ટ્રમ્પને અર્થતંત્રની જરાય સમજ નથી, ઘમંડને લીધે સંબંધ બગાડ્યા...' અમેરિકાના દિગ્ગજોએ જ ટેરિફ ગેમની પોલ ખોલી
US President Donald Trump: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફે ભારત સાથે વર્ષો જૂના સંબંધોમાં કડવાશ ભરી છે. ટ્રમ્પના ઘમંડ('ઈગો')ના કારણે વિશ્વના ટોચની મહાસત્તા ધરાવતા અમેરિકાના અન્ય દેશો સાથે સંબંધો ખરાબ થયા છે. ટ્રમ્પ સરકારના જ ઘણા નેતાઓ અને સાંસદો તેમના આ પગલાં પર નારાજગી વ્યક્ત કરતાં વિરોધ કરી રહ્યા છે. તેઓ આડકતરી રીતે ભારતને સમર્થન આપી રહ્યા છે.
અમેરિકાના દિગ્ગજ સાંસદ અને ટોચના પૂર્વ અધિકારીઓએ ટ્રમ્પના આ પગલાંનો વિરોધ કરતાં નિવેદન આપ્યું છે કે, ટ્રમ્પનું આ ઘમંડ અમેરિકાના રાજકીય સંબંધો નષ્ટ કરવાની પરવાનગી આપતા નથી. અમેરિકા-ભારતના કોક્સના કો-ચેરમેન રો ખન્નાએ કહ્યું કે, અમેરિકા-ભારત ભાગીદારીને નષ્ટ કરવા માટે ટ્રમ્પ દ્વારા હાથ ધરાયેલા પ્રયાસો અમેરિકા માટે જોખમનું ઍલાર્મ વગાડી રહ્યા છે. ટ્રમ્પે અમેરિકા-ભારતના સંબંધોને મજબૂતને બનાવવા માટે 30 વર્ષથી ચાલી રહેલા બંને દેશોના પ્રયાસોને નબળા પાડ્યા છે. ટ્રમ્પની નીતિઓ ભારતને ચીન અને રશિયા તરફ ધકેલી રહી છે. આ એક એવો ટ્રેન્ડ છે, જે અમેરિકા માટે જ જોખમી છે. ભારત પર લાદવામાં આવેલો ટેરિફ બ્રાઝિલ સિવાય અન્ય કોઈપણ દેશની તુલનાએ વધુ છે. ચીન રશિયાનો સૌથી મોટો ક્રૂડ ખરીદદાર હોવા છતાં તેના પર ભારતની તુલનાએ ઓછા ટેરિફ છે.
ટ્રમ્પનું ઘમંડ વિવાદનું મૂળ કારણ
રો ખન્નાએ આ વિવાદનું મૂળ કારણ જણાવતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પની ભલામણ કરવાનો ઇન્કાર કરતાં ટ્રમ્પ ભારતથી નારાજ થયા છે. જેના લીધે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. પાકિસ્તાને ટ્રમ્પની નોબેલ શાંતિ પુરસ્કારની ભલામણ કરવાની વાત સ્વીકારી લેતાં અમેરિકા પાકિસ્તાનને સમર્થન આપી રહ્યું છે. જેથી ટ્રમ્પ આવેશમાં આવીને ભારત વિરોધી પગલાં લઈ રહ્યા છે. જે અમેરિકા માટે નુકસાનદાયી છે. અમે ટ્રમ્પના ઘમંડના કારણે ભારત સાથે રાજકીય સંબંધો નષ્ટ કરવાની પરવાનગી આપી શકીશું નહીં. અમારા માટે આ સુનિશ્ચિત કરવું મહત્ત્વપૂર્ણ છે કે, વિશ્વનું નેતૃત્વ અમેરિકા કરે, ચીન નહીં. વધુમાં રો ખન્નાએ ભારતીય અમેરિકન્સને સંબોધતાં પૂછ્યું હતું કે, જે લોકોએ ટ્રમ્પને મત આપ્યા છે, આજે હું તેમને પૂછું છું કે, તમે ક્યાં હતાં, જ્યારે ટ્રમ્પ આ સંબંધોનો અંત લાવી રહ્યા હતા.
આ પણ વાંચોઃ અમે તો ડરવાના નથી, દાદાગીરી તો નહીં ચાલે', ટ્રમ્પના કટાક્ષ-ધમકીનો જિનપિંગે આપ્યો જવાબ
જેક સુલિવાને પણ કર્યો વિરોધ
ભૂતપૂર્વ યુએસ નેશનલ ડિફેન્સ એડવાઇઝર જેક સુલિવાને પણ ટ્રમ્પના ભારત વિરોધી વલણની આકરી ટીકા કરી હતી તેમણે ટ્રમ્પની ટેરિફ નીતિ પર કહ્યું કે, ટ્રમ્પે 'ભારત સાથેના સંબંધોની અવગણના કરી છે, કારણ કે પાકિસ્તાન તેમના પરિવાર સાથે બિઝનેસ ડીલ કરવા તૈયાર છે. ટ્રમ્પનું આ પગલું અમેરિકા માટે મોટું વ્યૂહાત્મક નુકસાન સર્જી રહ્યું છે.
જ્હોન બોલ્ટન પણ નારાજ
અમેરિકાના એટર્ની જનરલ જ્હોન બોલ્ટને પણ ટ્રમ્પની ભારત વિરુદ્ધ ટેરિફ નીતિની ટીકા કરતાં નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું હતું કે, પશ્ચિમે દાયકાઓથી ભારતને રશિયાથી દૂર રાખવાની નીતિ પર કામ કર્યું. ચીનમાંથી સર્જાતાં જોખમ પ્રત્યે ભારતને સાવચેત કર્યો. પણ ટ્રમ્પની આ વિનાશકારી ટેરિફ નીતિએ દાયકાઓનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે.
ટ્રમ્પને અર્થતંત્રની સમજણ નથી
ન્યૂયોર્ક સ્થિત સ્કૂલ ઑફ પ્રોફેશનલ સ્ટડીઝના સેન્ટર ફોર ગ્લોબલ અફેર્સના એડવાઇઝર એડવર્ડ પ્રાઇસ જણાવે છે કે, પ્રમુખ ટ્રમ્પને અર્થતંત્રની કોઈ સમજણ નથી. તાજેતરના સમયમાં ભારત સાથે તણાવની કોઈ જરૂર ન હતી. હું પહેલાં માનતો હતો કે, ટ્રમ્પને અર્થતંત્રની થોડી ઘણી સમજણ છે, પણ હું ખોટો હતો. અમેરિકાના પ્રમુખને અર્થતંત્રની કોઈ સમજણ નથી. ભારત પ્રત્યે તેમનો વ્યવહાર જોઈ મને મારી ભૂલ સમજાઈ. અમેરિકાએ ભારત વિરુદ્ધ ષડયંત્ર રચ્યું હતું. ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને નુકસાન પહોંચાડ્યું છે. કાં તો તેઓ અમેરિકન રાષ્ટ્રીય હિતને સમજી શકતા નથી અથવા તેઓ સક્રિય રીતે તેની વિરુદ્ધ કામ કરી રહ્યા છે.