વડાપ્રધાન મોદીએ કતારના અમીરને કર્યો કોલ, ઈઝરાયલના હુમલાને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું
Israel Attack on Doha: હમાસના ટોપ અધિકારી દોહામાં અમેરિકાના સમર્થન આધારિત યુદ્ધ વિરામ કરાર પર વાત કરવા તૈયારી કરી રહ્યા હતા, ત્યારે અચાનક ઈઝરાયલની સેનાએ કતારની રાજધાની દોહામાં હુમલો કરતાં અફરાતફરી સર્જાઈ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કતારના અમીર તમીમ બિન હમદ અલ-થાની સાથે ટેલિફોનિક વાત કરી દોહામાં થયેલા હુમલા પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઈઝરાયલના આ હુમલાને સાર્વભૌમત્વનું "ઉલ્લંઘન" ગણાવી વિવાદોના ઉકેલ માટે વાતચીત કરવા હાંકલ કરી હતી.
વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર પોસ્ટ કરી હતી કે, 'કતારના અમીર શેખ તમિમ બિન હમાદ અલ-થાની સાથે વાત કરી દોહામાં થયેલા હુમલાઓ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી. ભારત કતારના સાર્વભૌમત્વના ઉલ્લંઘનની નિંદા કરે છે. ભારતના સુસંગત વલણનું પુનરાવર્તિત કરતા અમે સંવાદ અને રાજદ્વારી દ્વારા વિવાદોનો ઉકેલ લાવવા હાંકલ કરીએ છીએ. વિવાદોને વધતા અટકાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, અમે વાતચીત અને કૂટનીતિ મારફત મુદ્દાઓનું સમાધાન કરવા અને વધતો તણાવ અટકાવવાનું સમર્થન કરીએ છીએ. ભારત આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે તમામ રૂપ અને અભિવ્યક્તિઓમાં આતંકવાદ વિરૂદ્ધ દ્રઢતાથી ઉભા છીએ.
આ પણ વાંચોઃ રશિયાના સૈન્યની ભરતીના જાળમાં ન ફસાતા... ભારત સરકારની એડવાઈઝરી, રશિયાને કરી અપીલ
ઈઝરાયલમાં હુમલામાં પાંચ લોકોના મોત
હમાસે જણાવ્યા અનુસાર, ઈઝરાયલ દ્વારા દોહામાં કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા છે. જેમાં હમાસના નેતાઓના ત્રણ અંગરક્ષક પણ સામેલ છે. હમાસના પોલિટિકલ બ્યૂરોના સભ્ય સુહૈલ અલ-હિન્દીએ જણાવ્યું હતું કે, ખલીલ અલ-હય્યાના પુત્ર હમ્મામ અલ-હય્યા તેમજ તેમના ઓફિસ મેનેજર જિહાદ લબાદ બંને માર્યા ગયા છે. વડાપ્રધાન મોદીની ચિંતા અને સહાનુભૂતિ પર કતારના તમીમ બિન હમદે પ્રતિક્રિયા આપી હતી. તેમણે ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા દોહાના પ્રયાસોના વખાણ કર્યા હતા. ગાઝામાં યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિની પહેલ સહિત કતારની મધ્યસ્થીની ભૂમિકાના પણ વખાણ કર્યા હતા. તેમણે કતારના લોકો અને રાજ્ય વતી પીએમ મોદીનો આભાર માન્યો હતો.