'ભારત અને જર્મની એક જ ટીમમાં રમી રહ્યા છે', જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત
India-Germany Trade Relation: ભારત અને જર્મની વચ્ચે છેલ્લા લાંબા સમયથી બહુપક્ષીય સહયોગ છે, વિદેશ મંત્રી એસ. જયશંકરે આ સહયોગ પર ભાર મૂકતાં કહ્યું કે, હું જર્મનીના વિદેશ મંત્રી જોહાન વાડેફૂલ સાથે દ્વિપક્ષીય સહયોગના વિવિધ પાસા પર ચર્ચા-વિચારણા કરવા ઉત્સુક છું. આજે યોજાનારી બેઠકમાં બંને દેશો વચ્ચે બહુપક્ષીય સહયોગને વેગ આપવામાં આવશે.
બુધવારે વાડેફૂલ સાથે પોતાની બેઠક પહેલાં એસ જયશંકરે નિવેદન આપ્યું હતું કે, ભારત યુરોપિયન યુનિયન સાથે પોતાના સંબંધોને વધુ ગાઢ બનાવવા અને મુક્ત વેપાર કરાર પર ચર્ચાને વેગ આપવા જર્મનીનો સહયોગ ઇચ્છે છે. અમે 25 વર્ષથી રાજકીય સંબંધો, 50 વર્ષના વિજ્ઞાની સહયોગ, 60 વર્ષથી સાંસ્કૃતિક સહયોગ અને દાયકા જૂના વેપાર સંબંધોની ઉજવણી કરી રહ્યા છીએ.
તેમણે વધુમાં કહ્યું, આજે, હું આપણા દ્વિપક્ષીય સહયોગના વિવિધ પાસા પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા માટે ઉત્સુક છું. જે બંને દેશોના સંબંધોને વધુ ગાઢ બનાવશે. મહત્ત્વપૂર્ણ વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર જર્મનીનો દૃષ્ટિકોણ શું છે તે જાણવું આપણા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. યુરોપિયન યુનિયન સાથેના આપણા સંબંધોને વધુ ગાઢ બનાવવા અને મુક્ત વેપાર કરારની વાટાઘાટોને વેગ આપવા માટે અમે તમારા સમર્થન પર વિશ્વાસ રાખીએ છીએ. ભારત અને જર્મની વચ્ચે બહુપક્ષીય સહયોગનો મજબૂત ઇતિહાસ છે અને મને વિશ્વાસ છે કે આજની અમારી વાતચીત તેને વેગ આપશે.
જર્મનીના વિદેશ મંત્રી ભારતમાં
જર્મનીના વિદેશ મંત્રી તરીકે ભારતની તેમની પ્રથમ મુલાકાત પર જયશંકરે જોહાન વાડેફૂલનું સ્વાગત કર્યું હતું. જયશંકરે આગળ કહ્યું કે, મારું માનવું છે કે આ મુલાકાત પોતે જ એક સંદેશ છે, કારણ કે તે મે મહિનામાં મારી બર્લિનની મુલાકાતના થોડા મહિના પછી જ થઈ રહી છે. યુરોપની બહાર આ અમારી પહેલી મુલાકાત છે અને અમે તમારા ભારત આવવા બદલ ખૂબ આભારી છીએ. ગઈકાલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જોહાન વાડેફૂલનું ભારતમાં સ્વાગત કરતાં કહ્યું હતું કે, બેંગલુરુ અને દિલ્હીમાં આ મુલાકાત બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.
ભારત સાથે ગાઢ સંબંધઃ જોહાન વાડેફૂલ
જોહાન વાડેફૂલે ભારતની મુલાકાત પહેલાં જણાવ્યું હતું કે, ભારત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં એક મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે. અમારા સંબંધો રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક રીતે ગાઢ છે. સુરક્ષા સહયોગથી લઈને ઇનોવેશન અને ટૅક્નોલૉજી તથા કુશળ કામદારોની ભરતી સુધીની અમારી વ્યૂહાત્મક ભાગીદારીને વિસ્તૃત કરવાની વિશાળ સંભાવનાઓ છે. વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતો લોકશાહી દેશ ભારતનો અવાજ વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની બહાર પણ સંભળાય છે. આ જ કારણ છે કે હું આજે બેંગલુરુ અને નવી દિલ્હીમાં વાટાઘાટો માટે ભારતની મુલાકાત લઈ રહ્યો છું.