સોના-ચાંદી પર કેટલો GST? જ્વેલરી માટે તો અલગ જ નિયમ, શું તમે જાણો છો?
Gold Silver Price: પૌરાણિક કાળથી ભારતીયો માટે સોના-ચાંદીની વસ્તુઓ, ઘરેણાં લોકપ્રિય રહ્યા છે. ભારતીયો વારે-તહેવારે, ટાણે-અટાણે સોના-ચાંદીની ખરીદી કરતાં હોય છે. શ્રાદ્ધપક્ષ બાદ ફરી પાછી તહેવારોની સીઝન શરુ થશે. આ સીઝનમાં સોના-ચાંદીની ખરીદી કરતી વખતે તેમાં લાગુ થતાં ચાર્જ જાણવા જરૂરી છે.
વૈશ્વિક પડકારો અને અનિશ્ચિતતાઓ વચ્ચે આ કિંમતી ધાતુના ભાવ આસમાને પહોંચ્યા છે. છેલ્લા 11 દિવસમાં સોનાનો ભાવ 10 ગ્રામદીઠ રૂ. 6600 વધ્યો છે. ચાંદીની કિંમત પણ રૂ. 6500 પ્રતિ કિગ્રા વધી છે. એવામાં આ તહેવારોની સીઝનમાં સોના-ચાંદીના ઘરેણાં ખરીદવા મોંઘા પડશે. જેમાં ઘડામણનો ખર્ચ તેમજ ઘડામણ પર લાગુ થતો જીએસટી ખરીદીને વધુ ખર્ચાળ બનાવશે.
સોના-ચાંદીના ઘરેણાં પર લાગુ છે આ ચાર્જિસ
સરકારી નિયમો અનુસાર, સોના અને ચાંદી પર 3 ટકા જીએસટી લાગુ થાય છે, અર્થાત્ સોનાના બજાર ભાવ રૂ. 1,00,000 પ્રતિ 10 ગ્રામ છે, તો તેના પર રૂ. 3000 જીએસટી રૂપે ચૂકવવા પડશે. ચાંદી પર પણ 3 ટકા જીએસટી લાગુ છે. વધુમાં ઘરેણાં પર ઘડામણનો ચાર્જ (મેકિંગ ચાર્જ) અલગથી વસૂલવામાં આવે છે. જેથી ગ્રાહકોને સોના-ચાંદીના દાગીના ખરીદતી વખતે વાસ્તવિક કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે.
સોના-ચાંદી પર લાગુ વિવિધ ચાર્જ
આ પણ વાંચોઃ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિની કહાની, જેની પાસે નથી કોઈ ડિગ્રી, મસ્કને પણ પાછળ છોડી દીધા
ધારો કે, સોનાની બજાર કિંમત રૂ. 1,00,000 પ્રતિ 10 ગ્રામ છે. જેના પર 5 ટકા જીએસટી અને મેકિંગ ચાર્જ આ રીતે ઉમેરાય છે.
સોનાની બજાર કિંમત- રૂ. 1,00,000
3 ટકા જીએસટી- રૂ. 3,000
મેકિંગ ચાર્જ (10 ટકા) – રૂ. 10,000
મેકિંગ ચાર્જ પર 5 ટકા જીએસટી- રૂ. 500
કુલ કિંમતઃ રૂ. 1,00,000+ 3,000+10,000+500= રૂ. 1,13,500
જીએસટી પહેલાં લાગુ હતા આ ચાર્જ
જીએસટી લાગુ થયા પહેલાં સોના-ચાંદી પર જુદા-જુદા રાજ્યોનું કર-માળખુ અલગ અલગ હતું. અમુક રાજ્ય VAT, અમુક એક્સાઇઝ ડ્યુટી અને અમુક રાજ્યોમાં સર્વિસ ટેક્સ લાગુ હતો. પરંતુ વન ટેક્સ વન નેશનના મિશન સાથે જુલાઈ, 2017માં દેશભરમાં ટેક્સ પ્રણાલી એકસમાન કરવામાં આવી. જેનાથી કારોબારીઓ અને ગ્રાહકો વચ્ચે પારદર્શિતા વધી છે.
જીએસટી ઘટાડવાની માગ
ઉદ્યોગ જગત છેલ્લા ઘણા સમયથી જીએસટીમાં ઘટાડો કરવાની માગ કરી રહ્યું છે. સોના પર જીએસટી રેટ 3 ટકાથી ઘટાડી 1 ટકા કરવાની માગ કરી છે. જેથી વપરાશ અને રોકાણ બંનેને પ્રોત્સાહન મળી શકે. સરકારી આંકડા અનુસાર, ભારત દરવર્ષે આશરે 800થી 900 ટન સોનાની આયાત કરે છે. જેના પર કસ્ટમ ડ્યુટી લાગુ પડતી હોવાથી સોનાની કિંમત વધી જાય છે.