, વિવિધતા અને સામાજિક એકતા દર્શાવે છે. 'યુનેસ્કો'નું આ પગલું ભારતીય પરંપરાઓને સંરક્ષિત કરવા અને વિશ્વભરમાં તેનું મહત્વ વધારવા માટે સહાયભૂત થશે.

ઉલ્લેખનીય છે કે દીપોત્સવીનું આ પર્વ વેદધર્મી હિન્દુઓ, જૈનો, બૌદ્ધો, અને પારસીઓ તેમજ ભારતમાં સ્થિર થયેલા યહૂદીઓ તથા શીખો તો ઉમંગથી ઉજવે જ છે. ગુરૂદેવ નાનક પણ દીપાવલી પર્વને મહત્વનું ગણતા હતા. તેટલું જ નહીં પરંતુ મુસ્લીમો પણ 'દીપાવલી' પર્વ ફટાકડા ફોડી આનંદથી ઉજવે છે. દીપોત્સવી અને મકરસંક્રાંતિનું 'પતંગ પર્વ' ભારતની વિવિધતામાં એકતાનું દર્શન કરાવે છે, તે નિર્વિવાદ સત્ય છે.

Tags :