બ્લાસ્ટ બાદ દિલ્હી પોલીસનું પ્રથમ સત્તાવાર નિવેદન, કહ્યું- રેડ લાઈટ પર કાર રોકાઈ પછી ધડાકો થયો

Delhi Car Blast : રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસેનો વિસ્તાર વિસ્ફોટથી હચમચી ગયો છે. આજે સોમવારે (10 નવેમ્બર) સાંજે 6:55 વાગ્યે ઇકો વાનમાં વિસ્ફોટ થતાં 10 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાસ્થળેથી 8 મૃતદેહોને LNJP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભયંકર વિસ્ફોટ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ 1 પાસે થયો હતો. દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલ્ચાએ જણાવ્યું હતું કે, 'ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે, આ કોઈ સામાન્ય વિસ્ફોટ નથી.'
દિલ્હી પોલીસ એલર્ટ પર
દિલ્હીમાં ભયંકર વિસ્ફોટના પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. કારમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી હતી. બ્લાસ્ટની ઘટનાને લઈને દિલ્હી, મુંબઈ, ગુજરાત સહિતના રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પ્રત્યક્ષદર્શીઓના મુજબ, બ્લાસ્ટ બાદ કારમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે આસપાસની 7-8 ગાડીઓ આગની ઝપેટમાં આવી ગઈ હતી. સમગ્ર ઘટનાને લઈને દિલ્હી પોલીસ સ્થળ પર પહોંચીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જોકે, કારમાં બ્લાસ્ટ ક્યા કારણોસર થયો તેનું ચોક્ક્સ કારણ હજુ સામે આવ્યું નથી.
આ પણ વાંચો: લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ, 10ના મોત; NIA અને NSGની ટીમો ઘટનાસ્થળે પહોંચી
દિલ્હી પોલીસ કમિશનરે શું કહ્યું?
વિસ્ફોટ બાદ દિલ્હી પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, 'વિસ્ફોટની તપાસ કરવામાં આવી રહી છે. આ કોઈ સામાન્ય વિસ્ફોટ નથી. આજે સાંજે આશરે 6:52 વાગ્યે, એક વાહન ધીમે ધીમે આગળ વધી રહ્યું હતું અને લાલ લાઇટ પર અટકી ગયું. તેવામાં કારમાં વિસ્ફોટ થયો હતો, અને વિસ્ફોટથી નજીકના વાહનોને પણ ભારે નુકસાન થયું હતું.'
આ પણ વાંચો: દિલ્હીમાં કારમાં બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઇઍલર્ટ, મહારાષ્ટ્ર-યુપીમાં પણ પોલીસ દોડતી થઈ
તેમણે વધુમાં કહ્યું કે, 'FSL અને NIA સહિત તમામ એજન્સીઓ હાજર છે. આ ઘટનામાં કેટલાક લોકો મૃત્યુ પામ્યા છે અને અન્ય ઈજાગ્રસ્ત થયા છે. પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ગૃહમંત્રીએ પણ અમને ફોન કર્યો છે, અને અમે સમયાંતરે તેમની સાથે માહિતી શેર કરી રહ્યા છીએ.'

