રિટર્નની મુદ્દત વધારવા માંગ: 2.25 કરોડથી વધુ ઇન્કમટેક્સ રિટર્ન ભરવાના બાકી, માત્ર 4 દિવસનો સમય બાકી
Demand to extend IT return deadline : ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર હોવા છતાં, હજુ પણ અંદાજે 2.25 કરોડ જેટલા રિટર્ન ભરવાના બાકી છે. ગત વર્ષે કુલ 7.41 કરોડ રિટર્ન ભરાયા હતા, જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 5.30 કરોડ રિટર્ન જ ફાઇલ થયા છે. આ પરિસ્થિતિને જોતાં, ટેક્સ પ્રેક્ટિશનર્સ અને કરદાતાઓમાં સમયમર્યાદા લંબાવવાની માંગણી ઉઠી છે.
વિલંબ પાછળના મુખ્ય કારણો
ઓલ ઇન્ડિયા ફેડરેશન ઑફ ટેક્સ પ્રેક્ટિશનર્સના નેશનલ પ્રેસિડેન્ટે આ વિલંબ માટેના કેટલાક કારણો રજૂ કર્યા છે. તેમણે જણાવ્યું કે, આ વર્ષે ITR-1થી લઈને ITR-7 સુધીના ફોર્મ્સ ખૂબ જ મોડા બહાર પાડવામાં આવ્યા હતા, જેના કારણે હજારો કરદાતાઓ અટવાયા હતા અને સમયસર રિટર્ન ભરી શક્યા નહોતા. સામાન્ય રીતે આ ફોર્મ્સ 1 એપ્રિલ સુધીમાં ઉપલબ્ધ થઈ જતા હોય છે.
આ ઉપરાંત, આ વર્ષે રજૂ કરવામાં આવેલ AIS (Annual Information Statement) માં પણ ઘણી વિસંગતતાઓ હોવાથી કરદાતાઓને રિટર્ન ભરવામાં મુશ્કેલીઓ પડી રહી છે.
અનેકવિધ સમસ્યાઓ અને એક સાથે ભારણ
દેશના વિવિધ ભાગોમાં, ખાસ કરીને હિમાચલ પ્રદેશ અને પંજાબ જેવા રાજ્યોમાં, પૂર જેવી પરિસ્થિતિના કારણે લોકો માટે રિટર્ન ફાઇલ કરવું મુશ્કેલ બન્યું છે. આ સાથે, 15 સપ્ટેમ્બરની તારીખે GST રિટર્ન અને ઍડ્વાન્સ ટેક્સ ભરવાનું ભારણ પણ એકસાથે આવતાં કરદાતાઓની મુશ્કેલી વધી છે.
આ પણ વાંચો: સોના-ચાંદી પર કેટલો GST? જ્વેલરી માટે તો અલગ જ નિયમ, શું તમે જાણો છો?
આ તમામ કારણોને ધ્યાનમાં રાખીને, ઓલ ઇન્ડિયા ફેડરેશન ઑફ ટેક્સ પ્રેક્ટિશનર્સે નાણા મંત્રી સમક્ષ નોન-ઓડિટેડ ટેક્સ રિટર્ન, ટેક્સ ઓડિટ રિપોર્ટ, ઓડિટ ટેક્સ રિટર્ન અને બિલેટેડ ટેક્સ રિટર્ન જેવી તમામની તારીખો એક મહિના માટે લંબાવવાની માંગણી કરી છે.