રશિયા-ભારતની મિત્રતા પર ગુસ્સે થયેલા અમેરિકાને વિદેશ મંત્રાલયે આપ્યો રોકડો જવાબ
MEA On Donald Trump Tariff Action: વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં અમેરિકા સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી છે. જેમાં ઈરાન સાથે વેપાર કરનારી ભારતીય કંપનીઓ પર અમેરિકા દ્વારા પ્રતિબંધ લાદવાની જાહેરાત મુદ્દે જયસ્વાલે જણાવ્યું હતું કે, અમે પ્રતિબંધો પર ધ્યાન આપ્યું છે, અને અમે તેના પર વિચાર કરી રહ્યા છીએ. ટેરિફના મામલે સરકાર તરફથી અનેક નિવેદનો જાહેર કરવામાં આવ્યા છે. જો કે, આ મુદ્દે વ્હાઇટ હાઉસને પૂછવામાં આવે તો યોગ્ય રહેશે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ મુદ્દે મજબૂત ભાગીદારી છે. હાલના દિવસોમાં સંરક્ષણ ભાગીદારી વધુ ગાઢ બની છે. 21મી સદી માટે ઇન્ડિયા-યુએસ કોમ્પેક્ટ પાર્ટનરશીપ થઈ છે. આ ભાગીદારીએ અનેક ફેરફારો અને પડકારોનો સામનો કર્યો છે. અમે અમારા એજન્ડા પર અડગ છીએ. જેના માટે બંને દેશ પ્રતિબદ્ધ છે. અમને વિશ્વાસ છે કે, આ સંબંધ આગળ પણ ચાલુ રહેશે. બંને દેશ વચ્ચે સંબંધ સંયુક્ત હિતો, લોકશાહી મૂલ્યો પર આધારિત છે.
પાકિસ્તાન પાસેથી ક્રૂડ ખરીદવા પર નો કમેન્ટ્સ
મીડિયાએ સવાલ પૂછ્યો હતો કે, ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું છે કે ભારત એક દિવસ પાકિસ્તાન પાસેથી ક્રૂડ ખરીદશે. તેના પર તમે શું કહેશો? જેનો જવાબ આપતાં જયસ્વાલે કહ્યું કે, આ મામલે મારે કોઈ ટિપ્પણી કરવી નથી. રશિયા પાસેથી ક્રૂડની ખરીદી ચાલુ રાખવા મુદ્દે પણ જયસ્વાલે મૌન ધારણ કર્યું હતું.
આ પણ વાંચોઃ 'પાયાવિહોણી વાતો પર ધ્યાન ન આપવું', વોટ ચોરીના રાહુલ ગાંધીના આરોપો પર ચૂંટણી પંચનો જવાબ
શ્રેષ્ઠ વિકલ્પો પર ફોકસ કરીશું
ક્રૂડ ઓઇલની ખરીદી મામલે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારત અને રશિયા વચ્ચે સ્થિર અને ટાઇમ-ટેસ્ટેડ પાર્ટનરશીપ છે. અમે વિશ્વમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ વિકલ્પો પાસેથી ક્રૂડની ખરીદી કરીશું. તેમજ અમેરિકા તરફથી લાદવામાં આવેલા ટેરિફનો અભ્યાસ કરી સચોટ નિર્ણયો લઈશું.
આ એક સંવેદનશીલ મામલો...
નિમિષા પ્રિયા સાથે જોડાયેલા સવાલ પર રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, આ એક સંવેદનશીલ મામલો છે, ભારત સરકાર આ મામલે સંપૂર્ણ મદદ મોકલવાનો પ્રયાસ કરી રહી છે. અમારા પ્રયાસના કારણે તેની મૃત્યુદંડની સજા હાલ પૂરતી રોકવામાં આવી છે. આ મામલે અમે નજર રાખી રહ્યા છીએ. જે એક જટિલ મામલો છે. ખોટી અફવાના બદલે સત્તાવાર નિવેદનો પર ફોકસ કરો.