VIDEO : દિલ્હી-પંજાબથી લઈને કાશ્મીર સુધી પાણી-પાણી... 24 નદીઓ અને 50 ડેમમાં પૂરનું સંકટ
India Floods Situation Report : દેશના અનેક રાજ્યોમાં મેઘરાજાનો કહેર ભારે આફત લઈને આવ્યું છે. અનેક નદીઓ ગાંડીતૂર બનવાના કારણે પૂરની સ્થિતિ ગંભીર બની ગઈ છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યોમાં અનેક નદીઓના જળસ્તરમાં વધારો થતાં પૂરનું સંકટ ઊભું થયું છે. આ ઉપરાંત કેન્દ્રીય જળ આયોગ(CWC)ના રિપોર્ટ મુજબ, ગુજરાતની કેટલીક નદીઓના જળસ્તરમાં વધારો થયો હોવાના કારણે પૂરનું સંકટ ઊભું થયું છે. આયોગે નર્મદા, તાપી, મહીસાગર નદીઓનાં જળસ્તરમાં વધારો થયો છે.
અડધું પંજાબ પાણીમાં, અનેક નદીઓ ભયજનક સપાટીએ
હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના ડેમોમાંથી પાણી છોડવામાં આવતા પંજાબની મુખ્ય નદીઓ સતલજ, બિયાસ અને રાવી ભયજનક સપાટીએ વહી રહી છે. જેના કારણે પંજાબમાં 37 વર્ષ પછી સૌથી ભયાનક પૂરની સ્થિતિ ઉભી થઈ છે. રાજ્યના તમામ 23 જિલ્લામાં 1655થી વધુ ગામોના 3.55 લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. અહીં સ્થિતિ એટલી ભયાનક છે કે, રસ્તા પર પાણીના ભારે પ્રવાહના કારણે અને ઠેકઠેકાણે પાણી ભરાવાના કારણે લોકો ધાબા પર આશરો લેવા માટે મજબૂર થયા છે. પહેલી ઑગસ્ટથી ત્રણ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં 37 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગંભીર પરિસ્થિતિના કારણે સેના અને NDRFની ટીમો બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી છે.
દિલ્હીમાં ફરી પાણી-પાણી, 10 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર છેલ્લા ચાર દિવસથી ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે. યમુના નજીકના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. મુખ્યમંત્રી કાર્યાલય, રાજઘાટ અને કશ્મીરી ગેટ જેવા વિસ્તારો સુધી પણ પાણી પહોંચી ગયા છે. સુરક્ષાના ભાગરૂપે 10,000થી વધુ લોકોને રાહત શિબિરોમાં સ્થળાંતર કરવા પડ્યા છે.
બીજી બાજુ, જમ્મુ-કાશ્મીરમાં ઝેલમ નદી પણ બેકાબૂ બની ગઈ છે. 2014માં શ્રીનગરમાં પૂર આવ્યું હતું, જેમાં 200 લોકોના મોત થયા હતા. ત્યારે ફરી એકવાર શ્રીનગર સહિત દક્ષિણ કાશ્મીરના વિસ્તારોમાં પૂરનું સંકટ આવી ચઢ્યું છે.
આ પણ વાંચો : ગુજરાતમાં આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ એલર્ટ
દેશની 24 નદીઓમાં ગંભીર પૂરની સ્થિતિ
- CWCના રિપોર્ટ મુજબ, દેશની 24 નદીઓમાં ગંભીર પૂરની સ્થિતિ છે, જ્યારે અન્ય 33 નદીઓ સામાન્ય સપાટીથી ઉપર વહી રહી છે.
- ઓડિશામાં બુરહાબલંગ, સુવર્ણરેખા અને મહાનદી જેવી નદીઓ ગંભીર પૂરની સ્થિતિમાં છે.
- બિહાર અને ઉત્તર પ્રદેશમાં પણ ગંગા અને કોસી જેવી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.
- હવામાન વિભાગે આગામી દિવસોમાં મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.