India

પેલેટ ગન કેસમાં ભીંસમાં આવેલી દિલ્હી પોલીસે અંતે એફઆઈઆર નોંધવી પડી

By GS Team
21 Aug 20263 mins read
TukuTouch Logo
દિલ્હીમાં ૨૦ જુલાઈએ 'ચલો સંસદ માર્ચ' દરમિયાન પેલેટ ગનથી ઘાયલ સાહિલ લોચબને લઈને રાહુલ ગાંધી સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. લગભગ 8 કલાકના ધરણાં બાદ દિલ્હી પોલીસે અજ્ઞાત લોકો વિરુદ્ધ BNSની કલમ 118 અને 125 હેઠળ FIR નોંધી હતી. રાહુલે તેને ન્યાયની દિશામાં પ્રથમ પગલું ગણાવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

પેલેટ ગન કેસમાં ભીંસમાં આવેલી દિલ્હી પોલીસે અંતે એફઆઈઆર નોંધવી પડી

નવી દિલ્હી : દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના લગભગ આઠ કલાકના ધરણાં પછી અંતે દિલ્હી પોલીસ ઝુકી ગઈ હતી અને ૨૦ જુલાઈએ 'ચલો સંસદ માર્ચ'ના દેખાવો સમયે પેલેટ ગનના ઉપયોગ મુદ્દે એફઆઈઆર નોંધી હતી. રાહુલ ગાંધી શુક્રવારે પેલેટ ગનથી ઘાયલ થનારા સાહિલને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સાહિલ લોચબની ફરિયાદથી અજ્ઞાાત લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ હતી. રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહના આદેશથી એફઆઈઆર નહીં નોંધાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી શુક્રવારે પ્રિયંકા ગાંધી, તેમના સમર્થકો અને પેલેટ ગનથી ઘાયલ થનારા સાહિલ લોચબ સાથે પહેલા કોનોટ પ્લેસ પોલિસ સ્ટેશન ગયા હતા અને ત્યાંથી સંસદ માર્ગ પોલીસ સ્ટેશન સ્થિત ડીસીપી ઓફિસ પહોંચ્યા હતા. તેમણે ૨૦ જુલાઈએ સીજેપીના દેખાવો સમયે વિદ્યાર્થીઓ અને યુવાનો પર પેલેટ ગનના ઉપયોગ અંગે ચાલી રહેલી તપાસની દિલ્હી પોલીસ સમક્ષ વિગતો માગી હતી. રાહુલ ગાંધી તેમની સાથે એક પ્લાસ્ટિકના ડબ્બામાં પેલેટ લઈને પહોંચ્યા હતા.
રાહુલ ગાંધીએ દિલ્હી પોલીસને જણાવ્યું કે, પેલેટ ગન ચલાવનારા સામે એફઆઈઆર નહીં નોંધાય ત્યાં સુધી તેઓ પાછા નહીં જાય. આ સાથે તેઓ પોલીસ સ્ટેશનમાં જ ધરણાં પર બેસી ગયા હતા. લગભગ ૭.૩૦ કલાક સુધી રાહુલ ગાંધીના ધરણાં પછી અંતે દિલ્હી પોલીસે આ કેસમાં બીએનએસની કલમ ૧૧૮ અને ૧૨૫ હેઠળ એફઆઈઆર નોંધી હતી. એફઆઈઆર નોંધાયા પછી રાહુલે ધરણાં ખતમ કર્યા હતા. પોલીસ સ્ટેશનમાંથી બહાર આવી રાહુલ ગાંધીએ કહ્યું કે, પેલેટ ગનના કેસમાં એફઆઈઆર નોંધાવાઈ તે ન્યાયની દિશામાં પહેલું પગલું છે. યુવાન સાહિલ લોચબને પેલેટ ગનની ગોળી વાગ્યાને એક મહિનો થઈ ગયો છતાં દિલ્હી પોલીસે હજુ સુધી એફઆઈઆર નોંધી નથી. આ સાહિલ સાથે ઘોર અન્યાય છે. પેલેટ ગનથી ઘાયલ થનારા પીડિતની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધવાના બદલે પોલીસ તેમના પરિવારને પરેશાન કરી રહી હતી. ગૃહ સચિવ અને અમિત શાહની મંજૂરી પછી જ એફઆઈઆર નોંધાઈ શકી. તેનાથી સમજી શકાય છે કે એફઆઈઆર કોણ થવા દેતું નહોતું. પોલીસ અધિકારી તો એફઆઈઆર નોંધવા માગતા હતા, પરંતુ તેમને ઉપરથી રોકાયા હતા.
દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધ્યા પછી સાહિલે કહ્યું કે, મને વિશ્વસા હતો કે લોકસભામાં વિપક્ષના નેતા આવ્યા છે તો એફઆઈઆર તો થશે. ભારતના બધા વિદ્યાર્થીઓને હું એ જ કહેવા માગું છું કે તમે વિશ્વાસ રાખો, તમારો અવાજ કોઈ દબાવી નહીં શકે. દરમિયાન દેશભરમાં સ્કૂલ ઠીક કરો અભિયાન હેઠળ સીજેપીના કો-કન્વીનર આશુતોષ રાંકા અને તેમની ટીમ રાજસ્થાનના પાટનગર જયપુરમાં જર્જર સ્કૂલોનું નિરીક્ષણ કરવા પહોંચતા ગ્રામીણોએ તેમને માર મારી ભગાડયા હતા. આશુતોષ રાંકા અને તેમની ટીમ જયપુરના બગરુ સ્થિત રામપુરા કંવરપુરાની સરકારી સ્કૂલમાં પહોંચી ત્યારે તેમણે ગ્રામીણોના ઉગ્ર વિરોધનો સામનો કરવો પડયો હતો. ગ્રામીણોએ તેમની સાથે મારપીટ કરી અને તેમને ભગાડી મૂક્યા હતા તથા તેમની ગાડીઓ પર પથ્થરમારો કર્યો હતો.