Get The App

દિલ્હીમાં AQI 300ને પાર જતાં શ્વાસ લેવામાં મુશ્કેલી, પ્રદૂષણના કારણે વેપારમાં દરરોજ રૂ.100 કરોડનું નુકસાન

Updated: Nov 10th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીમાં AQI 300ને પાર જતાં શ્વાસ લેવામાં મુશ્કેલી, પ્રદૂષણના કારણે વેપારમાં દરરોજ રૂ.100 કરોડનું નુકસાન 1 - image


Delhi Chokes Under Toxic Smog: દિલ્હી અને તેની આસપાસના NCR વિસ્તારમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ ફરી ગંભીર બની છે, સમગ્ર શહેર પર ધુમાડાનું ગાઢ આવરણ છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) મુજબ, સોમવારે સવારે દિલ્હીનો સરેરાશ AQI 372 ('ગંભીર' શ્રેણી) નોંધાયો, જે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે.

શહેરના મોટાભાગના વિસ્તારોમાં AQI 300થી 400 વચ્ચે રહ્યો. NCR શહેરોમાં પણ સ્થિતિ ખરાબ છે, જેમાં ફરીદાબાદ (312), ગાઝિયાબાદ (318), ગ્રેટર નોઇડા (325), ગુરુગ્રામ (328) અને નોઇડા(310)માં AQI 'અત્યંત ખરાબ'થી 'ગંભીર' શ્રેણીમાં નોંધાયો છે.

પ્રદૂષિત હવાના કારણે ફેફસાં અને હૃદયનું જોખમ

પર્યાવરણ નિષ્ણાતોના મતે, લાંબા સમય સુધી આ પ્રદૂષિત હવામાં રહેવાથી શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા તથા હૃદય અને ફેફસાંની બીમારીઓ વધી શકે છે. ઘણા લોકોએ શ્વાસ ફૂલવો, ગળામાં ખંજવાળ આવવાની ફરિયાદો કરી છે. બીજી તરફ, દિલ્હી-એનસીઆરમાં ઠંડી પણ વધી રહી છે. લઘુત્તમ તાપમાન 11°C (સામાન્ય કરતાં 3 ડિગ્રી ઓછું) અને દિવસનું તાપમાન 27-28°C આસપાસ જળવાયું છે. હવામાન વિભાગ અનુસાર, 15-20 કિલોમીટર પ્રતિ કલાકની ઠંડી હવાને કારણે સવાર-સાંજ વધુ ઠંડી અનુભવાશે.

સરકારી પગલાં છતાં સ્થિતિ યથાવત્

હવામાન વૈજ્ઞાનિકો અનુસાર, હવાની ધીમી ગતિ, તાપમાનમાં ઘટાડો અને વધેલા ભેજના કારણે પ્રદૂષકો હવામાં ઉપર જઈ શકતા નથી. તેમજ આસપાસના રાજ્યોમાં પરાળ સળગાવવાથી ધુમાડો અને પ્રદૂષણનું સ્તર ગાઢ બની રહ્યું છે. જેથી સરકાર દ્વારા વાહનો પર પ્રતિબંધ, બાંધકામ નિયંત્રણ અને એન્ટી-સ્મોગ ગનનો ઉપયોગ જેવા પગલાં લેવા છતાં પરિસ્થિતિમાં ખાસ સુધારો જોવા મળતો નથી. ડૉક્ટરોની સલાહ છે કે, લોકો, ખાસ કરીને બાળકો અને વૃદ્ધો, બહાર ઓછું નીકળે અને બહાર જાય ત્યારે N-95 માસ્ક પહેરે.

વેપાર પર પ્રદૂષણનો ફટકો: દરરોજ ₹100 કરોડનું નુકસાન

દિલ્હી-એનસીઆરમાં વધી રહેલું વાયુ પ્રદૂષણ, જેની ગુણવત્તા 'ગંભીર' શ્રેણીમાં પહોંચી ગઈ છે, તે હવે લોકોના સ્વાસ્થ્યની સાથે કારોબાર પર પણ ગંભીર અસર કરી રહ્યું છે. રિટેલ બજારોમાં ગ્રાહકો ખરીદી માટે આવવાનું ટાળતા હોવાથી વેપારીઓની ચિંતા વધી છે.

આ ગંભીર પરિસ્થિતિને લઈને ચેમ્બર ઑફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી(CTI)ના ચેરમેન બ્રિજેશ ગોયલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે પ્રદૂષણ નિયંત્રણ માટે દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની સરકારોની ઇમરજન્સી મીટિંગ બોલાવવાની માંગ કરી છે.

બ્રિજેશ ગોયલના જણાવ્યા મુજબ, પ્રદૂષણના કારણે દિલ્હી-એનસીઆરના બજારોમાં ગ્રાહકોની સંખ્યા 3-4 લાખથી ઘટીને લગભગ 1 લાખ થઈ ગઈ છે. પ્રદૂષણના ડરથી, ખાસ કરીને શ્વાસના દર્દીઓ, ઘરની બહાર નીકળતા નથી. તેમજ લગ્ન-પ્રસંગોની સિઝન હોવા છતાં, બજારોમાં રોનકને બદલે સન્નાટો છે અને ગ્રાહકો આવતા નથી. જેના કારણે દિલ્હીના વેપારને દરરોજ લગભગ ₹100 કરોડનું નુકસાન થઈ રહ્યું છે.

આ પણ વાંચો: મૈસૂરમાં સ્કૂલમાં 13 વર્ષના વિદ્યાર્થી સાથે ભયાનક રેગિંગ, પ્રાઈવેટ પાર્ટમાં ઈજાના નિશાન મળ્યાં

નોઇડા, ગુરુગ્રામ સહિત NCRમાં પણ હવા અત્યંત ખરાબ

CTIના મહાસચિવ ગુરમીત અરોરા અને વરિષ્ઠ ઉપાધ્યક્ષ દીપક ગર્ગે જણાવ્યું કે આ સમસ્યા માત્ર દિલ્હીની નહીં, પરંતુ સમગ્ર NCRની છે, જ્યાં નોઇડા, ફરીદાબાદ, ગુરુગ્રામ અને સોનીપત સહિત તમામ સ્થળોએ હવાની સ્થિતિ અત્યંત ખરાબ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, દિલ્હી સરકાર એકલા હાથે પ્રયાસ કરી રહી હોવા છતાં, જ્યાં સુધી હરિયાણા, પંજાબ, યુપી, રાજસ્થાન અને દિલ્હી એકસાથે નહીં બેસે ત્યાં સુધી કાયમી સમાધાન શક્ય નથી.

CTIના ઉપાધ્યક્ષ રાજેશ ખન્ના અને રાહુલ અદલખાએ કેન્દ્ર સરકારને અપીલ કરી કે રાજ્યો સાથે મળીને પ્રદૂષણ વિરુદ્ધ સખત પગલાં લેવામાં આવે, અન્યથા કારોબારને મોટું નુકસાન થશે. તેમણે ખાતરી આપી કે દિલ્હીના 20 લાખ વેપારીઓ સરકારને પૂરો સહયોગ આપવા તૈયાર છે અને જો સરકાર બજારોને અલગ-અલગ સમયે ખોલવાનો નિયમ લાગુ કરવા માંગે તો તેઓ સહકાર આપશે.

દિલ્હીમાં AQI 300ને પાર જતાં શ્વાસ લેવામાં મુશ્કેલી, પ્રદૂષણના કારણે વેપારમાં દરરોજ રૂ.100 કરોડનું નુકસાન 2 - image

Tags :