Weather and Smog News : જમ્મુ-કાશ્મીરમાં રવિવારે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની પ્રદેશોમાં વરસાદના કારણે ઠંડીનો પ્રકોપ વધ્યો હતો. બીજીબાજુ દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશને રવિવારે ગાઢ ધૂમ્મસથી કોઈ છુટકારો મળ્યો નહોતો અને ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટી અત્યંત ઘટી ગઈ હતી. રાજ્યમાં વિવિધ અકસ્માતોમાં કુલ નવ લોકોનાં મોત નીપજ્યાં હતા. બીજીબાજુ દિલ્હીમાં ધુમ્મસના કારણે રવિવારે એરપોર્ટ ઓથોરિટીને 105થી વધુ ફ્લાઈટ્સ રદ કરવાની ફરજ પડી હતી અને 450થી વધુ ફ્લાઈટના કાર્યક્રમો ખોરવાયા હતા.
ઉત્તર પ્રદેશમાં રવિવારે પાછોતરી હવાઓના કારણે ભયાનક ઠંડી પડી હતી. શીતલહેર અને ગાઢ ધુમ્મસના કારણે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ હતી. આગરા, અલિગઢ, બારાબંકીમાં વિઝિબિલિટી શૂન્ય રહી હતી. રવિવારે સુલતાનપુર 4.7 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. આ સિવાય શીત લહેર અને ગાઢ ધુમ્મસના કારણે સર્જાયેલા અકસ્માતોમાં કાનપુરમાં ચાર, બરેલીમાં બે, બાંદામાં બે અને વારાણસીમાં એકનાં મોત નીપજ્યાં હતા.
હવામાન વિભાગે જમ્મુ, કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના ઉત્તર-પૂર્વના પર્વતીય વિસ્તારોમાં સોમવાર સુધી હિમપ્રપાત સાથે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદને આગાહી કરી છે. ઊંચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષાના કારણે જમ્મુને કાશ્મીર સાથે જોડવાની વૈકલ્પિક સુવિધા પૂરી પાડતા મુઘલ અને સિનથાન ટોપ માર્ગો પર ટ્રાફિક સસ્પેન્ડ કરી દેવાયો હતો.
જોકે, જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વરસાદ છતાં ટ્રાફિક વ્યવહાર ચાલુ રહ્યો હતો. જોકે, પીર કી ગલી વિસ્તારમાં ફસાયેલા ત્રણ લોકોને બચાવાયા હતા. જમ્મુ-કાશ્મીરમાં હાડ ગાળતી ઠંડીનો 40 દિવસનો ચિલ્લાઈ કલાન શરૂ થયો છે ત્યારે શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સે. નોંધાયું હતું. ઉત્તર કાશ્મીરના ગુલમર્ગમાં તાપમાન માઈનસ ૧.૫ ડિગ્રી સે. નોંધાયું હતું.
દિલ્હીમાં આ સિઝનમાં ડિસેમ્બરનો સૌથી ઠંડો દિવસ રહ્યા પછી લઘુત્તમ તાપમાન 9.4 ડિગ્રી સે. પર સ્થિર થયું હતું. ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોમવારે કુલ 105 ફ્લાઈટ રદ કરાઈ હતી જ્યારે ૪૫૦થી વધુ ફ્લાઈટનો કાર્યક્રમ ખોરવાઈ ગયો હતો.
દરમિયાન પંજાબ અને હરિયાણામાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. પંજાબનું ગુરદાસપુર 6.8 ડિગ્રી સે. સાથે સૌથી ઠંડુ શહેર હતું. હરિયાણાના ભિવાનીમાં સૌથી ઓછું 6.5 ડિગ્રી સે. તાપમા નોંધાયું હતું.
જોકે, રાજસ્થાનમાં પારો આંશિક ઉપર ગયો હોવા છતાં અનેક વિસ્તારોમાં રાત્રે તાપમાન 10 ડિગ્રીથી નીચે રહ્યું હતું. ઝારખંડમાં પણ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે રહ્યો હતો.


