ભારતીય એરલાઈન્સ કંપનીઓ હવે 20 વર્ષ જૂના વિમાનો આયાત કરી શકશે ! DGCAનો પ્રસ્તાવ
Indian Aviation News : ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ વિમાનોની આયાતના નિયમોમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નવા નિયમો હેઠળ, હવે એરલાઈન્સને 20 વર્ષ સુધીના જૂના પેસેન્જર વિમાનોની આયાત કરવાની મંજૂરી મળશે, જ્યારે વર્તમાન નિયમ મુજબ આ મર્યાદા 18 વર્ષની છે. આ ઉપરાંત ઓછી ઊંચાઈ પર ઉડતા વિમાનોની આયાત મર્યાદા પણ 20 વર્ષથી વધારીને 25 વર્ષ કરવાનો પ્રસ્તાવ છે.
આયાત કરેલા વિમાનો માત્ર 65 ટકા વપરાયેલા હોવા જોઈએ
DGCAના પ્રસ્તાવ મુજબ, મુસાફરી સેવાઓ અને સામાન્ય ઉડ્ડયન માટે આયાત કરાતા પ્રેશરાઇઝ્ડ વિમાનો 20 વર્ષથી વધુ જૂના ન હોવા જોઈએ. એવી પણ શરત છે કે, આવા વિમાનો તેની આયુષ્ય મુજબ 65 ટકા જ વપરાયેલા હોવા જોઈએ. જ્યારે તાલીમ અને પ્રાઈવેટ ઉપયોગ માટે લેવાના વિમાનો આયાત કરવાના નિયમો જુદા જુદા હશે. શરત મુજબ આવા વિમાનોએ છેલ્લા છ મહિનામાં 50 કલાક ઉડાન ભરેલી હોવી જોઈએ. જોકે 25 વર્ષથી વધુ જૂના વિમાનોની આયાત કરી શકાશે નહીં.
1400 વિમાનોનો ઓર્ડર, વૈશ્વિક પુરવઠામાં સમસ્યાના કારણે ડિલિવરીમાં વિલંબ
ભારતીય એરલાઈન્સ હાલમાં પોતાના કાફલાને વધારવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. એરલાઈન્સો દ્વારા કુલ 1400થી વધુ વિમાનોનો ઓર્ડર અપાયેલો છે. જોકે વૈશ્વિક પુરવઠામાં સમસ્યાના કારણે વિમાનોની ડિલિવરીમાં વિલંબ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં એરલાઈન્સ ટૂંકા ગાળાના લીઝ પર વિમાનો લેવા મજબૂર થઈ છે. દેશમાં હાલમાં લીઝ પર કુલ 800થી વધુ વિમાનો છે.
આ પણ વાંચો : દિલ્હી-પંજાબથી લઈને કાશ્મીર સુધી પાણી-પાણી... 24 નદીઓ અને 50 ડેમમાં પૂરનું સંકટ