ISIS ના 5 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ, દિલ્હી-મુંબઈ સહિત 3 રાજ્યોમાં દરોડાની કાર્યવાહી
ISIS Terrorist Arrest: દિવાળી પહેલાં ઈન્ટેલીજન્સ એજન્સીઓએ એક મોટી સફળતા હાંસલ કરી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને સેન્ટ્રલ એજન્સીઓએ દિલ્હી, મુંબઈ અને ઝારખંડમાં દરોડા પાડીને ISISના પાંચ આતંકવાદીઓની ધરપકડ કરીને એક મોટા આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ દરોડા દરમિયાન, દિલ્હીમાંથી બે અને અન્ય રાજ્યોમાંથી ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓ પકડાયા હતા.
ISISના 5 આતંકવાદીઓ ઝડપાયા
આતંકવાદીઓની ઓળખ મુંબઈના આફતાબ અને સુફિયાન તરીકે થઈ છે, જેમને દિલ્હીથી પકડવામાં આવ્યા હતા. તેમના મુંબઈના ઠેકાણાઓ પર સ્પેશિયલ સેલે દરોડા પાડતા હથિયારો અને IED (ઈમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ) બનાવવાનો સામાન મળી આવ્યો હતો.
ઝારખંડના રાંચીમાંથી ધરપકડ કરાયેલા અશહર દાનિશ પાસેથી પણ કેમિકલ IED બનાવવાનો સામાન જપ્ત થયો છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ આતંકવાદીઓનું જૂથ કોઈ મોટા આતંકવાદી હુમલાનું કાવતરું ઘડી રહ્યું હતું.
આતંકવાદીઓનો સુરાગ કેવી રીતે મળ્યો?
9 સપ્ટેમ્બરે, દિલ્હી પોલીસને એક બાતમીદાર પાસેથી આતંકવાદી આફતાબ વિશે બાતમી મળી. આ બાતમીના આધારે, સ્પેશિયલ સેલે દરોડો પાડીને આફતાબને ઝડપી લીધો. તેની પૂછપરછ દરમિયાન, પોલીસને દાનિશ વિશે જાણકારી મળી. આફતાબની માહિતીને પગલે, પોલીસે ઈન્ટેલીજન્સ એજન્સીઓ સાથે મળીને ઝારખંડની રાજધાની રાંચીમાં દરોડા પાડ્યા.
ઝારખંડ એટીએસ અને રાંચીની સ્થાનિક પોલીસની મદદથી, ઇસ્લામ નગરની એક લોજ પર દરોડો પાડવામાં આવ્યો, જ્યાં અશહર ઉર્ફે દાનિશ એક વિદ્યાર્થી તરીકે છુપાઈને રહેતો હતો. તેની ધરપકડ બાદ, પૂછપરછમાં એ વાતનો ખુલાસો થયો કે તે કેમિકલ હથિયારો બનાવવામાં નિષ્ણાત છે. દાનિશ અને આફતાબની પૂછપરછને આધારે, અન્ય ત્રણ આતંકવાદીઓ પણ પકડાઈ ગયા.
આતંકવાદીઓ પાસેથી શું શું મળી આવ્યું?
દરોડા દરમિયાન આતંકવાદીઓ પાસેથી પિસ્તોલ, ડિજિટલ ડિવાઈસ, હાઈડ્રોક્લોરિક એસિડ, નાઈટ્રિક એસિડ, સોડિયમ બાઈકાર્બોનેટ, સલ્ફર પાવડર, PH વેલ્યુ ચેકર, વેઇંગ મશીન, બીકર સેટ, સેફ્ટી ગ્લવ્સ, રેસ્પિરેટરી માસ્ક, લેપટોપ, મોબાઈલ ફોન, પ્લાસ્ટિક બોક્સ, સ્ટ્રીપ વાયર, સર્કિટ, મધરબોર્ડ અને ડાયોડ્સ જેવો સામાન મળ્યો છે.
હાલ ઈન્ટેલીજન્સ એજન્સીઓ પાંચેય આતંકવાદીઓની પૂછપરછ કરીને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેઓ કઈ કઈ જગ્યાએ હુમલાની યોજના બનાવી રહ્યા હતા અને કયા સ્થળોએ બોમ્બ પ્લાન્ટ કરવાનું આયોજન હતું. આ સાથે તેમના અન્ય સાથીઓ ક્યાં છે અને કોના આદેશ પર તેઓ ભારતમાં આવીને આ ષડયંત્ર રચી રહ્યા હતા, તે અંગે પણ તપાસ ચાલી રહી છે.